આજે દેશના બે રાષ્ટ્રપતિ વિષે વાત કરવી છે. એક આજી છે અને બીજા માજી છે. જે આજી છે એ આદિવાસી છે અને ઉપરથી સ્ત્રી છે. પહાડમાં જન્મેલી અને ઉછરેલી આદિવાસીની દીકરી ગયા વરસે 24મી જુલાઈએ દેશની રાષ્ટ્રપતિ બની તે ઘટનાને આજના યુગના રિવાજ મુજબ ઉજવવામાં આવી હતી. ઉજવણું એ વાતનું હતું કે આદિવાસી કન્યાને સર્વોચ્ચ સ્થાને બેસાડીને આદિવાસીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી કરવામાં નહોતો આવ્યો એવો ન્યાય કરવામાં આવ્યો હતો. આદર અને ન્યાય બન્ને એક સાથે હોદ્દો આપીને સાકાર કરવામાં આવ્યા હતા. બરાબર એક વરસ પછી મણિપુરમાં નરાધમોએ પહાડમાં જન્મેલી અને ઉછરેલી આદિવાસી કન્યા સાથે કેમેરા સામે જ દુર્વ્યવહાર કર્યો. ક્યાં ગયો આદિવાસીઓનો આદર અને ક્યાં ગયો ન્યાય? એ તો ઠીક, જેને સર્વોચ્ચ હોદ્દે બેસાડીને આદિવાસીઓને આદર અને ન્યાય અપાયાની ઘોષણા કરવામાં આવી હતી એ રાષ્ટ્રપતિનો અવાજ ક્યાં ગયો? ભારતનાં નામદાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હજુ સુધી મોઢું ખોલ્યું નથી.
આ થઈ આજી રાષ્ટ્રપતિ. એક માજી રાષ્ટ્રપતિ હતા જે ભારતનાં પહેલા દલિત રાષ્ટ્રપતિ હતા. એમનું નામ કે. આર. નારાયણન. તેમને જ્યારે રાષ્ટ્રપતિ બનાવાયા ત્યારે દલિતોનું સન્માન અને ન્યાયના ઢોલનગારા નહોતાં વગાડવામાં આવ્યાં પણ કેવા રાષ્ટ્રપતિ! એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે રાષ્ટ્રપતિ હોય તો આવા! અત્યાર સુધીમાં ભારતને મળેલા 15 રાષ્ટ્રપતિઓમાં શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કોણ એવો જો કોઈ મને પ્રશ્ન પૂછે તો મારો એક જ જવાબ હોય; કે. આર. નારાયણ. ડૉ રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. રાધાકૃષ્ણન, ડૉ ઝાકીરહુસેન અને તાજેતરનાં વર્ષોમાં થયેલા અને સાદગી અને સરળતા માટે લોકપ્રિય બનેલા ડૉ. અબ્દુલ કલામ પણ તેમની તોલે ન આવે પણ આપણે કે. આર. નારાયણની રાષ્ટ્રપતિ તરીકેની મહાનતા વિષે ખાસ જાણતા નથી કારણ કે આપણે ભારતીય સંઘમાં રાષ્ટ્રપતિની ભૂમિકા વિષે ખાસ જાણતા નથી. જાહેરજીવનનાં અન્ય કોઈ ક્ષેત્રમાં મહાન હોવું અને બંધારણચિંધ્યી ભૂમિકા નિભાવવામાં દક્ષ હોવું એ બે અલગ ચીજ છે.
