Gujarat

રાજય સરકારે નવી ‘ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ’ નીતિ જાહેર કરી

ગાંધીનગર : ટેક્નોલોજીના (Technology) ઉપયોગથી સરકારી સેવાઓ સહિતની વિવિધ જાહેર સેવાઓ વધુ અસરકારક, લોકભોગ્ય અને કાર્યક્ષમ તથા ઝડપી બનાવવાની દિશામાં વધુ એક નવતર કદમ ભરીને મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતની મહત્વાકાંક્ષી ‘ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ’ (The Drone Promotion and Uses) નીતિ જાહેર કરી છે. ગુજરાતમાં પોલીસ દળ પાસે ડ્રોનનો કાફલો હાલ કાર્યરત છે અને તેનો ઉપયોગ કાયદાના અમલીકરણ માટે કરવામાં આવે છે. તાજેતરની રથયાત્રા દરમિયાન ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં, ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા ઉદ્યોગ ખાણ વિભાગે ‘ત્રિનેત્ર’ ડ્રોન પણ લોન્ચ કરેલા છે. ડ્રોનની વૈશ્વિક પહોંચની વિપૂલ સંભાવનાઓ અને સ્કેલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ડ્રોનના પ્રમોશન અને ઉપયોગ માટેની આ નીતિ જાહેર કરી છે. ડ્રોન નીતિના અમલીકરણ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં ૮ વરિષ્ઠ સચિવોની એમ્પાવર્ડ કમિટીની રચના કરાઈ છે.

મુખ્યમંત્રીએ આ ડ્રોન પોલીસીનું લોન્ચિંગ કર્યું તે અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં
નવી ડ્રોન નીતિના પ્રમોશન અને ઉપયોગ માટેની નીતિની સમયાવધિ-પાંચ વર્ષની રાખવામાં આવી છે. આ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીમાં જે ધ્યેય રાખવામાં આવેલા છે તેમાં રાજ્યમાં કાર્યક્ષમતા વધારવા તેમજ સેવાઓની ડીલીવરી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન સહિતની વાયબ્રન્ટ ડ્રોન ઇકો સિસ્ટમનું નિર્માણ કરવું. ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રોજગારીની તકો વધારીને રપ હજાર જેટલી પ્રત્યક્ષ, પરોક્ષ રોજગારીનું સર્જન કરવું વિગેરેનો સમાવેશ થાય છે.

ઇનોવેશન માટે યંગ ટેલેન્ટને પ્રોત્સાહન
યુવા પ્રતિભાઓ ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે પોતાનું કૌશલ્ય અને સામર્થ્ય દર્શાવી શકે તે માટે ઇનોવેશન્સ માટે યંગ ટેલેન્ટને જોડવાનું પણ નક્કી કરાયું છે. આ હેતુસર પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરવા માટે સરકારના વિવિધ વિભાગો, પ્રતિષ્ઠિત સંસ્થાનો અને ઉદ્યોગ કમિશનર કચેરીના સ્ટાર્ટઅપ ગુજરાત સેલ સાથે સહભાગીતાથી હેકાથોન અને ગ્રાન્ડ ચેલેન્જના આયોજનને પ્રોત્સાહન અપાશે. આવા આયોજનના વિજેતા સોલ્યુશન્સને પુરસ્કારો અપાશે અથવા સંબંધિત વિભાગો સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તક આપવામાં આવશે.

રાજ્ય સરકારના સંબંધિત વિભાગો પ્રોકયોરમેન્ટ પોલિસી અનુસાર સ્ટાર્ટઅપ, મેઇક ઇન ઇન્ડીયા કંપનીઓ, માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીઝને તેમની સેવાઓ અને ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તકોને પ્રાધાન્ય આપશે.રાજ્ય સરકારે જાહેર કરેલી આ ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી અંતર્ગત વિવિધ વિભાગો, પબ્લિક સેક્ટર અંડર ટેકીંગ અને બોર્ડ, સંસ્થાઓ ૬ મહિનામાં તેમના સંબંધિત કાર્યક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા યોજનાઓ અને કાર્યક્રમો નિર્ધારીત કરશે.

ગૃહ વિભાગમાં ભીડ સંચાલન, વાઇટલ ઇન્સ્ટોલેશન સિક્યોરિટી, વીવીઆઇપી સુરક્ષા, બોર્ડર અને તટીય સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મોટા કાર્યક્રમો અને શોભાયાત્રાની સુરક્ષા, સર્ચ ઓપરેશન, ટ્રાફિક મેનેજમેન્ટમાં ડ્રોનનો ઉપયોગ કરાશે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, ખાતરનો ઉપયોગ, બીજ વાવણી, માટીની ગુણવત્તાની દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરાશે. ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનર, ઉદ્યોગ અને ખાણ વિભાગમાં ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ માટે ખાણકામ વિસ્તારોની દેખરેખ, ગેરકાયદેસર ખાણકામ અટકાવવા, ખનીજ લીઝ અને બ્લોક્સનું સર્વેક્ષણ ડ્રોનનો ઉપયોગ કરાશે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં તેલ અને કુદરતી ગેસની પાઇપલાઇનની દેખરેખ, પાવરલાઇનની દેખરેખ, ઓનશોર અને ઓફશોર એસેટને સુરક્ષિત કરવા ડ્રોનનો ઉપયોગ કરાશે. શ્રમ – કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ડ્રોનના ઉપયોગથી પાયલટ અને યુઝરની તાલીમ આપશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તબીબી સપ્લાય અને લોહીની ડિલીવરી માટે ડ્રોનનો ઉપયોગ કરાશે. ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ બચાવ અને રાહતકાર્યમાં ડ્રોનનો ઉપયોગ કરાશે. શહેરી વિકાસ વિભાગમાં શહેરી જમીનના ઉપયોગનું પ્લાનિંગ, સ્વચ્છતા સર્વેક્ષણ ડ્રોન દ્વારા કરવામાં આવશે. સિંચાઈ વિભાગ ડ્રોન દ્વારા જળાશયો અને સિંચાઈ નહેરોની દેખરેખ રાખશે. વન વિભાગ – સિંહ ગણતરી, વન્યસંપદાનું ટ્રેકિંગ, મેપિંગ અને મોનિટરીંગ, ઇકોલોજીકલ ઓડિટ, શિકારને અટકાવવા ડ્રોનનો ઉપયોગ કરશે.

Most Popular

To Top