સુરત : શહેરમાં ચૂંટણી પ્રચાર (ELECTION PROMOTION) ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વોર્ડ નંબર 7માં ભાજપના પ્રજાપતિ સમાજના ઉમેદવારોની તરફેણમાં એક તરફી સોશિયલ કેમ્પેઇન ચાલતુ હોવાના અહેવાલ વચ્ચે હવે વોર્ડ નંબર 17માં કોંગ્રેસના ઉમેદવારો (CONGRESS CANDIDATES) વચ્ચે ખેંચતાણ હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. તેમજ વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિના દમ પર કોંગ્રેસની ટિકીટ મેળવી ચૂંટણી જીતેલા નિલેશ કુંભાણી આ વખતે પાસની હાકલની ઐસિતૈસિ કરીને કોંગ્રેસના મેન્ટેડ પર ચૂંટણી લડી રહ્યાં હોય પાટીદારોની નારાજગી અને હાલક ડોલક સ્થિતી છતા સિંગલ વોટિંગ (SINGLE VOTING) માટે પ્રચાર કરતા હોવાની બુમ ઉઠતા કોંગ્રસેનું વધુ એક કમઠાણ બહાર આવ્યુ છે.
આ વોર્ડમાં કોંગ્રેસના સીટિંગ કોર્પોરેટર ધીરૂ લાઠીયાની ટિકીટ કપાવવા ચોકકસ નેતાઓના ઇશારે વિરોધ કરાયો હતો. હવે સૂચક રીતે તેના સાથી ઉમેદવાર નિલેશ કુંભાણી ઘણી જગ્યાએ અન્ય ઉમેદવારોને સાઇડ ટ્રેક કરી એકલા જ પ્રચાર કરવા નિકળતા હોવાથી સિંગલ વોટિંગ માટે કારસો રચાયો હોવાની શંકા ઉઠી રહી છે. આ વોર્ડમા પાસ દ્વારા પેનલમાં ધીરુ લાઠિયાની જગ્યાએ અન્ય ઉમેદવારને ટિકીટ આપવા માંગણી થઇ હતી આમ છતા લાઠિયાને ટિકીટ મળતા પાસ સમર્થીત નિલેશ કુંભાણી ધાર્મિક માલવિયાની જેમ ઉમેદવારી પાછી ખેંચશે તેવી અપેક્ષા પાસને હતી જો કે કુંભાણીએ કરવટ બદલીને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનુ યથાવત રાખતા પાસના કાર્યકરો પણ નારાજ હોય આ ઉમેદવારના કારણે કોંગ્રેસે આ વખતે વોર્ડ ગુમાવવો પડે તો નવાઇ નહીં તેવી ચર્ચા ઉઠી છે.
અમે તમામ ઉમેદવારો સાથે જ છીયે, ભાજપ ખોટો પ્રચાર કરે છે : કુંભાણી
જો કે આ બાબતે નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે અમારા ચારેય ઉમેદવારો વચ્ચે કોઇ વિખવાદ છે જ નહી અમે સાથે જ પ્રચાર કરીયે છીયે, દિવસો ઓછા હોય અલગ અલગ જગ્યાએ વધુમાં વધુ પ્રચાર થઇ શકે તે માટે અમે ઘણી જગ્યાએ અલગ અલગ ગયા છીયે તેનો મતલબ એ નથી કે અમે સીંગલ પ્રચાર કરીયે છીયે, આ તો ભાજપ ખોટો પ્રચાર કરવા પ્રયત્ન કરે છે.