ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં પરંપરા મુજબ પુષ્યનક્ષત્રના શુભ મૂહુર્તમાં ગોપાલલાલજી મહારાજની 251 મી રથયાત્રા ધામધૂમથી નીકળી હતી. આઠ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં 50 હજાર કરતાં વધુ શ્રધ્ધાળુઓ જોડાયાં હતાં. મંદિર પરિસર સહિત સમગ્ર ડાકોર નગર જય રણછોડ….મહારાજ ના જયનાદથી ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રા પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. મંદિરમાં સવારે 9 વાગ્યાના અરસામાં શણગાર આરતી થયાં બાદ ચાંદીના રથનું પૂજન કરવામાં આવ્યું હતું.
જે બાદ શ્રી રણછોડરાય ભગવાનની આજ્ઞાની માળા ગોપાલલાલજી મહારાજને પહેરાવી ચાંદીના રથમાં બિરાજમાન કરાવ્યાં હતાં. ગોપાલલાલજી મહારાજને ચાંદીના રથમાં બિરાજમાન કરાવતાંની સાથે જ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. સૌપ્રથમ મંદિરના ઘુમ્મટમાં રથ ફેરવવામાં આવ્યો હતો. જે બાદ મંદિર પરિસરમાં પ્રદક્ષિણા પથ પર રથ ફેરવવામાં આવ્યો હતો. નિયત પ્રદક્ષિણા ફર્યાં બાદ રથ મંદિરની બહાર નીકળ્યો હતો.
જે બાદ રથ સાથે બળદ જોતરી રથયાત્રા આગળ વધી હતી. મંદિરેથી નીકળેલી આ રથયાત્રા પરંપરા મુજબ ગૌશાળા, લાલબાગ, શ્રી ભટ્ટજી મહારાજની જગ્યા, મહાપ્રભુજીની બેઠક, નરસિંહ ટેકરીના ચોતરે, રાધાકુંડ, બંગલી મોખાતલાવડી, ગાયોનાવાડા (વાડાફાર્મ), રણછોડપુરા, સમાધિ, કેવડેશ્વર મહાદેવ, બજરંગદાસની જગ્યા થઈ સાંજના સમયે શ્રી લક્ષ્મીજી મંદિર પહોંચી હતી.
જે બાદ બોડાણા, બેઠક, સત્યભામા મંદિર થઈ મોડી સાંજના સમયે પરત મંદિરે પહોંચી હતી. ત્યારે મંદિરના દ્વાર પાસે ગોપાલાલજી મહારાજની આરતી-પુજા કર્યાં બાદ ઈંડીપિંડી (નજર ઉતારવાની વિધી) કરવામાં આવી હતી. જે બાદ ગોપાલલાલજી મહારાજને નિજમંદિરમાં લઈ જવાયાં હતાં. તે સાથે જ રથયાત્રા પૂર્ણ થઈ હતી. આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો. શ્રી રણછોડરાય મંદિર તરફથી 251 મી રથયાત્રા નિમિત્તે ગાયોના વાડા નજીક આવેલ દ્વારકેશ વિસામાની સામે વૃક્ષારોપણ કરી, 251 છોડ રોપવામાં આવ્યાં હતાં.
પ્રસાદ-નાસ્તો વહેંચવામાં આવ્યો
ડાકોર તેમજ અન્ય ગામ-શહેરોની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ડાકોરના ઠાકોરને મગ, જાંબુ, કેરી, દાડમ, કેળા તેમજ શીરાનો પ્રસાદ ધરાવ્યાં બાદ ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો. આ ઉપરાંત રથયાત્રા રૂટ પર ઠેર-ઠેર છાશ, ચણા, પૂરી-શાક, ઠંડું પાણી તેમજ શરબતની પણ વહેંચણી કરવામાં આવી હતી.