SURAT

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગે કોરોનામાં ઇતિહાસ રચ્યો: સ્મૃતિ ઇરાની

સુરત: કોરોનાકાળના સમયે જ્યારે દેશના તમામ વેપાર ઉદ્યોગો બંધ હતા, તેવા કપરા સમયમાં દેશના કાપડ ઉદ્યોગકારોએ ઇતિહાસ બનાવ્યો છે. તેવું કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગકારો માટે સરસાણા ખાતે આયોજિત સીટેક્સ એક્ઝિબિશનનો શનિવારે બપોરે શુભારંભ કરાવતાં સ્મૃતિ ઇરાનીએ કોરોના સમયે પણ એક્ઝિબિશન કરવા બદલ ચેમ્બર અને કાપડ ઉદ્યોગકારોને બિરદાવ્યા હતા. આજે સુરતનો ઉદ્યોગ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે સુરતના ઉદ્યોગકારોને સસ્ટેનેનબલ ટેક્સટાઇલ અને જીઓ ટેક્સટાઇલ ક્ષેત્રે આગળ વધવા માટે આગ્રહ કર્યો હતો.

વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, ભારતના ઉદ્યોગકારોએ વિશ્વને પ્રમાણિત કરી બતાવ્યું છે. હિન્દુસ્તાની ગમે તેવી સ્થિતિમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવી શકે છે. ભારતમાં પહેલા ક્યારેય પીપીઇ સુટ બનતા ન હતા. પરંતુ ઉદ્યોગકારોએ બે મહિનામાં જ રૂપિયા સાડા સાત હજાર કરોડની ઇન્ડસ્ટ્રી ઊભી કરી દીધી હતી. પહેલા એકપણ કંપની ન હતી, પણ આજે ૧૧૦૦થી વધુ કંપનીઓ પીપીઇ સૂટ બનાવે છે.

250 કંપની એન-95 માસ્ક બનાવે છે. અને 32 લાખ માસ્ક તૈયાર કરવાની ક્ષમતા સુધી પહોંચી ગયા છે, જેને કારણે ભારત વિશ્વમાં સેકન્ડ લાર્જેસ્ટ એક્સ્પોર્ટર અને પ્રોડ્યુસર ઓફ પીપીઇ સુટ એન્ડ કિટ્‌સ થઇ ગયું છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય વિશે કહ્યું હતું કે, ટેક્નિકલ ટેક્સટાઇલ હવે પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે. આથી તેમણે ઉદ્યોગકારોને આ દિશામાં આગળ વધવા માટે હાંકલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા ટેક્નિકલ ટેક્સટાઇલ અને મેન મેઇડ ફાયબરના વિકાસાર્થે રૂપિયા ૧૦૬૦૦ કરોડ જેટલું મોટું ફંડ પી.એલ.આઇ. સ્કીમ તરીકે આપવામાં આવ્યું છે. એસએમઇને ટેક્નિકલ ટેક્નોલોજીથી મજબૂત બનાવીશું તો તેને વિશ્વમાં કોઇની સામે હાથ ફેલાવવા પડશે નહીં. સસ્ટેનેબિલિટી મેન્યુફેક્ચરિંગ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ચેમ્બર લીડરશિપ લેશે તો દેશમાં ક્રાંતિ લાવી શકાશે. આ દરમિયાન તેમણે અઢી વર્ષ પહેલાં ચેમ્બર ઓફ કોમર્સમાં ટેક્સટાઇલ પ્રોગ્રામમાં આવેલા સ્મૃતિ ઇરાનીને સુરતના કેટલાક ઉદ્યોગકારોએ કાળા વાવટા બતાવ્યા હતા. તે ઘટનાને યાદ કરતાં કહ્યું કે, ભલે તમે જે કર્યુ પણ એક બેન તરીકે તેઓ લાગણીશીલ છે.

ફિયાસ્વીના ચેરમેન ભરત શાહ અને ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નાંખતા પહેલાં વિવર્સની રજૂઆત સાંભળવાનો આગ્રહ કર્યો હતો. ચેમ્બરના ગ્રુપ ચેરમેન જયંતી સાવલિયાએ ચેમ્બર દ્વારા યોજાનારા સીટેક્સ, સ્પાર્કલ, યાર્ન, એનર્જી અને હેલ્થ એક્સ્પો વિશે જાણકારી આપી હતી.

કાપડ ઉદ્યોગનાં અલગ-અલગ સંગઠનો અલગ-અલગ રજૂઆત કરે છે
સાંસદ દર્શના જરદોશે જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગકારો જ્યારે પણ રજૂઆત કરે છે. ત્યારે સ્મૃતિબેન સાંભળે છે. બેન ઉદાર દિલનાં છે. બધુ માફ કરી દે છે. ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને સરકાર તરફથી ઘણો સપોર્ટ મળ્યો છે. જીએસટી સંબંધિત તથા અન્ય સમસ્યાઓની રજૂઆત તેમની કક્ષાએથી પણ સરકારના ધ્યાનમાં લાવવામાં આવી હતી. જો કે, તેમણે કાપડ ઉદ્યોગકારોને ટકોર કરતાં જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગકારો તરફથી એક જ સંગઠન દ્વારા એક સંગઠન દ્વારા ખૂબ સ્પષ્ટ અને સચોટ માહિતી સાથે રજૂઆતો કરવામાં આવે છે. જ્યારે કાપડ ઉદ્યોગમાંથી અલગ-અલગ સંગઠનો દ્વારા અલગ-અલગ રજૂઆતો કરવામાં આવે છે, તમામની રજૂઆતો પણ અલગ-અલગ હોય છે.

