ભગવાન બુદ્ધ ભ્રમણ કરતા કરતા એક ગામથી બીજે ગામ જી રહ્યા હતા.રસ્તામાં એક નાનકડો બગીચો આવ્યો તેમાં આંબાનું ઝાડ હતું. ભગવાન બુદ્ધ થાક્યા હતા તેમણે આંબાના ઝાડ હેઠળ વિશ્રામ કરવાનું નક્કી કર્યું.આંબાના ઝાડ પાકીને નીચે પડેલી કેરીને તેમણે ખાધી અને પાણી પીને આંબાના ઝાડ નીચે તેની છાયામાં વિશ્રામ કરવા લાગ્યા. થોડીવારમાં એક યુવાનોનું ટોળું ત્યાં આવ્યું અને આંબાના ઝાડ પર લટકતી કેરીઓને જોઇને તેને તોડવા પથ્થર મારવા લાગ્યું.યુવાનોને ખબર ન હતી કે ભગવાન બુદ્ધ ઝાડની બીજી તરફ વિશ્રામ કરી રહ્યા છે.એક યુવાને ઝાડ પરથી કેરી તોડવા પથ્થર ફેંક્યો અને નિશાન ચૂક થતાં તે પથ્થર બરાબર ભગવાન બુદ્ધ ના કપાળ પર વાગ્યો અને તેમને લોહી નીકળવા લાગ્યું.
યુવક નીચે પડેલો પથ્થર લેવા ઝાડની બીજી તરફ ગયો ત્યારે તેનું ધ્યાન ગયું કે તેને ફેંકેલો પથ્થર નિશાન ચૂક થતાં બરાબર ભગવાન તથાગતના કપાળ પર વાગ્યો છે અને તેમની આંખોમાં આંસુ છે.આ જોઇને યુવાન ડરી ગયો.તેને પોતે અજાણતા પણ બહુ મોટી ભૂલ કરી નાખી તેનો પસ્તાવો થવા લાગ્યો.તે અપરાધભાવથી રડવા લાગ્યો અને ભગવાન બુદ્ધના ચરણ પકડી માંફી માંગતા બોલ્યો, ‘ભગવન મને ક્ષમા કરો મારાથી મોટી ભૂલ થઇ ગઈ કે પથ્થર ફેંકી તમને ઈજા પહોંચાડી.મને ક્ષમા કરો.પ્રભુ આપની આંખોમાં આંસુ છે બહુ દર્દ થી રહ્યું છે ?? હું હમણાં વૈદને બોલાવી આવું છું.’ ભગવાન બુદ્ધ બોલ્યા, ‘વત્સ, તારી કોઈ ભૂલ જ નથી.આ તો અજાણતા અકસ્માતે મને પથ્થર વાગ્યો.અને મને બહુ પીડા નથી થતી તું માફી ન માંગ …’ યુવક બોલ્યો, ‘ભગવન, તમારી આંખોના આંસુ કહે છે કે તમને ઘણી પીડા થઇ રહી છે..’
ભગવાન બુદ્ધ બોલ્યા, ‘વત્સ મારી આંખોમાં આંસુ આ પથ્થરથી વાગેલી ઈજાની પીડાના નથી.તે જયારે આ આંબાના ઝાડને પથ્થરો માર્યા તો તેણે તમને મીઠા ફળ આપ્યા અને જ્યારે તમારો પથ્થર મને વાગ્યો તો હું તમને કઈ આપી શકતો નથી ઉલટો ભૂલ અને અપરાધનો અનુભવ કરાવું છું આ વિચારથી મારી આંખોમાં આંસુ આવી ગયા છે.આ વૃક્ષ સચ ઋષિ અને પરોપકારી છે જે પથ્થર મારનારને પણ મીઠા ફળ આપે છે.’આટલું બોલી ભગવાન બુદ્ધે આંબાના ઝાડને પ્રણામ કર્યા.અને બધાને ઉપદેશમાં સમજાવ્યું, ‘ઝાડ જેવા બનજો કોઈ આપણી સાથે ખરાબ કરે તેની સાથે સારું જ વર્તન કરજો.’ વધુ ને વધુ ઝાડ ઉગાડીએ અને તેના ગુણ ગ્રહણ કરી તેના જેવા બનીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.