Business

કોરોના દેવનું મંદિર

ધરમકરમવાળા દેશમાં ધાર્મિકોએ પાર વિનાના દેવી દેવતાઓ ઊભા કર્યા છે. નહીં માનો પણ દક્ષિણમાં કોઈમ્બતુર પાસે ઈરૂગર ગામમાં હમણાં કોરોનાનું મંદિર સ્થપાયું છે. (‘કામાત્સીપૂરી’ અધિનામ ટ્રસ્ટે દોઢ ફૂટના પથ્થરની કોરોના દેવની કાળી મૂર્તિની સ્થાપના કરી છે. ગામ લોકોએ ત્યાં 48 દિવસ સુધી સતત પૂજા કરવાનું નક્કી કર્યું છે) લોકોની ધાર્મિક ભાવના દેવો સાથે જોડાયેલી હોવાથી દેવી દેવતાઓ વિશે કોઈ ઘસાતુ બોલે તો તેઓ સહન કરી શકતા નથી.

અગર તેમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ દેશમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વસે છે છતાં અહીં લોકો આટલા દુ:ખી કેમ છે? તો પૂછનારને લોકો નાસ્તિક ગણી વખોડી કાઢે છે. (દોસ્તો, અતાર્કિક વાતોને ન સ્વીકારવી એ નાસ્તિક્તા શી રીતે ગણાય?) કોઈમ્બતુરમાં રોગના નામનું આ પહેલું મંદિર નથી. 1900 ની સાલમાં ત્યાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. હજારો માણસો મૃત્યુ પામ્યા હતા. ઘણા લોકો શહેર છોડી ચાલ્યા પણ ગયેલા. તે અરસામાં પણ ત્યાં પ્લેગદેવીનું ‘પ્લેગ મરિઅમ્મા’ બનાવવામાં આવેલું. ત્યાં હજી આજે પણ પૂજા થાય છે. કોઈમ્બતુર માર્કેટના ભીડભર્યા રસ્તા પર આધુનિક મોલ અને બીગ બાઝાર વચ્ચે આજે પણ એ 100 વર્ષ જૂનુ મંદિર અડિખમ ઊભું છે.

થોડા સમય પર એક સાંસદે– શરીર પર છાણ લગાવવાથી કોરોના સાજો થઈ શકે એવો અનધિકૃત અભિપ્રાય આપ્યો હતો. (રામદાસ આઠવલે જેવા નેતાએ તો ‘ગો કોરોના ગો’ જેવા ગીતો ગાઈને કોરોનાને ભગાડવાનું ગપ્પુ માર્યું છે) જેટલા માથા તેટલા વિચારો.. સાઉથમાં એક સુપ્રસિદ્ધ ન્યુમરોલોજીસ્ટ છે. તેણે કોરોનાની અંગ્રેજી સ્પેલિંગમાં એક વધારાનો ‘એ’ ઉમેરવાથી કોરોના માણસનો વાળ પણ વાંકો નહીં કરી શકે એવો સધિયારો આપ્યો છે. આપણી ધાર્મિક પ્રજા કણકણમાં ભગવાન છે એવું માત્ર કહીને બેસી રહેતી નથી, તેનો અમલ પણ કરી બતાવે છે.

આપણે ત્યાં પશુ-પક્ષીથી લઈને પ્રાણીઓની પૂજા થાય છે. ગાય, વડ, પીપળો કે તુલસીની પૂજા થાય છે. શિળી સાતમને દિવસે સ્ત્રીઓ આંબાનો છોડ રસોડામાં મૂકી પૂજા કરે છે. નાગપાચમને દિવસે ભીંત પર ચોકથી નાગ દોરીને તેની પૂજા કરે છે. ત્યાં સુધી કે ભૂત પિચાશ કે પ્રેતના પથ્થરો જમીનમાં રોપી ગામલોકો તેની પણ પૂજા કરે છે. જે ઘરમાં ભણેલા ગણેલા લોકો હોય તેઓ પણ આ બધું જોઈને કોઈ નકારાત્મક પ્રતિભાવ આપતા નથી (કોલેજમાં પ્રોફેસર હોય એવી મહિલાને હોળીના બીજે દિવસે પ્રદક્ષિણા ફરીને હોળીને ટાઢી કરતા સગી આંખે જોઈ છે)

