Gujarat

ટેરિફ કટ હીરાઉદ્યોગ માટે સંજીવની

ગાંધીનગર : અમેરિકાએ ભારતીય હીરા અને ઝવેરાત પર લાદેલો ૫૦ ટકાનો ભારે આયાત ટેરિફ તાત્કાલિક અસરથી ઘટાડીને ૧૮ ટકા કરતા સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં નવી આશા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. છેલ્લા છ મહિનાથી મંદીના ઘેરા વાદળોમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે આ નિર્ણય ‘બુસ્ટર ડોઝ’ સમાન સાબિત થશે.

અમેરિકા ભારતના હીરા-ઝવેરાત ઉદ્યોગનું સૌથી મોટું બજાર છે, જ્યાં કુલ નિકાસનો આશરે ૩૦ ટકા હિસ્સો જાય છે. પરંતુ ૨૦૨૫માં અમેરિકા દ્વારા તબક્કાવાર ૫૦% ટેરિફ લાદાતા એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન નિકાસમાં ૪૪.૪ ટકાનો ભારે ઘટાડો નોંધાયો હતો. હવે ટેરિફમાં સીધો ઘટાડો થતા નિકાસ ફરી પાટા પર ચઢવાની આશા સુરતના હીરા ઉદ્યોગકારોએ વ્યક્ત કરી છે.

સુરતના હીરા બજારમાં ફરી રોનક આવશે: દિનેશ નાવડિયા

સુરતના કતારગામ સ્થિત ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું કે, “૫૦% ટેરિફને કારણે પોલિશિંગ યુનિટ્સમાં લાખો રત્નકલાકારોની રોજગારી પર સંકટ હતું, કેશફ્લો અટકી ગયો હતો. હવે ૧૮% ટેરિફ થતાં ઉદ્યોગમાં નવી ઉર્જા આવશે, નવા ઓર્ડર મળશે અને મધ્યમ ગાળે રોજગારી મજબૂત થશે.” તેમણે કહયું હતું કે યુરોપિયન યુનિયન સાથેની ટ્રેડ ડીલ અને હવે અમેરિકાનો ટેરિફ ઘટાડો, જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવશે. માસ-માર્કેટ અને મિડ-પ્રાઈસ સેગમેન્ટમાં ભારતીય હીરાની માંગ ફરી વધશે.

CVD અને HPHT ડાયમંડમાં રોજગારીની નવી તકો

સુરત ડાયમંડ એસોસિએશનના ખજાનચી શાંતિભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, ટેરિફ ઘટવાથી ખાસ કરીને CVD અને HPHT ડાયમંડ સેગમેન્ટમાં કામ વધશે. “સુરત અને દક્ષિણ ગુજરાતમાં ૮થી ૧૦ લાખ રત્નકલાકારોને સીધો ફાયદો થશે. બંધ પડેલા યુનિટ્સ ફરી શરૂ થવાની શક્યતા છે, જે ગ્રામ્ય અર્થતંત્રને પણ વેગ આપશે.”

મોદી-ટ્રમ્પ વાટાઘાટોનું પરિણામ – ‘બુસ્ટર ડોઝ’

સુરત ડાયમંડ એસોસિએશનના પાસ્ટ સેક્રેટરી દામજીભાઈ માવાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સફળ વાટાઘાટોના પરિણામે હીરા ઉદ્યોગને ટેરિફ ઘટાડાના રૂપમાં મોટી રાહત મળી છે. “હવે ભારતીય હીરા અમેરિકામાં વધુ સ્પર્ધાત્મક ભાવે પહોંચશે.”
નિકાસ, રોકાણ અને વિદેશી હૂંડિયામણમાં વધારો થશે.

એસોસિએશનના સેક્રેટરી ધીરૂભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, ટેરિફ ઘટાડાથી નિકાસ અને રોકાણ વધશે, વિદેશી હૂંડિયામણમાં વધારો થશે અને હીરા ઉદ્યોગ ફરી એકવાર સોળે કળાએ ખીલી ઉઠશે. આ નિર્ણય દેશના અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

હીરા ઉદ્યોગ અગ્રણીઓની પ્રતિક્રિયાની હાઈલાઈટ

  • અમેરિકાએ ભારતીય હીરા પરનો ટેરિફ 50% થી ઘટાડીને 18% કરતા સુરતના હીરા ઉદ્યોગને મોટી રાહત
  • મંદીના કારણે અટવાયેલી હીરા નિકાસ ફરી ગતિ પકડશે, સુરત-મુંબઈના હીરા હબમાં ધમધમાટ વધશે
  • ટેરિફ કટથી પોલિશિંગ યુનિટ્સમાં નવા ઓર્ડર શરૂ થતા લાખો રત્નકલાકારોની રોજગારી સુરક્ષિત થશે
  • CVD અને HPHT ડાયમંડ સેગમેન્ટમાં કામ અને રોજગારીની નવી તકોનું સર્જન થશે
  • ભારતીય હીરા અમેરિકામાં વધુ સ્પર્ધાત્મક ભાવમાં પહોંચશે, માસ-માર્કેટ ડિમાન્ડમાં વધારો થશે
  • નિકાસ, રોકાણ અને વિદેશી હૂંડિયામણ વધતા ગુજરાતનું હીરા ઉદ્યોગ ફરી તેજીના માર્ગે આગળ વધશે

Most Popular

To Top