આણંદ : આણંદ શહેરના પૂર્વ વિસ્તાર એવા પાધરિયામાં એક મહિનાથી પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. આ અંગે રજુઆતો છતાં પગલાં ન ભરાતાં આખરે વિસ્તારના લોકોએ પાલિકામાં હલ્લાબોલ કર્યું હતું. જોકે, આ વાતને બે દિવસ છતાં પાલિકા દ્વારા કોઇ જ પગલાં ભરવામાં આવ્યાં નથી. જેના કારણે આશરે 30 હજારથી 35 હજારની વસતીને સ્વખર્ચે મોંઘાભાવના ટેન્કર મંગાવી તરસ છીપાવવી પડી રહી છે. આણંદના પૂર્વ ભાગમાં આવેલા પાધરિયા વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી પાણીની સમસ્યા વિકટ બની છે. પરંતુ પાલિકાના શાસકો દ્વારા કોઇ જ નક્કર આયોજન કરવામાં આવી રહ્યું નથી. તેમાંય છેલ્લા મહિનામાં એક માત્ર મોટર પણ બંધ થઇ જતાં લોકોની પાણીની હાલાકી ભોગવવી પડી રહી છે.
ન છૂટકે મોંઘાભાવના ટેન્કર મંગાવવા પડી રહ્યાં છે. આ સંદર્ભે રહિશોએ પ્રમુખને ઘેરીને પાણીની સમસ્યાની ઉગ્ર રજુઆત કરી હતી. 40 વરસ જુની પાણીની ટાંકી જર્જરિત થઇ ગઇ છે. આશરે 30 હજારથી 35 હજારની વસતી ધરાવતા આ વિસ્તારમાં પાણીના નામે માત્ર ઠાલા વચનો જ મળ્યાં છે. આ અંગે અલ્પેશ સોસાયટીના પિટર મેકવાને જણાવ્યું હતું કે, પાધરિયામાં છેલ્લા 15થી 20 વર્ષથી પાણીનો પ્રશ્ન છે. પુરતા ફોર્સથી પાણી આવતું નથી. છેલ્લી સોસાયટીમાં ટીપું ટીપું પાણી આવે છે. મોટર પણ અડધા ક્ષમતાની નાંખી દીધી છે. ઓછામાં ઓછી 30 જેટલી સોસાયટીમાં પાણીનો ફોર્સ નથી. ગટર યોજનામાં પણ લાઇન નાંખી છે, પરંતુ રોડ બનાવવી દેવામાં આવતો નથી. કોન્ટ્રાક્ટરને નાણા પણ ચુકવી દેવામાં આવ્યાં છે. હકિકતમાં રસ્તો બન્યો નથી.
મોટર બદલી નાંખવામાં આવશે – સીઓ
“આણંદના પાધરિયા વિસ્તારમાં પાણી પુરૂ પાડતાં બોરની મોટર બળી ગઈ છે. જેથી મંગળવારે નવી મોટર નાંખવામાં આવશે. જોકે, અહીં વસતી વધવા સાથે નવી પાણીની ટાંકી બની નથી. જે બનાવવા જગ્યાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જગ્યા મળતાં નવી ટાંકી બનાવી બે ભાગમાં વિસ્તારને વહેંચી પાણી પુરૂ પાડવામાં આવશે.” – એસ.કે. ગરવાલ, ચીફ ઓફિસર, પાલિકા, આણંદ.