વ્યારા: તાપી (Tapi) જિલ્લામાં ગુરુવારે રાત્રે ધોધમાર (Heavy) વરસાદ (Rain) પડ્યો હતો, જેમાં ડોલવણમાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉકાઈ ડેમમાંથી (Ukai dem) સવારે ૧,૭૪,૪૭૮ ક્યુસેક પાણી છોડાતાં તાપી નદી (Tapi Rivaer) કિનારે આવેલ ગામોના લોકોને પાણીનું સ્તર વધતાં નદીમાં ન જવા અને એલર્ટ રહેવા સૂચન કરાયું હતું. શુક્રવારે સાંજે ૬ વાગ્યા સુધીનાં ૨૪ કલાકમાં ડોલવણમાં ૭.૨૮ ઇંચ, સોનગઢમાં ૩.૮ ઇંચ, વ્યારામાં ૩.૫૨ ઇંચ, વાલોડમાં ૨.૯૬ ઇંચ, ઉચ્છલમાં ૨.૩૬ ઇંચ, કુકરમુંડા અને નિઝરમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે કોઝવે ઓવર ટોપ થતાં પંચાયતના ૨૧ રસ્તા બંધ થયા હતા.
ઉમરગામમાં મેઘરાજાની સાળા છ ઇંચ વરસાદની તોફાની બેટિંગ
ઉમરગામ : ઉમરગામ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સાળા છ ઇંચ વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા ભાગો અને રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી હતી.છેલ્લા પાંચેક દિવસથી સમગ્ર ઉમરગામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. સોમવારથી શરૂ થયેલો વરસાદ વિરામ લેવાનું નામ લેતો નથી. ગુરૂવારથી શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં પૂરા થતા 24 કલાકમાં 166 મીમી (સાડા છ ઇંચ) જ્યારે મોસમનો કુલ વરસાદ 2380 મીમી (95 ઈંચ)થી વધુ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ઉમરગામમાં અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા.
ચીખલી – ગોલવાડ અને તલાવચોરાના લો-લેવલ પૂલ પાણીમાં ગરક
ઘેજ: ચીખલી તથા ઉપરવાસમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદને પગલે કાવેરી, ખરેરા, અંબિકા, સહિતની લોકમાતાઓમાં પૂરની સ્થિતિ યથાવત રહી હતી. કાવેરી નદીના ચીખલી – ગોલવાડ અને તલાવચોરા સ્થિત જૂના લો-લેવલ પૂલ પરના પાણીમાં ગરક થઇ ગયા હતા. 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં ચીખલી તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.ચીખલી પંથકમાં ચોમાસાના અંતિમ તબક્કામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દિવસ રાત સતત વરસાદને પગલે ચોમાસાની બરાબરની જમાવટ થઇ છે.
ધરમપુર પંથકના ચેકડેમ – કોઝવે પાણીમાં ગરકાવ, અસંખ્ય ગામો સંપર્ક વિહોણા
ધરમપુર : ધરમપુર પંથકમાં અતિભારે વરસાદને પગલે માન, તાન તથા પાર નદીએ રોદ્ગ સ્વરુપે વહેતા ગ્રામીણ વિસ્તારોને જોડતાં અસંખ્ય ચેકડેમો વરસાદી પાણીમાં ગરકાવ થતાં આશરે 40 જેટલા ગામો સંપૅક વિહોળા બન્યા હતા. આમ ધરમપુર પંથકમાં અંદાજીત 150 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળે છે.