Vadodara

પત્ની અને પુત્રીની નિર્દયી રીતે હત્યા કરનાર તેજસને 4 દિવસના રિમાન્ડ

વડોદરા : શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં પતિએ આઈસ્ક્રીમમાં ઝેર ભેરવી દઈ પત્ની અને પુત્રીને ખવડાવ્યાબાદ ગળુ દબાવી હત્યા કરી હોવાનો પર્દાફાશ પોલીસ તપાસમાં થયો છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કર્યાબાદ આજે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જેથી 4 દિવસ દરમિયાન સમા પોલીસે તેજસ ઝેર અને આઈસ્ક્રીમ ક્યાંથી લાવ્યો, કોઈ છોકરી સાથે સંબંધ હતો અને કઈ બાબતે દંપતી વચ્ચે કંકાસ થતો હતો તે મુદ્દાઓ પર તપાસ કરશે.

શહેરના ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા પટેલ રવિવારે રાત્રે 12 વાગે ગરબા રમીને ઘરે આવ્યાં હતાં. ત્યાર બાદ બંનેની તબિયત બગડતાં પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા. માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયા હતા.

પોલીસ દ્વારા માતા-પુત્રીના રહસ્યમય મોતના બનાવમાં મહિલાના ગળામાં ઇજાના નિશાન હોવાથી આ રહસ્યમય મોતનો ભેદ ઉકેલવા માટે પેનલ પોષ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. વીસેરા પણ લેવામાં આવ્યા હતા. પોષ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટમાં પતિ તેજસ પટેલ દ્વારા પત્ની શોભના અને પુત્રી કાવ્યાનું ગળું દબાવ્યા બાદ ઝેર પીવડાવી દીધું હોવાની વિગતો બહાર આવી હતી. દરમિયાન પોલીસે પત્ની અને પુત્રીની બેવડી હત્યા કરનાર પતિ તેજસ પટેલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ચોંકવનારી વિગતો સામે આવી હતી. 

પોલીસ પૂછપરછમાં લગ્ન બાદ તેજસ શોભનાના ઘરે ઘર જમાઇ તરીકે રહેતો હતો. તેજસને ઘર જમાઇ તરીકે રહેવું ગમતું ન હતું. પરંતુ, પત્ની શોભનાની જીદના કારણે તેને મજબૂરીથી રહેવું પડતું હતું. પત્નીની અજુગતી માંગણીઓ વધુ પડતા ખર્ચા કરાવતી હોવાથી બંને વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતાં હતા. તેમજ શોભનાબેન અવારનવાર તેજસની માતા, બહેન અને નાનો ભાઈ જે વતનમાં રહે છે. તેની સાથે ઝગડો કરતી હતી. આ ઉપરાંત તેજસને અન્ય સહકર્મી સાથે એકતરફી પ્રેમ હોવાની વાત પણ શોભનબેનને જાણ થઇ હતી. જેથી દંપતી વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા.

જેથી તેજસે પત્ની શોભનાબેન અને કાવ્ય ગરબા રમીને આવ્યા બાદ આઈસ્ક્રીમમાં ઉંદર મળવાની દવા ભેળવી તેને ખવડાવી દીધી હતી અને ત્યારબાદ શોભનાબેનનું ગળું દબાવી અને દીકરી કાવ્યના મોઢા ઉપર પણ એશીકું મૂકી મોઢું દબાવી બંનેને મોતને ઘાટ ઉતારી હતી. જેથી પોલીસે પત્ની અને દીકરીની હત્યા કરવા બદલ હત્યારા પતિ તેજસકુમાર અંતરસિંહ પટેલ વિરુદ્ધ હત્યાની ક્લમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન સમાં પોલીસના ઇન્ચાર્જ પીઆઇ અને માતાપુત્રીની હત્યાના બનાવના તપાસ અધિકારી નિલેશ બ્રહ્મભટે આ મામલે જણાવ્યું હતું કે, પોલીસે આરોપી પતિ તેજસ અંતરસિંહ પટેલની ધરપકડ કર્યાબાદ વધુ તપાસ અર્થે રિમાન્ડ માટે ગુરુવારના રોજ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ તેજસ ઝેર ક્યાંથી લઇ આવ્યો હતો. આઈસ્ક્રીમ ક્યાંથી લઇ આવ્યો હતો. તેની તપાસ કરશે તેમજ દુકાનદારના નિવેદન લેશે. આ ઉપરાંત કઈ છોકરી સાથે તેજસના પ્રેમ સંબંધ છે તે અંગે તપાસ કરશે. તેમજ કઈ બાબતે શોભનાબેન અને તેજસ વચ્ચે ઘર કંકાશ થતો હતો તે અંગે ઊંડાણ પૂર્વક તપાસ કરશે.

Most Popular

To Top