રાજકોટ: ગુજરાત સરકારના વર્ષ 2021-22 ના અંદાજપત્રમાં રાજયના પ્રવાસનના વિકાસની હરળફાળને વેગવંતી બનાવવા માટે 488 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રવાસન સ્થળોને માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ ખ્યાતિ મળે તે રીતે આંતર રાષ્ટ્રીય કક્ષાના માપદંડો સાથે વિકસાવી ગુજરાત ગ્લોબલ ચોઇસ ફોર ટુરીઝમ બને તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં ટંકારા, ખંભાલીડા, પોરબંદર અને બેટ દ્વારકામાં વધુ પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવનાર છે.
અહીં આવનાર પ્રવાસીઓને ગુણવત્તાસભર આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે 315 કરોડ ફાળવવામાં આવેલ છે. બુધ્ધ સદીના સ્થાનો જેવા કે દેવની મોરી, ખંભાલીડા, શાણા, સિયોટ, વાલ્મીકીપુર તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ ટંકારા ખાતે પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાથે સંકળાયેલા વિવિધ સ્મૃતિ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. બેટ-દ્વારકા, સિયાળ સવાઇ બેટ, સૂર્યનગરી મોઢેરા અને સાપુતારા ખાતે વધુ પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે. અમદાવાદ, સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવવા માટે રૂ.3 કરોડની જોગવાઇ કરાયેલી છે.