Charchapatra

બેરોજગારીનો વિકલ્પ ટેક્નોલોજી?

વિમાનમાં કેબીન કુ.ની ભરતી માટેના ઇન્ટરવ્યૂ દિલ્હીમાં યોજવામા આવેલ, તેમાં નોકરી વાંચ્છુઓની ખૂબ લાંબી ક્તારો જોવા મળી. કેબીન કુ.માં કામ મેળવવા માટે પણ લાખોની સંખ્યામાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનાર બેરોજગાર આશા રાખતા હોઈ ત્યારે પ્રશ્ન થાય કે દેશમાં દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીનું આગમન થઇ રહયું છે, ત્યારે માનવબળ તો ઘટવાનું. દર વર્ષે દરેક પ્રકારની શૈક્ષણિક લાયકાત ધરાવતા ડિગ્રી ધારકો લાખોની સંખ્યામાં બહાર પડે છે. દરેકને નોકરી આપવાનું કામ મુશ્કેલ નહીં, ખૂબ જ કઠિન છે. મધ્યમ, ગરીબ અને વંચિત વર્ગના માબાપનો તેઓના દીકરા – દીકરીને શિક્ષણ અપાવવનો મુખ્ય હેતુ નોકરીનો જ હોય. કેમ કે આ વર્ગ પાસે પોતાનો પોતીકો વ્યવસાય, સ્વાતંત્ર વ્યવસાય હોતો નથી. એટલે મને – કમને જે કામ મળે તે સ્વીકારી લેવું પડે છે.

જેના લીધે આવકની અસમાનતા ઊભી થાય છે. દેશ આઝાદ થયા પછી બેરોજગારીનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ નથી કરી શક્યા. ટેક્નોલોજીનો વિકાસ એટલી હદે વધી રહ્યો છે કે તાજેતરમાં માનનીય વડાપ્રધાન શ્રીએ ડ્રોન મેળાનું ઉદઘાટન કર્યાના સમાચાર હતા. માનવની કામગીરીનું સ્થાન ડ્રોન લઇ લેશે. તો પછી ટેક્નોલોજી આવવાથી માનવને રોજગારી આપી શકાશે? દેશમાં ધાર્મિક ક્ષેત્રે જેટલી જાગૃતિ દર્શાવવામાં આવે છે, તેની સાથે સાથે બેકારી, મોંઘવારી, આવકની અસમાનતા કઈ રીતે ઘટાડી શકાય, તે માટે પણ જાગૃત થઈ લાંબા ગાળાની યોજના વિશે વિચારવાનો સમય થઈ ગયો છે, એવું નથી લાગતું?
સુરત     – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top