Sports

IPLની 15મી સિઝન ગુજરાત ટાઇટન્સનો દબદબો, સરપ્રાઇઝ એલિમેન્ટની ખોટ વર્તાઇ

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની વિશ્વ આખામાં વખણાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ અર્થાત IPLની 15મી સિઝન પુર્ણ થઇ છે અને બે મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં અંતે આઇપીએલને એક નો ચેમ્પિયન મળ્યો છે. જો આખી ટૂર્નામેન્ટને ધ્યાને લેવામાં આવે તો એક વાત એ સમજાશે કે તેમાંથી કેટલાક નવા સ્ટાર ખેલાડીઓ ઊભરીને સામે આવ્યા છે. તો કેટલાક જામી પડેલા સ્ટાર ખેલાડીઓ પોતાની જે શાખ છે તે અનુસાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે અથવા તો એમ કહી શકાચ કે તેઓના સૂરસુરિયા બોલી ગયા છે.

આઇપીએલની લગભગ અડધાથી વધુ મેચોમાં પરિણામ છેલ્લી ઓવરમાં જ નક્કી થયું છે અને એ બાબત આઇપીએલમાં હંમેશાથી બનતી આવી છે, તેથી તેની કોઇને નવાઇ લાગી નહોતી. ગુજરાત ટાઇટન્સ માટે દરેક મેચમાં એક નવો ખેલાડી મેચ વિનર બનીને સામે આવ્યો હતો અને એ વાત જ તેમને ચેમ્પિયન બનાવી ગઇ છે. ક્યારેક પોતાની બોલીંગ માટે જાણીતા રાશિદ ખાને બેટીંગ વડે ગુજરાતને મેચ જીતાડી તો ક્યારેક હાર્દિકે પોતાની બોલીંગથી મેચ જીતાડી અને તેના કારણે ગુજરાત ટાઇટન્સનું આઇપીએલની આ સિઝન પર પ્રભુત્વ જળવાયેલું રહ્યું. જો કે આખી ટૂર્નામેન્ટ દરમિયાન કોઇ એવી સરપ્રાઇઝ એલિમેન્ટ જોવા ન મળી અને તેની ખોટ આ સિઝનમાં સાલી હતી.

ગુજરાત ટાઇટન્સની ટીમ શરૂઆતથી જ ચેમ્પિયનની જેમ રમી
આઇપીએલની 15મી સિઝન શરૂ થઇ ત્યારથી ગુજરાત ટાઇટન્સની ટીમ મજબૂત રહી હતી હાર્દિક પટેલની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સે શરૂઆતથી જ ટૂર્નામેન્ટ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ગુજરાતની ટીમે પોતાની પ્રથમ પાંચ લીગ સ્ટેજની મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં મોખરાંનું સ્થાન મેળવ્યું હતું અને એકાદ મેચ દરમિયાન તે બીજા સ્થાને ઉતરી હતી પણ એકંદરે અંત સુધી પોઇન્ટ ટેબલમાં કોઇ મોટો ફેરફાર જોવા મળ્યો નહોતો અને ગુજરાત ટાઇટન્સ છેક સુધી પોઇન્ટ ટેબલમાં મોખરાંના સ્થાને જળવાઇ રહી હતી. લીગ તબક્કાના મિડલ સ્ટેજમાં લખનઉ સુપરજાયન્ટ્સ થોડીવાર પડકારજનક જોવા મળી હતી, પરંતુ અંતિમ રાઉન્ડમાં તે સરકીને ત્રીજા સ્થાને પહોંચી ગઇ હતી. ગુજરાત ટાઇટન્સની ઘણી મેચો એટલી એકતરફી રહી હતી કે પ્રથમ 20 ઓવર પછી પરિણામ અંગે કોઇને વધુ શંકા રહેતી નહોતી.

પોઇન્ટ ટેબલમાં આ વર્ષે કોઇ મોટી અફરાતફરી જોવા જ મળી
જો આઇપીએલની 15મી સિઝનને ધ્યાને લઇ તો એકવાત એવી સામે આવે છે કે આ વર્ષે પોઇન્ટ ટેબલમાં કોઇ મોટી અફરાતફરી જોવા મળી નહોતી. ગુજરાત ટાઇટન્સે મોખરાંનું સ્થાન જાળવ્યું તો લખનઉ સુપરજાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ પણ ટૂર્નામેન્ટની શરૂઆતથી જ પોઈન્ટ ટેબલમાં સતત ટોપ ફોરમાં રહી હતી. લીગ તબક્કાની અડધી મેચ પૂરી થઈ તે સમયથી આ ત્રણ ટીમના પ્લેઓફમાં પહોંચવા મામલે કોઇ જો અને તોની સ્થિતિ રહી નહોતી. આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થોડી સ્પર્ધા રહી હતી અને તેમાં મુંબઇએ આરસીબીનું કામ સરળ કરી નાંખ્યું હતું. દર સિઝનમાં પોઈન્ટ ટેબલમાં જે અપસેટ અને અફરાતફરી જોવા મળતા હતા તેવું કંઇ જોવા ન મળ્યું. ચેન્નાઇ સુપર કિંગ્સ કે મુંબઇ ઇન્ડિયન્સ અગાઉની સિઝનની જેમ અડધી સિઝન પછી નીચલા સ્તરેથી ઉપર સુધી પહોંચી જ ન શક્યા. પહેલા એવું જોવા મળતું હતું કે શરૂઆતમાં હારતી ટીમો પછીથી સતત જીતીને ઉપર પહોંચી જતી હતી પણ આ એવું જોવા ન મળ્યું અને જેઓ શરૂઆતમાં મેચો જીતતી હતી તેઓ અંત સુધી સતત જીતતી જ રહી અને તેથી સીએસકે કે મુંબઇને પહેલા જેવા ધૂમધડાકા કરવાની તક જ ન મળી.

