SURAT

સુરતમાં ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટરના માથે ચિંતાના વાદળ: ઉત્તર-દક્ષિણ ભારતમાં કાપડની ડિમાન્ડ ઘટી

સુરત: કોરોના (Corona)ની પ્રથમ અને બીજી લહેર પછી લોકોની ખરીદશક્તિ ઘટતા ઉત્તર અને દક્ષિણના રાજ્યો (Indian states)માં કાપડની ડિમાન્ડ (Demand of Surat textile) ઓછી રહેતા ટ્રાન્સપોર્ટેશન (transportation)ના ધંધાને પણ અસર થઇ છે.

એક તરફ ડીઝલના ભાવો વધી રહ્યા છે બીજી તરફ ટ્રાન્સપોર્ટેશનનું કામ 50 ટકા ઘટવા છતા ટ્રાન્સપોર્ટેર ચાર્જ વધારો કરી શકતા નથી. સુરતમાં ટ્રક અને ટેમ્પો મળીને કુલ 2500 જેટલા વાહનો ટેક્સટાઇલ ઉદ્યોગમાં કાર્યરત છે પરંતુ જે ટ્રાન્સપોર્ટર બહારગામ માલની ડિલિવરી કરે છે. તેમના અડધા વાહનો નોન-યુઝમાં આવી ગયા છે. કારણ કે બહારગામના રાજ્યમાં કાપડની ડિમાન્ડ નથી.

એક સમયે ઓગસ્ટના તહેવારો માટે જુલાઇ માસમાં પ્રત્યેક દિવસે 600 ટ્રક ભરીને કાપડ બહારગામ જતું હતું. તેની સંખ્યા અત્યારે ઘટીને 100-150 થઇ ગઇ છે. તેને લીધે ડ્રાઇવર, ક્લિનર, હમાલની રોજી રોટી છીનવાઇ ગઇ છે. બીજી તરફ વેપાર સામે ટ્રાન્સપોર્ટરોને ટ્રાન્સપોર્ટ ગોડાઉનનુ ભાડુ પણ ચુકવવાનું હોય છે. તે જોતા દરેક સ્તરેથી માર પડી રહી છે. જો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધારવા જાય તો અત્યારે જે કામ મળી રહ્યુ છે તે પણ બંધ થવાની દહેશત છે. ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ માર્કેટ એસોસિયેશનના પ્રમુખ સંજય પાટિલ કહે છે કે એક ટ્રકમાં 50000 મીટર કાપડ ભરાય તોજ ટ્રાન્સપોર્ટરને નફો મળી શકે છે પરંતુ અત્યારે એ પ્રકારના ઓર્ડર મળી રહ્યા નથી.

ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ, યુવરાજ દેસલે જણાવે છે કે સુરતથી મહારાષ્ટ્ર, દિલ્હી, દક્ષિણ ભારતના બજારોમાં કાપડ જાય છે. બહારગામથી તો ઓર્ડર આવતાં નથી. આ સાથે જે બહારગામથી ગાડીઓ માલ લઈને આવે છે. તેને પણ અઠવાડિયા સુધી ગુડસ ડિલીવરી માટે મળતાં નથી. જેના કારણે અઠવાડિયા સુધી સુરતમાં ગાડીઓ પડી રહે છે. તેવી જ સ્થિતિ સુરતની ગાડીનોની છે . જે ટ્રકમાં મહારાષ્ટ્ર માલ મોકલાયો છે. તે હાઈવે પર અઠવાડિયા સુધી લાઈનોમાં પડી રહી છે.

ડીઝલના ભાવ વધતા લક્ઝરી બસના સંચાલકો લાંબા અંતરનું ભાડૂ 20 ટકા વધારે તેવી શક્યતા
ડીઝલના ભાવો વધતા ખાનગી લક્ઝરી બસના સંચાલકો પણ લાંબા અંતરનું ભાડૂ 600થી 650 રૂપિયા છે. તેમાં 20 ટકા વધારો કરવાની વિચારણા કરી રહ્યા છે. લક્ઝરી બસ ઓનર્સ એસોસિએશનના દિનેશ અણઘણે જણાવ્યું હતું કે, પેટ્રોલ – ડીઝલના વધેલા દરને લઈને અખિલ ગુજરાત બસ એસોસિએશન દ્વારા 20 ટકા ભાવ વધારવા માટે થોડા દિવસ પૂર્વે મિટીંગ બોલાવવામાં આવી હતી. તે પ્રમાણે અમદાવાદ સહિતના કેટલાંક શહેરોમાં નવો ભાવ વધારો જાહેર કરી દેવાયો છે. જુદા-જુદા રૂટ પર 20 ટકા ભાવ આગામી સપ્તાહથી વધી શકે છે.

Most Popular

To Top