સુરત જિલ્લાના કડોદરામાં ભયંકર ત્રિપલ અકસ્માત થયો છે. અહીં પૂરપાટ ઝડપે દોડી રહેલી કોલેજની બસના ચાલકે એક રાહદારી અને રિક્ષાને અડફેટમાં લીધા બાદ વધુ એક બસને ટક્કર મારી હતી. આ ત્રિપલ અકસ્માતમાં રાહદારીનું બસ નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે રિક્ષામાં બેઠેલાં બે મુસાફરોને ઈજા થઈ હતી.
અકસ્માતના લીધે એટલો મોટો અવાજ આવ્યો હતો કે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. 108ને બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યારે બસ ડ્રાઈવરને પકડીને મેથીપાક આપ્યો હતો. થોડીવારમાં પોલીસ પણ પહોંચી ગઈ હતી અને બસ ડ્રાઈવરને પકડી લીધો હતો. બસ ડ્રાઈવર વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, આજે બુધવારે સવારે કડોદરામાં અકસ્માતની ઘટના બની છે. માલીબા કોલેજની બસ ફૂલસ્પીડમાં કડોદરાથી આવી રહી હતી ત્યારે ગંગાધરા ચાર રસ્તા પાસે ડ્રાઈવરે બસના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. તેના લીધે સૌ પ્રથમ એક રાહદારીને બસે અડફેટે લીધો હતો, ત્યાર બાદ રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતના લીધે બસ વધુ બેકાબુ બની હતી અને કુંડી તરફથી આવતી નાલંદા સ્કૂલની બસને ટક્કર મારી હતી. આમ એક સાથે ત્રણ વાહનોનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં માલીબા કોલેજની બસના ડ્રાઈવરની બેદરકારી હોવાનું જાણવા મળ્યું છે. એક રાહદારીનું અકસ્માતમાં મોત થયું છે. રિક્ષાના બે મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે, તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર અકસ્માતના સીસીટીવી વીડિયો ફૂટેજ વાયરલ થતા લોકોમાં માલીબા કોલેજની સ્કૂલ બસના ચાલક વિરુદ્ધ ભારોભાર રોષ વ્યાપી ગયો છે. પલસાણા પોલીસે માલીબા કોલેજની બસના ડ્રાઈવરને પકડી લઈ કાર્યવાહી હાથ ધરી છે.