એકથી વધુ વાર ચેમ્પિયન થયેલી મુંબઇ, સીએસકે અને કેકેઆર પહેલાથી જ આઉટ
આઈપીએલના ઈતિહાસમાં એકથી વધુ વખત ટાઇટલ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આ ત્રણ ટીમોનું પ્રદર્શન સાવ કંગાળ રહ્યું. આ વખતે આ ત્રણેય ટીમો લીગ તબક્કામાં જ ઘણી પાછળ રહી ગઈ હતી. પાંચ વખત ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સે લીગ તબક્કાની અડધી મેચો બાદ જ આગામી સિઝનની તૈયારી શરૂ કરી દીધી હતી. ચેન્નાઈ સાથે પણ ઓછાવત્તા અંશે એવું જ હતું. કોલકાતાની ટીમ થોડા સમય માટે પ્લેઓફની રેસમાં સામેલ હતી, પરંતુ લીગ તબક્કાના છેલ્લા સપ્તાહની સરખામણીમાં તે તેમના માટે માત્ર ઔપચારિકતા રહી હતી. આ ત્રણેયના ખરાબ પ્રદર્શને ટૂર્નામેન્ટ પર અસર કરી, આ ત્રણેય ટીમો મેચ કેવી રીતે જીતવી તે જાણતી હોવાની સાથે અપસેટ કરવામાં માહેર છે, પણ આ વર્ષે તેમનો ગજ વાગ્યો નહોતો.

આઇપીએલની આ સિઝનમાં કોઇ સિક્રેટ સુપરસ્ટાર ન ઉભર્યો
આઈપીએલની આ સિઝનમાં કોઈ સિક્રેટ સુપરસ્ટાર તરીકે ઉભરી શક્યું નથી. ઉમરાન મલિકે પોતાની બોલીંગ સ્પીડથી ચોક્કસપણે બધાને પ્રભાવિત કર્યા હતા અને તે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવામાં પણ સફળ રહ્યો હતો, પરંતુ તેની ચર્ચા ગઈ સિઝનના અંતે શરૂ થઇ ગઇ હતી. જો ભૂતકાળને ધ્યાને લેવામાં આવે તો 2008માં રમાયેલી આઇપીએલની પહેલી સિઝનમાં રવિન્દ્ર જાડેજાએ પોતાની ટીમ રાજસ્થાન રોયલ્સ વતી 16માંથી 14 મેચ રમી હતી. તેણે આખી સિઝનમાં માત્ર 2.1 ઓવર જ ફેંકી હતી અને બેટિંગમાં પણ કોલકાતા સામે તેણે 19 બોલમાં 33 રન બનાવીને ચમકારો બતાવ્યો હતો, પરંતુ આખી ટૂર્નામેન્ટમાં તેની ફિલ્ડિંગ જોઈને તેને ભારતીય ટીમમાં તેને સામેલ કરવાની માગ શરૂ થઈ ગઈ હતી. તેવી જ રીતે 2009માં મનીષ પાંડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બનીને સ્ટાર બન્યો હતો. ગયા વર્ષે પણ હર્ષલ પટેલે તેના ધીમા અને કટર બોલથી તબાહી મચાવી દીધી હતી જેનાથી તેને સીધી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી હતી. આ વર્ષે આવો કોઈ ખેલાડી જોવા મળ્યો નથી. આરસીબીના રજત પાટીદારે દાવો કર્યો હતો, પરંતુ તેને પૂરતી તકો મળી ન હતી. તો કેટલાક એવા બોલરો પણ ઝળક્યા હતા પરંતુ તેઓ એટલા પ્રભાવક રહ્યા નહોતા.

આઇપીએલમાં પહેલીવાર ફાઇનલ આવી નિરસ અને એકતરફી રહી
હાલની આઇપીએલમાં આખી સિઝનની સૌથી નિરસ મેચ ફાઈનલમાં જોવા મળી હતી. બીજી એલિમિનેટર જીતીને ફાઇનલમાં પહોંચેલી રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં ગુજરાતને જોરદાર પડકાર ફેંકશે એંવું લાગ્યું હતું. પણ રાજસ્થાન રોયલ્સની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. બેટિંગ દરમિયાન પાવરપ્લેમાં સારી શરૂઆત બાદ ટીમ વિખેરાઈ ગઈ હતી. જોસ બટલરે થોડો સમય સંઘર્ષ કર્યો, પરંતુ તેના આઉટ થયા બાદ ટીમના કોઈપણ બેટ્સમેનમાં લડાયક અંદાજ જોવા મળ્યો નહોતો. તે પછી ગુજરાત ટાઇટન્સની બેટીંગ વખતે બોલિંગની વાત આવી ત્યારે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. એવું લાગી રહ્યું હતું કે 130 રન બનાવ્યા બાદ રાજસ્થાનની ટીમે પોતાની હાર સ્વીકારી લીધી હતી. જો ટીમે થોડી પણ લડાયકતા દાખવી હોત તો ફાઇનલમાં થોડો રોમાંચ પણ આવ્યો હોત અને એવુંપણ બન્યું હોત કે તેનું પરિણામ કંઈક બીજું આવી શક્યું હોત. જો દાખલો આપવો હોય તો 2017ની ફાઇનલનો આપી શકાય કે જેમાં મુંબઈ ઈન્ડિયન્સ ફાઇનલમાં આટલો જ સ્કોર કરવા છતાં તેને ડિફેન્ડ કરીને ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.

Most Popular

To Top