Gujarat

રાજ્યની લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય-શિક્ષકની નિમણૂક માટે TAT અનિવાર્ય

GANDHINAGAR : રાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂક માટે TAT ફરજિયાત બનાવવામાં આવી છે. લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકની નિમણૂક માટે યોગ્ય લાયકાત અમલી બનાવવા અંગેના સુપ્રીમ કોર્ટ ( SUPREME COURT) અને ગુજરાત હાઇકોર્ટના (HIGHCOURT) વખતોવખતના ચૂકાદાને સુસંગત સુધારા આ વિધેયકમાં સમાવિષ્ટ છે. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક વિધાનસભામાં પસાર કરાયું હતું.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, રાજ્યમાં હાલ કેન્દ્રીયકૃત પદ્ધતિથી સરકારી અને અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા અમલમાં છે, પરંતુ લઘુમતિ સંસ્થાઓ દ્વારા શિક્ષક તરીકેની પસંદગીની લાયકાત પૂરી કરવા માટે નિયત કરેલા TAT પરીક્ષાના મહત્વના ગુણાંકનને ધ્યાનમાં લીધા સિવાય આવી પસંદગી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

આના પરિણામે રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં શિક્ષકની ગુણવત્તાની પસંદગી માટેના નિયત થયેલા ધોરણો જળવાતા નથી અને TATના પરિણામના આધારે પસંદગી પ્રક્રિયા લઘુમતિ સંસ્થાઓમાં થતી ન હોવાથી તટસ્થ રીતે ગુણવત્તાયુકત આચાર્યો, શિક્ષકોની પસંદગી થઇ શકતી નથી.

ગુજરાત હાઇકોર્ટે પણ ર૦૧૩માં એક ચૂકાદો આપીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭રની કલમ-૪૦(ક)માં જરૂરી સુધારા કરવા સૂચવેલું છે. તદઅનુસાર, અગાઉ લઘુમતી શાળાઓમાં સંચાલક મંડળની કમિટિ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત નક્કી કરી TAT ના ગુણાંકન ધ્યાને લીધા સિવાય ભરતી પ્રક્રિયા કરતી હતી.

હવે, આ સુધારા વિધેયક પસાર થવાના પરિણામે રાજ્યની સરકારી અને અનુદાનિત ખાનગી માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક-આચાર્ય ઉમેદવારો માટે જે હાલ કેન્દ્રીયકૃત પદ્ધતિથી પસંદગી કરવાની પ્રક્રિયા અમલી છે તે જ પ્રક્રિયા લઘુમતિ સંસ્થાઓમાં પણ અમલી બનશે.

આ સુધારા વિધેયક અન્વયે હવે આવી માન્ય શાળા એટલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અથવા કોઇ અન્ય વિભાગ અથવા યથાપ્રસંગ આ અર્થે આવા વિભાગ દ્વારા અધિકૃત કરેલા અધિકારીએ માન્ય કરેલી કોઇ માધ્યમિક શાળા અથવા ઉત્તર બુનિયાદી શાળાને પણ માન્ય શાળા ગણવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top