લેખનું શીર્ષક ખરેખર તો ‘રાજીનામું અપાવવાની કળા’ એવું હોય તો લોકોને વધારે રસ પડે પણ હકીકત એ છે કે રાજીનામું અપાવવામાં કોઈ કળાની જરૂર હોતી નથી. એમાં તો, આંખ કાઢીને એક લીટીમાં કહી દેવાય તો પણ કામ થઈ જાય. પછી બાકીના પુસ્તકમાં લખવાનું શું? રાજીનામું અપાવનારને જાહેરમાં કેવો મહાન કહેવો પડે છે અને તેના વિશેનો સાચો અભિપ્રાય કેમ ખાનગી રાખવો પડે છે તેની મજબૂરીભરી મૂંઝવણ?
કળા જેવી કળા જેને કહેવાય એ તો છે રાજીનામું આપવાની કળા. જાણતલો કહેશે કે ઘણા સમયથી આજ્ઞાંકિતતાનો મહાસાગર બની રહેલા લોકોને છેલ્લો કટોરો ઝેરનો પીવામાં એટલે કે રાજીનામું આપવામાં શી તકલીફ પડે? તેમને તો ‘લાઈ હયાત આયે, કઝા લે ચલી ચલે/ અપની ખુશી ન આયે, ન અપની ખુશી ચલે’—એ શેર પ્રમાણે, પોતાની ઇચ્છાથી આવવાનું નથી હોતું ને પોતાની ઇચ્છાથી જવાનું પણ નથી હોતું. તો પછી હાયહાય શાની ને એવા કામમાં કળા પણ કેવી?
વાસ્તવમાં સાવ એવું નથી. લોકો ગમે તે માને, નેતાઓ, સત્તાધીશો- ખાસ કરીને રાજીનામું આપનારા- આખરે માણસ હોય છે. ચેનલોનાં માઇકની સામે પક્ષની શિસ્ત અને સંગઠનની શક્તિની ચૂઇંગ ગમો ચાવ્યા પછી તેમનું પણ મોં દુખી જાય છે અને થાક લાગે છે. એ વખતે મોં હસતું રાખવા માટે અને હૃદયભંગથી બચવા માટે પણ રાજીનામું આપવાની કળા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આર્ટ ઑફ લિવિંગના વર્ગો ચાલતા હોય તો આર્ટ ઑફ રિઝાઇનિંગના ક્લાસ, ભલે મર્યાદિત વિદ્યાર્થીઓ માટે, ભલે કોઈ પણ વયજૂથના લોકો માટે, ભલે ખાનગી રાહે, પણ કેમ નહીં?
વિવેચકો અને ઝીણું કાંતનારા પૂછશેઃ રાજીનામું આપવાની કળા એ ‘કળા ખાતર કળા’ છે કે ‘જીવન ખાતર કળા’? તે પાશ્ચાત્ય પ્રભાવથી પ્રેરિત છે કે ભારતીય સંસ્કૃતિથી? પહેલા સવાલનો જવાબ સ્પષ્ટ છેઃ આ જીવન ખાતર, વધુ ચોખવટથી કહીએ તો રાજકીય જીવન ટકાવી રાખવા ખાતરની કળા છે. રાજીનામું આપ્યા પછી સત્તા અને પદ તો જતાં રહે છે, પણ ત્યાર પછીનું જીવન સાવ રાજકીય વનવાસમાં ન જાય, રાજીનામા પછી પણ રાજકીય જીવન શેષ રહે તેના માટે સૂચના મળ્યે રાજીનામું ધરી દેવું જરૂરી છે. તેના આધારે ભવિષ્યમાં બીજા કોઈ હોદ્દાની સંભાવના રહે છે પરંતુ ઉપરથી કહેવા છતાં રાજીનામું આપવાનો ઇન્કાર કરવાનો તો ઠીક, તે માટેનાં કારણ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવે તો તે ગેરશિસ્ત લેખાઈ શકે છે. ત્યાર પછી અડવાણીની જેમ અનંત પ્રતીક્ષા પ્રાપ્ત થાય છે. રાજીનામું આપવાની કળા આવડતી હોય તો ગાલ લાલ રાખી શકાય છે અને તે લાલીને તમાચાની અસર નહીં પણ તંદુરસ્તીનું પ્રતીક ગણાવી શકાય છે. પાળીતાઓ આવા ફરજિયાત આપવા પડેલા રાજીનામાને પણ નૈતિક જીત કે એવું કશું નામ આપીને, પીછેહઠને આગેકૂચ તરીકે વર્ણવી શકે છે.
