અમદાવાદ : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ અહીંની હોસ્પિટલમાં લીધો હતો. શાસ્ત્રી ઉપરાંત 1983ની વર્લ્ડકપ વિજેતા ટીમના બેટ્સમેન સંદીપ પાટીલ અને બોલર મદનલાલે પણ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. શાસ્ત્રી અને મદનલાલે ટ્વિટર પર ફોટો શેર કરીને આ માહિતી આપી હતી.
હાલ ભારતીય ટીમ સાથે અમદાવાદમાં હાજર શાસ્ત્રીએ અહીંની એપોલો હોસ્પિટલમાં કોવિડ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. શાસ્ત્રીએ જાતે જ સોશિયલ મીડિયા પર રસીનો ડોઝ લેતો હોય તેવો ફોટો શેર કરીને આ માહિતી આપી હતી. 58 વર્ષિય શાસ્ત્રીએ લખ્યું હતું કે કોવિડ વેક્સીનનો પહેલો ડોઝ લીધો, આ રોગચાળા સામે ભારતને સશક્ત બનાવવા માટે મેડિકલ પ્રોફેશનલ અને વૈજ્ઞાનિકોનો આભાર, સાથે જ તેણે લખ્યું હતું કે કોવિડ-19 રસીકરણને પાર પાડવામાં અમદાવાદની અપોલો હોસ્પિટલમા કાંતાબેન અને તેમની ટીમના પ્રોફેશનલ વ્યવહારથી હું પ્રભાવિત થયો છું.
આ તરફ પોતાની જોરદાર બેટિંગ માટે જાણીતા સંદીપ પાટીલે મુંબઇમાં બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સના કોવિડ જંબો સેન્ટરમાં વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો, જ્યારે ભારતીય ટીમ વતી 39 ટેસ્ટ અને 67 વન ડે રમનારા બોલર મદનલાલે પણ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો હોવાની જાહેરાત ટ્વિટ કરીને કરી હતી.