તમને કદાચ જાણ હશે કે કે. આર. નારાયણ જન્મે દલિત હતા. કેરળના એક નાનકડા ગામમાં તેમનો જન્મ થયો હતો અને હરિજન સેવક સંઘની આશ્રમશાળામાં તેમનું શિક્ષણ થયું હતું. ભણવામાં હોંશિયાર હતા, સ્કોલરશીપ મળતી હતી અને અંગ્રેજી સાહિત્યમાં MA કર્યા પછી તેમને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાં પ્રવેશ મળ્યો હતો. તેમને જે આર ડી તાતાએ સ્કોલરશીપ આપી હતી અને એ ઉપરાંત કનૈયાલાલ મુનશીએ તેમના અંગ્રેજી સામયિક ‘સોશ્યલ વેલ્ફેર’ના લંડનના પ્રતિનિધિ બનાવ્યા હતા. એ સમયે વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને રાજનીતિશાસ્ત્રી હેરોલ્ડ લાસ્કી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસના વડા હતા અને વિશ્વપ્રસિદ્ધ ફિલસૂફ કાર્લ પોપર તેમ જ એટલા જ ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને ફ્રેડરિક હાયેક ત્યાં ભણાવતા હતા. નારાયણ આ ત્રણેયના વિદ્યાર્થી હતા અને લાસ્કીના તો લાડલા હતા.
કે. આર. નારાયણન લંડનથી ભારત પાછા ફરવાના હતા ત્યારે હેરોલ્ડ લાસ્કીએ તેમને એક પત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે આ પત્ર લઈને તું જવાહરલાલ નેહરુને મળજે. લાસ્કીએ નેહરુને ભલામણ કરી હતી કે આ યુવક તાજા સ્વતંત્ર થયેલા ભારતના ઘડતરમાં ઉપયોગી થઈ શકે એમ છે. સરકારે તેનો ઉપયોગ કરવો જોઈએ. નેહરુએ તેમને ભારતીય વિદેશ સેવામાં જોડાવાની ભલામણ કરી હતી. નિવૃત્તિ પછી તેમની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કેટલોક સમય રાજીવ ગાંધીની સરકારમાં પ્રધાન હતા, 1992માં તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા અને 1997માં તેઓ દેશના 10મા રાષ્ટ્રપતિ બન્યા હતા.
ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ તરીકે તેમને આવકારવામાં આવ્યા હતા પણ એ તેમની બહુ ટૂંકી ઓળખ હતી. તેમની સાચી ઓળખ તો એ હતી કે રાષ્ટ્રપતિ કેવો હોવો જોઈએ તેનું તે આદર્શ ઉદાહરણ હતા. તેઓ પોતાને સક્રિય રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવતા હતા. સરકારી (એક્ઝિક્યુટિવ) કામકાજમાં ચંચુપાત કરનારા પણ નહીં અને મૂંગા રહીને મતું મારનારા રબ્બર સ્ટેમ્પ રાષ્ટ્રપતિ પણ નહીં. બંધારણની મર્યાદામાં રહેવાનું, પણ બંધારણીય ફરજ પણ નહીં ચૂકવાની.
તેઓ ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે ચૂંટણીમાં મત આપવાનું શરૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ રાજકીય પક્ષપાત નથી ધરાવતા એ બતાવવા સારુ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મત નહીં આપીને તટસ્થતા બતાવતા હતા. નારાયણનની દલીલ હતી કે ભારતનો નાગરિક ગમે તે હોદ્દો ધરાવતો હોય પણ તે નાગરિક મટતો નથી અને નાગરિકે ચૂંટણીમાં મત આપીને નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવવી જોઈએ. બીજું એવો કોઈ માણસ હોતો નથી જે મત ન ધરાવતો હોય. મત ધરાવનારા નાગરિકે ગુપ્ત રીતે પોતાનો મત આપીને લોકતંત્રમાં હિસ્સેદાર બનવું જોઈએ. તેમની ત્રીજી દલીલ એવી હતી કે તટસ્થતા જાળવવી એ વિવેક, અંતરાત્મા અને ફરજનિષ્ઠાનો ભાગ છે. અંતરાત્મા, વિવેક અને બંધારણ માટેની નિષ્ઠા હોય એ પૂરતું છે. તટસ્થતા એની મેળે આવી જશે.
