એક પુજારી ભગવાનની પૂજા કરીને શાંતિથી ઓટલા પર બેસીને ભગવાનનું નામ લઇ રહ્યા હતા.આવતા જતા ભક્તો તેમને નમન કરી જઈ રહ્યા હતા. પૂજારીજી પાસે એક હજામ આવ્યો, તે પોતાના જીવનથી અને દુનિયાથી કંટાળેલો અને ત્રાસેલો હતો. હજામ પુજારી પાસે બેસીને વાતો કરવા લાગ્યો.હજામ બોલ્યો, ‘પૂજારીજી, મને તો સમજાતું નથી કે ‘તમારો ભગવાન’કેમ આવું કરે છે? આ ભગવાન જ દુનિયાભરમાં કેટલી પરેશાનીઓ મોકલે છે, ક્યાંક દુકાળ પડે છે ..તો ક્યાંક પૂર આવે છે…કોઈ ગરીબાઈથી પરેશાન છે ..તો કોઈ બેરોજગારીથી તકલીફમાં છે…ક્યાંક ભૂખમરો છે …ક્યાંક અકસ્માત ….શું કામ તમારો ભગવાન બધાને કોઈ ને કોઈ પરેશાનીમાં જ રાખે છે?’
પૂજારીજી હસ્યા અને બોલ્યા, ‘ભાઈ, શાંત થા અને આ તું શું બોલે છે ભગવાન વિષે? અને ‘તમારો ભગવાન’એટલે શું? ભગવાન તો બધાના જ છે…મારા ..તારા …અને અહીં આવનાર બધાના…તું ચાલ મારી સાથે.’ આટલું કહીને પૂજારીજી હજામને લઈને ભિખારીઓની લાઈનમાં સૌથી છેલ્લે બેઠેલા ભિખારી પાસે લઇ ગયા.ભિખારીના વાળ અસ્તવ્યસ્ત અને લાંબા વધેલા હતા.દાઢી પણ લાંબી વધેલી હતી. પૂજારીજીએ કહ્યું, ‘ભાઈ, તું તો હજામ છે અને તારું કામ એકદમ બરાબર કરે છે, છતાં આ માણસના હાલ કેમ આવા છે? તું હાજર છે છતાં આ માણસના વાળ અને દાઢી આટલા લાંબા અને અસ્તવ્યસ્ત કેમ છે?’
હજામ બોલી ઊઠ્યો, ‘અરે પૂજારીજી, એમાં મારો શું વાંક? આ માણસ હજામત કરાવવા મારી પાસે આવે ,મારો સંપર્ક કરે તો હું તેની હજામત કરી આપું ને? એ તો મારી પાસે આવ્યો જ નથી તો હું થોડો તેની હજામત કરવા સામેથી જાઉં?’
પુજારી બોલ્યા, ‘અરે, વાત તો તારી બરાબર છે અને આ જ વાત જીવનમાં લોકોને અને ઈશ્વરને લાગુ પડે છે.જે લોકો ભગવાનને સત્ય ગણે છે.ભગવાનને દરેક દુઃખોનો તારણહાર સમજે છે અને પોતાના ગણે છે અને જેઓ ભગવાનનો દિલથી પ્રાર્થના દ્વારા સંપર્ક કરે છે તેમના દરેક દુઃખ દૂર થઇ જાય છે અને જે લોકો તારી જેમ ભગવાનને પોતાનો ગણતાં નથી …તેને સત્ય સમજતા નથી …અને તેનો પ્રાર્થના દ્વારા સંપર્ક કરતા નથી તેઓ દુઃખી રહે છે.જે પ્રભુ સાથે સંપર્કમાં રહે છે તેના દુઃખ દૂર થઇ જાય છે….પરમાત્માનો સંપર્ક કરવા પ્રાર્થના કરો, ભક્તિ કરો ,હરિ નામ સુમિરન કરો …’પૂજારીજીએ પોતાની વાતથી હજામની આંખો ખોલી નાખી અને સાચો રસ્તો દેખાડ્યો.