ભારતના નોર્થ ઈસ્ટ ઈલાકામાં એક બાપ્ટિસ્ટ ચર્ચે તેના અનુયાયીઓને એક વિચિત્ર અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે રસી લેવાની જરૂર છે જ નહીં.. તમને જીસસ સારા કરી દેશે. દક્ષિણ ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં રસી લેવાથી માણસ મરી જાય છે એવી અફવાનો બહુ મોટો વાયરો ફૂંકાયો હતો. રસી ગાયના વાછરડાના માંસમાંથી બને છે એવી અફવા પણ વહેતી થયેલી. એ કારણે વહીવટી તંત્રોને ભારે તકલીફ પડી હતી. આપણે ત્યાં ધર્મિકોની આસ્થા અપાર હોય છે. એમાં વિચારતત્વ કે લોજીક બહુ આછું હોય છે. સાઉથમાં તો જીવતે જીવત ખુશ્બૂ જેવી હિરોઈનનું મંદિર બન્યું છે.

સાચી વાત એ છે કે મંદિરો દેવી દેવતાના જ હોઈ શકે માણસોના ન હોય. ધોનીનું મંદિર બનાવવા કેટલાક ક્રિકેટ રસિયાઓએ ધોનીના પિતાને પૂછેલું ત્યારે તેમણે કહેલું:  ‘મંદિર તો દેવતાના હોય.. માણસોના વળી મંદિરો બનાવાતા હશે?’ થોડા વર્ષો અગાઉ નથ્થુરામ ગોડસેનું મંદિર બનાવવાનો વાયરો ફૂંકાયો હતો. પહેલા તો વાત માન્યામાં નહોતી આવી, પણ પછી ખબર પડી કે 2017 ની પંદરમી નવેમ્બરે ગ્વાલિયરમાં એક જમણેરી પાર્ટીએ વૈદિક મંત્રોચ્ચાર કરીને ગાંધીજીના હત્યારા નથ્થુરામ ગોડસેનું મંદિર ઓલરેડી બનાવી દીધું હતું. ત્યાં ગોડસેના ચાહકો ગોડસે વિષે કાર્યકર્મો યોજી તેમના જીવન કવન વિષેનો મહિમા ગાય છે.

એ સામે કેટલાંક લોકોએ ફરિયાદ કરી તો લોકલ સત્તાવાળાએ જવાબ આપ્યો કે આ અંગત માન્યતાનો વિષય છે. કોઈ પોતાના પ્રાઈવેટ પ્રિમાઈસીસમાં આવું કરે તો અમે કાંઈ ના કરી શકીએ..!’ દોસ્તો, અંદ્ધશ્રદ્ધામાં ગળા સુધી ડૂબેલો આ દેશ છે. અહીં લોકો પોતાની અક્કલ કોરાણે મૂકીને અબૌદ્ધિકપણે વર્તે છે. સંતોષી માતા, વૈભવ લક્ષ્મી કે દશામા જેવી દેવીઓ કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી તેવી માતાઓની પૂજા અને વ્રત ઉપવાસ કરે છે અને માનતાઓ પણ માને છે. તેમને વાસ્તવમાં એવી કોઈ દેવી નહોતી એમ કહેવામાં આવે તો તે વિષે એકાદ વાર પણ વિચારી જોવાની તૈયારી બતાવતા નથી. ગુજરાતમાં દેવી દેવતાઓની સાથે ભૂત પિચાશોના પણ સ્થાનકો ઊભાં કરવામાં આવ્યા છે. અંદ્ધશ્રદ્ધાનો આવો ખતરનાક કોરોના સત્યશોધક સભા સિવાય બીજા કોઈને ગાંઠે ખરો?

ધૂપછાંવ- આ દેશમાં માણસોની વસતિની સાથોસાથ દેવોનો વસ્તીવધારો પણ ચિંતાનો વિષય બન્યો છે.

Most Popular

To Top