2002ની સાલના ગુજરાતનાં કોમી હુલ્લડો પછી એ સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુજરાતના મુખ્ય પ્રધાનને રાજધર્મની યાદ અપાવી હતી એ યાદ હશે. હકીકતમાં રાજધર્મની યાદ એ સમયના રાષ્ટ્રપતિ કે. આર. નારાયણને વાજપેયીને અપાવી હતી. તેમણે વડા પ્રધાન વાજપેયીને ગુજરાતની સ્થિતિ અને રાજધર્મ વિષે લખેલા પત્રો ભારતના લોકતંત્રના ઇતિહાસમાં સુવર્ણપાન બની રહેશે. વાજપેયીએ નાછૂટકે નરેન્દ્ર મોદીને રાજધર્મની યાદ અપાવવી પડી હતી. નારાયણન 1992થી 1997ની સાલમાં દેશના ઉપરાષ્ટ્રપતિ હતા અને ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનું સંચાલન કરે છે.
સંચાલન કેવું હોય અને તેમાં તટસ્થતા કેવી હોય એ ત્યારે જોવા મળ્યું હતું. 1997ની સાલમાં ઇન્દરકુમાર ગુજરાલની ત્રીજા મોરચાની સરકારે તેમને રાષ્ટ્રપતિપદ માટે પસંદ કર્યા હતા પણ ગુજરાલ સરકારે ઉત્તર પ્રદેશની કલ્યાણ સિંહની BJPની સરકારને બરતરફ કરવાના આદેશ પર રાષ્ટ્રપતિને સહી કરવાની સલાહ આપી ત્યારે તેમણે એ દરખાસ્ત પાછી મોકલી હતી. ગુજરાલ પછી અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા હતા અને તેમની સરકારે જ્યારે બિહારની રાબડી દેવીની સરકારને બરતરફ કરવાની દરખાસ્ત મોકલી તો તેને પણ તેમણે પાછી કરી હતી.
1979ની સાલમાં જનતા પાર્ટીની સરકાર તૂટી ત્યારે એ સમયના રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ નવી સરકાર રચવા માટે જે તે પક્ષોનાં સંખ્યાબળનું ધોરણ અપનાવ્યું હતું. જે પક્ષ પાસે સૌથી વધુ બેઠક હોય એને પહેલો ચાન્સ. એ સરકાર રચી ન શકે તો બીજો એ પછી ત્રીજો એમ. 1989માં અને એ પછીનાં વર્ષોમાં આર. વેંકટરામને અને ડૉ શંકર દયાળ શર્માએ પણ આ જ માર્ગ અપનાવ્યો હતો. એ ધોરણે તો 1996માં અટલ બિહારી વાજપેયીની 13 દિવસ માટેની સરકાર રચાઈ હતી. ત્યારે રાષ્ટ્રપતિની ટીકા કરતા કાયદાવિદો કહેવા લાગ્યા હતા કે રાષ્ટ્રપતિએ સંખ્યાના ધોરણે એક પછી એક મુરતિયાઓને બોલાવવાના હોય તો રાષ્ટ્રપતિની જરૂર જ શું છે? એ કામ તો કોઈ પણ કરી શકે? કે. આર. નારાયણને એ શિરસ્તો પણ બદલ્યો હતો અને કહ્યું હતું કે બંધારણ મુજબ રાષ્ટ્રપતિએ એ ચકાસવાનું છે કે કોણ સ્થિર સરકાર આપી શકે એમ છે. તેમણે અટલ બિહારી વાજપેયીને કહ્યું હતું કે સમર્થન કરનારા પક્ષોનો સમર્થનનો પત્ર રજૂ કરો. પત્રો મળ્યા પછી જેતે પક્ષના નેતાઓને બોલાવીને ખાતરી કરી હતી અને સરકાર રચવા વાજપેયીને કહ્યું હતું.