ડાયમંડ બુર્સની જેમ ટેક્સટાઇલ હબ બનાવવાની માંગ

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે હબ બનાવવા માટે સ્મૃતિ ઇરાનીને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સુરતમાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઘણી વિકસી છે. પણ એસએમઇ સેક્ટરની કંપનીઓને સરકાર તરફથી વધુ સગવડો આપવાની જરૂર છે. સુરતથી ડાયમંડ એક્સ્પોર્ટ થાય છે ત્યારે ગુડ્‌ઝ કરતાં વધારે વેલ્યુ કસ્ટમ ડ્યૂટીની લાગે છે. આથી સેમ્પલિંગ મોકલવા માટેની સગવડ ઊભી કરવાની જરૂર છે. ટેક્સટાઇલ પોલિસીમાં ચેમ્બર દ્વારા કરાયેલી ૮૦ ટકા માંગણી પૂર્ણ થઇ હોવાથી તેમણે સરકારનો આભાર માન્યો હતો.

ચેમ્બરની રજૂઆતો

-પાવર ટેક્સ સ્કીમ જે ૩૧ ડિસેમ્બર, ર૦ર૦ના રોજ પૂરી થઈ ગઈ છે તેને વધુ પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવે.
-એ-ટફ સ્કીમની અંદર ઘણા સૂક્ષ્મ ઉદ્યોગો સમયસર અરજી આપી શક્યા ન હતા. તો તેઓને પણ પાછલી અસરથી અરજી કરવાની છૂટ આપવામાં આવે.
-એ-ટફમાં એક બીજી સમસ્યા એ છે કે, બિલ ઓફ એન્ટ્રી અથવા કોમર્શિયલ ઈન્વોઈસની તારીખ, લોનની સેક્શનની તારીખથી જૂની હોય તો તેની સબસીડી મંજૂર થતી નથી. આ પોલિસી મેટરનો મુદ્દો હોવાથી આ અંગે આપનું માર્ગદર્શન મળે.
-ફાયનાન્સ અને કોમર્સ મિનિસ્ટ્રી જોડે કેટલાક મુદ્દા જેવા કે, જી.એસ.ટી. લાગુ થવા પહેલાં ઈ.પી.સી.જી. લાઇસન્સ હોલ્ડર દ્વારા કાઉન્ટર વેલિંગ ડ્યૂટી / સ્પેશિયલ એડિશનલ ડ્યૂટી, જે ભરેલ છે તેની ક્રેડિટ મળે.
-વિયેતનામ અને બાંગ્લાદેશથી આયાત થતાં સસ્તા કાપડ ઉપર બેઝિક કસ્ટમ ડ્યૂટી વધારવી.
-હાલમાં વોર્પ નિટિંગ ક્ષેત્રે કન્સેશનલ કસ્ટમ ડ્યૂટીનો લાભ લઈ મશીનરી મંગાવનારાઓ ઉપર ડી.આર.આઈ. દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યાં છે, તેમા જેન્યુઈન ઉદ્યોગકારોને રાહત મળે.
-છેલ્લાં ર વર્ષથી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી તકલીફમાં હોવાથી પોતાનું એક્સ્પોર્ટ ઓબ્લિગેશન પૂર્ણ કરી શક્યા નથી. તેમના માટે ‘એમ્નેસ્ટી સ્કીમ’ અમલમાં આવે.
-ટેક્સટાઈલના લઘુ ઉદ્યોગો સોલર પાવરનો ઉપયોગ કરી પોતાનો ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને એક કોમન સોલર પોલિસી ફોર ટેક્સટાઈલ બનાવવામાં આવે.
-કેન્દ્ર સરકારે જાહેર કરેલી પી.એલ.આઈ. સ્કીમ તથા નેશનલ ટેક્નિકલ ટેક્સટાઈલ મિશનની ગાઈડલાઈન્સ સત્વરે જાહેર કરવી તથા કેન્દ્ર સરકાર દ્વારા નવી જાહેર થનાર નેશનલ ટેક્સટાઈલ પોલિસીમાં ૩૦ % કેપિટલ સબસીડી મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવે.

50 લાખમાં ઇમ્પોર્ટ થતું મશીન 25 લાખમાં બનાવ્યું

ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રૂપિયા પ૦ લાખથી વધારેની કિંમતનાં મશીન જે હમણાં સુધી ઇમ્પોર્ટ થતાં હતાં તેને ચંદ્રકાંત પાટીલે લોકડાઉન દરમિયાન બે મહિનામાં અડધી કિંમતમાં પોતે જ બનાવી દીધી. પાટીલે યુ-ટ્યૂબ પર વિડીયો જોઇને આ મશીનો તૈયારી કરી હતી. ભારતમાં તેની કિંમતો આશરે 25 લાખ રૂપિયા છે. તેણે જણાવ્યું હતું કે, તે પહેલાં કારખાનામાં કામ કરતો હતો. તેને પહેલાથી જ એેન્જિનિયરિંગનો શોખ છે. આ રીતે જ એક મહિલાએ સુરતમાં અલ્ટ્રાસોનિક લેસ મશીનને મોડીફાય કરીને રૂ. પાંચ લાખમાં સેમી ઓટોમેટિક મશીન બનાવવામાં આવ્યાં છે, જે રૂપિયા ૩૦થી ૪પ લાખમાં ઇમ્પોર્ટ થતા હતા. સેમી ઓટોમેટિક મશીન ઉપર સુરતમાં એન ૯પ માસ્ક બનાવવામાં આવ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top