Top News

ગંભીર સમસ્યા: થાઇલેન્ડમાં કોરોના વાયરસના રેકોર્ડ કેસો નોંધાતા એરપોર્ટ પર હોસ્પિટલની સ્થાપના

બેંગકોક: થાઇલેન્ડ (Thailand)માં આરોગ્ય અધિકારીઓએ ગુરુવારે બેંગકોકના એક એરપોર્ટ (airport) પર કાર્ગો બિલ્ડિંગમાં એક મોટી ફીલ્ડ હોસ્પિટલ (hospital)ની સ્થાપના કરી હતી. કારણ કે, દેશમાં કોરોના વાયરસ (Corona virus) ના રેકોર્ડ કેસો (Record case) અને મૃત્યુ નોંધાયા હતા.

ડોન મ્યુયેન્ગ આંતરરાષ્ટ્રીય હવાઇમથકની 1,800 બેડ ધરાવતી હોસ્પિટલને પૂર્ણ કરવા કામદારો સંપૂર્ણ મહેનત કરી રહ્યા છે. જ્યાં કાર્ડબોર્ડ બૉક્સ મટિરિયલથી બનેલા બેડ અને તકીયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્થાનિક અને પ્રાદેશિક એરપોર્ટનો ખૂબ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારણે કે, લગભગ બધી જ સ્થાનિક ફ્લાઇટ્સ બે અઠવાડિયા પહેલા રદ કરવામાં આવી હતી. પડોશી કંબોડિયાએ પણ ગુરુવારે થાઇલેન્ડની સરહદ સીલ કરવા અને આઠ પ્રાંતોમાં લોકડાઉન અને હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.

થાઇલેન્ડમાં ગુરુવારે 17,669 નવા કેસ અને 165 લોકોનાં મોત નોંધાયા હતા. જે કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીના સૌથી વધુ કેસ અને મોત છે. જાપાનના અધિકારીઓએ ગુરુવારે ચેતવણી જાહેર કરી હતી. કારણ કે, ટોક્યોમાં સતત ત્રીજા દિવસે પણ કોરોનાનાં રેકોર્ડ કેસ નોંધાય હતા. મુખ્ય કેબિનેટ સચિવ કટસુનોબૂ કાટોએ જણાવ્યું કે, અમે આ તીવ્રતાના સંક્રમણના વિસ્તરણનો અનુભવ ક્યારેય કર્યો નથી. તેમણે કહ્યું કે, નવા કેસ માત્ર ટોક્યો વિસ્તારમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વધી રહ્યા છે. ટોક્યોમાં ગુરુવારે 3,865 નવા કેસ નોંધાયા હતા. જે બુધવારે 3,177ની સરખામણીએ વધુ હતા અને આ સંખ્યા એક અઠવાડિયા પહેલા કરતાં બમણી થઈ ગઈ છે.

ભારતમાં કોરોનાના નવા 43,509 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા વધીને 3,15,28,114 થઈ ગઈ છે. જ્યારે, દેશમાં સતત બીજા દિવસે સક્રિય કેસમાં વધારો નોંધાયો છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે આંકડા અપડેટ કરતાં કહ્યું હતું. દેશમાં કોરોનાના કારણે વધુ 640 મોતની સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,22૨,662 પર પહોંચી ગયો છે. સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, દેશમાં સક્રિય કેસ 4,03,840 નોંધાયા છે. જે કુલ કેસના 1.28 ટકા છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.38 ટકા નોંધાયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દૈનિક પોઝિટિવિટી દર 2.52 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર 2.38 ટકા નોંધાયેલો છે.
દેશમાં સક્રિય કોરોના કેસલોડમાં છેલ્લા 24 કલાકના ગાળામાં 4,404 કેસોનો વધારો નોંધાયો હતો. મંત્રાલયના આંકડા અનુસાર, કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,07,01,612 થઈ ગઈ છે. જ્યારે, મૃત્યુદર 1.34 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 45.07 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોરોનાની તપાસ માટે બુધવારે 17,28,795 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા કુલ ટેસ્ટની સંખ્યા વધીને 46,26,29,773 પર પહોંચી ગયા છે.

Most Popular

To Top