આણંદ : ઉમરેઠમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અષાઢ વદ એકમ 2078 ગુરુવારનાં રોજ અષાઢી પંચ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા તોલવામાં આવી હતી. જેમાં આષાઢીનાં વર્તારા પ્રમાણે આવનારા વર્ષ અઢાર આની રહેશે. એટલે કે ખૂબ જ સારું રહેશે. દરેક પાક ખુબજ સારો થશે. એવો વરતારો મહાદેવજીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે. ઉમરેઠના શિવાલયમાં આષાઢી તોલાનાં વર્તારા પ્રમાણે વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમ્યાન ખેતી કરતા હોય છે. આ વર્તારાને આષાઢી કહેવાય છે.
અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થયો હોય તે પાક વધારે ઉપજે છે. તેમજ જે ધાન્યમાં ઘટાડો જોવા મળ્યો હોય તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખુબ જ ઓછું થતું હોય છે. ધાન્યમાં જોવા મળતી વધ-ઘટ પરથી ખેડૂતો કયાં પાકની ખેતી કરવી ? તેનો અંદાજો લગાવે છે. જેમાં આ વર્ષે આષાઢીનાં વર્તારા પ્રમાણે આવનાર વર્ષ અઢાર આની રહેશે. એટલે કે ખૂબ જ સારું રહેશે. તલ અને ઘઉં વધારે હોવાથી શિયાળુ પાક ખુબજ સારો રહેશે. ડાંગરનું પ્રમાણ વધારે હોવાથી તેનો પાક અને આધારીત વરસાદ પણ ખૂબ જ સારો રહેશે. આ સાથે માટી ત્રણ રતી ઓછી છે એટલે કે મૃત્યુનું દર વધારે ગણવામાં આવ્યો છે.
કેવી રીતે તોલાય છે અષાઢી ?
ઉમરેઠએ અતિપ્રાચીન નગરી છે, ભારતમાં તે છોટે કાશી તરીકે જગપ્રસિદ્ધ છે. સમગ્ર ભારતમાં માત્ર કાશી અને ઉમરેઠમાં શિવાલયમાં ઐતિહાસિક આષાઢી તોલવાની પરંપરા છે. છેલ્લા ઘણા વર્ષોથી માત્ર અહીં જ આષાઢી તોલાય છે. ગુરુપૂણિઁમાના દિવસે દસ ધાન્ય જેમાં મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી અને માટી સહિત એક એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડાંમાં બાંધી માટીના ઘડામાં નિજમંદિરના ગોખમાં મુકવામાં આવે છે. બાદમાં બીજા દિવસે સવારે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે.
આ વર્ષની આષાઢીमां શું ફેરફાર રહ્યો
ઘઉં – 5 વધારે
તલ – 25 વધારે
અડદ – 2 વધારે
મગ – 1 વધારે
કપાસ – 1 વધારે
બાજરી – સમધારણ
માટી – 3 રતી ઓછી
ડાંગર – 5 વધારે
જુવાર – 3 વધારે
ચણા – 1 વધારે