Gujarat

એક જ રાતમાં 14 ઈંચ વરસાદ ખાબકતા અમદાવાદ બેટમાં ફેરવાયું, શાળાઓમાં રજા આપી દેવાઈ

અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)માં ભારે વરસાદ(Heavy Rain)નાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું છે. મોડી રાતે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. વાસણા(Vasna), પાલડી(Paldi), એલિસબ્રિજ, સરસપુર, હાટકેશ્વર, બોપલ-ઘુમા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયાં છે. અમદાવાદમાં ભારે વરસાદનાં કારણે શાળા(School) – કોલેજો(Collage)માં રજા તેમજ શહેરનાં તમામ ગાર્ડન(Garden) બંધ(Close) રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારે વરસાદનાં કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર
અમદાવાદમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે શાળા-કોલેજોમાં આજે સોમવારે રજા જાહેર કરવામાં આવી છે. તમામ ગાર્ડન પણ બંધ કરી દેવાયા છે. શહેરનાં રોડ જાણે નદીમાં ફેવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદ બંધ થયાના ચાર કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા પરિસ્થિતિ વણસી છે. શહેરમાં આવેલા કોમ્પ્લેક્સનાં ભોંયરામાં આવેલી દુકાનો આખી પાણીમાં ડૂબી ગઈ છે. તો બકેરી સિટી વેજલપુરમાં વીજપુરવઠો ગઇકાલ રાતથી ખોરવાયો છે. ભારે વરસાદના કારણે ગઇકાલ રાતથી વીજળી ગુલ થઈ ગઈ છે. બકેરી સિટીમાં કમર સુધીના પાણી ઘૂસ્યા હતા. વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા રોડ પર પાણી ઓસર્યા નથી. વેજલપુર સોનલ સિનેમા રોડ થી લઈને ટોરેન્ટ પાવર સુધી હજી પણ પાણી ભરાયેલા છે. જેના પગલે લોકોને ભારે હાલાકી પડી રહી છે.

ઔડાના તળાવની પાળ તૂટી
અમદાવાદમાં ભારે વરસાદને કારણે પ્રહલાદનગર વિસ્તારમાં ઔડાના તળાવની પાળ તૂટી હતી. જેથી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાય ગયા હતા. જેના પગલે બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારો ડૂબી ગઈ હતી. તો શહેરમાં ઘણા અન્ડરબ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. સવાર સુધી રસ્તાઓ પર પાણી હોવાને કારણે નોકરીએ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતાં ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડયા હતા. મોડી રાતે ફરી વરસાદ શરૂ થતાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે. જેથી ભારે હાલાકી ભોગવવી પડી છે.

અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
રવિવાર મોડી રાતે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, ઇન્કમટેક્સ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડતાં ભારે હાલાકી પડી છે. હજી પણ સતત વરસાદ પડી રહ્યો છે. રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે સાત વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડ વિસ્તારમાં 14 ઇંચ, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે.

Most Popular

To Top