રહી વાત પ્રભાવને લગતા સવાલની. તો પાશ્ચાત્ય વડાઓ ભલે પોતાની માલિકીની કંપનીઓમાંથી વેળાસર નિવૃત્ત થઈ જતા હોય પણ એ પરંપરાનાં મૂળ વાનપ્રસ્થાશ્રમની પરંપરામાં રહેલાં છે. રાજીનામું આપીને, દૂરના ભવિષ્યમાં ફરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની આશા જીવતી રાખીને, કામચલાઉ વાનપ્રસ્થમાં જવાનું પગલું ભારતીય પરંપરાને પણ શોભાવનારું છે. આમ, શિસ્તની શિસ્ત, સંસ્કૃતિની સંસ્કૃતિ ને ઉજળી સંભાવનાઓ- આવા ત્રિવિધ ફાયદા રાજીનામું આપવાની કળા દ્વારા મેળવી શકાય છે.
કેટલીક વાર માણસને રાજીનામું લખવાની તક સુદ્ધાં મળતી નથી. રાજીનામું આપવાની કળા ત્યારે પણ ઉપયોગી નીવડે છે. તેના પ્રતાપે ત્યાગ, વિરક્તી, વૈરાગ્ય, નિઃસ્વાર્થ સેવા, સમર્પણ, વફાદારી, કર્મણ્યેવાધિકારસ્તે… વગેરે શબ્દો સાથેની વાતો કરીને પોતાની ઉચ્ચ નૈતિક ભૂમિકા દર્શાવી શકાય છે. તેમના પગ નીચેથી જાજમ ખેંચાઈ ગઈ હોવાને કારણે શારીરિક ભૂમિકા તો અમસ્તી પણ જમીન પરથી ઉછળીને પટકાતાં પહેલાં હોય એવી ‘ઉચ્ચ’ જ હોય છે.
કેટલાક લોકો એવા હોય છે, જે બીજા પાસેથી રાજીનામું લઈ લેવા અંગે ઉત્સાહી હોય અને રાજીનામાની પવિત્ર ચેષ્ટાનું પુણ્ય હંમેશાં બીજા કમાય એવું જ ઇચ્છતા હોય છે. તે પોતે કદી રાજીનામું આપતા નથી. એટલું જ નહીં, તેમણે રાજીનામું આપવું જોઈએ એવો વિચાર સુદ્ધાં જેના મનમાં આવતો જણાય, તેનું તે પહેલી તકે રાજીનામું પડાવી લે છે. પહેલાંના સમયમાં નેતાઓનું એટલું વજન રહેતું કે નેતાઓ રાજીનામાની ધમકી આપીને ધાર્યું કામ કઢાવી શકતા હતા. એ વખતે સ્વીકાર ન થાય એવી રીતે રાજીનામું આપવાની કળાની બોલબાલા હતી પરંતુ ઘણા સમયથી એ કળાનાં વળતાં પાણી છે.
હવે તો સત્તાધારી પક્ષના બે સિવાયના નેતાઓને હંમેશાં ટેન્શન રહેતું હશે કે ગમે ત્યારે તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં ન આવે. સત્તાધારી પક્ષનો હાઇકમાન્ડ જે રીતે રાજ્યોના મુખ્ય મંત્રીઓનાં રાજીનામાં માગી લે છે તે જોતાં, સરકારમાં ક્યાંક એક નવું રાજીનામા મંત્રાલય ઊભું કરવું પડે તો પણ નવાઈ નહીં. એ મંત્રાલયના મંત્રી પોતે દાખલો બેસાડવા માટે દર મહિને રાજીનામું આપે અને નવા નેતાને એ મંત્રીપદની તક આપે. એવું થાય તો રાજીનામા સાથે સંકળાયેલો ખોફનો માહોલ હળવો થશે અને ભારતીય પ્રજા જેમ પેટ્રોલના તોતિંગ ભાવવધારા સાથે જીવતાં શીખી ગઈ તેમ નેતાઓ રાજીનામા માગી લેતા હાઇકમાન્ડ સાથે હસીખુશીથી જીવતાં શીખી જશે. એ જ તો છે જીવન જીવવાની ખરી કળા.