ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં આજથી શીત લહેરની અસર સાથે કાતિલ ઠંડી (Cold) સાથે ઠંડીનો પારો 4 ડિગ્રી નીચે ઉતરી જવા પામ્યો છે. જેના પગલે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ અને સૌરાષ્ટ્રમાં લોકો ઠંડીમાં રીતસરના ઠુંઠવાઈ ગયા હતા. કચ્છના (Kutch) નલિયામાં તો 5 ડિગ્રી ઠંડીના પગલે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લીધો હતો.. બીજી તરફ ગાંધીનગરમાં 9 ડિગ્રી ઠંડીના કારણે શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાઈ ગયા હતા. સાંજના સમયે ગાંધીનગરમાં લોકોની અવર જવર ઘટી જવા પામી હતી.
હજીયે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસ માટે ઠંડીનો પારો ૪ ડિગ્રી નીચે ગગડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં શીત લહેરની અસર રહેશે. આ પ્રદેશમાં ઠંડીનો પારો ચાર ડિગ્રી નીચે ઉતરી જવાની ચેતવણી અપાઈ છે. કચ્છમાં પણ તેની અસર વધારે જોવા મળશે.માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો માઈનસ ડિગ્રીમાં જઈ શકે છે.
આજે અમદાવાદ અને ગાંધીનગરમાં શીત લહેરની અસર જોવા મળી હતી. શહેરીજનો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતાં.
શીત લહેરની અસર હેઠળ ગુજરાતમાં જનજીવનને અસર થવા પામી હતી. વહેલી સવારે ગાઢ ધુમ્મસ સાથે તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. અમદાવાદમાં એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં ૧૧.૬ ડિ.સે., ડિસામાં ૧૨.૦ ડિ.સે., ગાંધીનગરમાં ૯.૦ ડિ.સે., વડોદરામાં ૧૩.૪ ડિ.સે., સુરતમાં ૧૫.૪ ડિ.સે.વલસાડમાં ૧૦.૫ ડિ.સે., અમરેલીમાં ૧૧.૦ ડિ.સે., ભાવનગરમાં ૧૫.૨ ડિ.સે., રાજકોટમાં ૧૨.૦ ડિ.સે., સુરેન્દ્રનગરમાં ૧૨.૬ ડિ.સે., ભૂજમાં ૧૨.૨ ડિ.સે. અને નલિયામાં ૫.૧ ડિ.સે., ઠંડી એટલે કે લઘુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.