ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ બ્રિસ્બેનમાં જ રમાડવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આતુર છે પણ ક્વીન્સલેન્ડ પ્રાંતના પાટનગરમાં ત્રણ દિવસનું નવું લોકડાઉન લાગું થવાને કારણે તેમની સમસ્યા વધી
ગઇ છે અને ચોથી ટેસ્ટ બ્રિસ્બેનમાં રમાવા આડે શંકાના વાદળો ઘેરા બની ગયા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રિકેટ અધિકારીઓ વચ્ચે બ્રિસ્બેનમાં યજમાન ટીમને આકરા ક્વોરેન્ટીનના નિયમોમાં છૂટછાટ આપવા માટે વાતચીત થવાના 24 કલાકથી પણ ઓછા સમયમાં બ્રિસ્બેનમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉથી નિર્ધારિત થયા અનુસાર 14મીથી બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટ શરૂ થશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ ત્રણ દિવસના લોકડાઉનને કારણે ચોથી ટેસ્ટ પર પડનારી અસરનું આકલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આકરા બાયો સિક્યોરિટી નિયમોને કારણે બ્રિસ્બેનમાં રમવા અંગે ભારતીય ખેલાડીઓનો ખંચકાટને કારણે આમ પણ આ ટેસ્ટ પર શંકાના વાદળો તો છવાયેલા જ છે.
અહેવાલોમાં કહેવાયું છે કે હોટલમાં આઇસોલેશન પર રહેતા એક કર્મચારીનો કોવિડ 19 ચેપ બ્રિટનમાં જોવા મળેલા નવા પ્રકારનો હોવાનું જણાતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ગાબામાં ચોથી ટેસ્ટ રમાડવાની આશા માટે ફટકા સમાન છે.