એક દિવસ ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું, ‘આજથી ત્રણ દિવસ સુધી જેને જે જોઈએ તે હું આપીશ.સંદેશ પૃથ્વીલોકમાં બધે ફેલાવી દો.’ પ્રભુનો હુકમ થતાં નારદજી તો નારાયણ નારાયણ કરતાં પૃથ્વીલોકમાં ફરી વળ્યા અને બધાને સંદેશો પહોંચાડી દીધો કે ‘ભગવાન વિષ્ણુ એકદમ પ્રસન્ન છે. આજથી ત્રણ દિવસ સુધી જેને જે જોઇશે તે આપશે.’
સંદેશ મળતાં જ પૃથ્વીલોકનાં માણસો તરત જ દોડવા લાગ્યાં અને વિષ્ણુલોકના દરવાજે લાંબી કતાર લાગી ગઈ.બધા પોતાની ઈચ્છા અનુસાર વસ્તુઓ માંગવા લાગ્યા.કોઈ પૈસા, કોઈ પુત્ર, કોઈ જમીન, કોઈ રૂપવાન પત્ની, કોઈ રાજપાટ, કોઈ સ્વાસ્થ્ય, કોઈ સુખ, કોઈ ઊંઘ ,કોઈ નિરાંત, કોઈ નોકરી, કોઈ ઊંચું પદ ,કોઈ મોટું ઘર,કોઈ સફળતા, કોઈ આરામ.આવું ઘણું ઘણું માંગવા લાગ્યાં અને ભગવાન વિષ્ણુ તો જે આવ્યા અને જે માંગ્યું તે આપતા જ રહ્યા.બધા પોતાનું મનપસંદ મેળવીને રાજી થઈને જવા લાગ્યાં. નારદજીએ આ વાત દેવલોકમાં ફેલાવી.બધા દેવોને ચિંતા થઇ કે આપ તો માણસો બધું માંગી જશે અને વિષ્ણુ ભગવાન બધું આપી દેશે તો તો આખું વૈકુંઠ ખાલી થઈ જશે.બધા લક્ષ્મીજી પાસે ગયાં કે માતા વિષ્ણુ ભગવાનને અટકાવો.
લક્ષ્મીજીએ પહેલો દિવસ પૂરો થતાં રાત્રે પ્રભુને ધીમેથી કહ્યું, ‘પ્રભુ, તમે આમ બધું આપશો તો આખું વૈકુંઠ ખાલી ન થઈ જાય…’ વિષ્ણુ ભગવાન મરક મરક હસ્યા અને બોલ્યા, ‘ચિંતા ન કરો દેવી, આ માણસો બધું માંગશે જે માયા છે અને ક્ષણજીવી છે.તેઓ ક્યારેય એ વસ્તુઓ નહિ માંગે, જેને લીધે ક્ષણજીવી નહિ, શાશ્વત સુખ મળે છે.’ લક્ષ્મીજીએ પૂછ્યું, ‘સ્વામી એવી કઈ વસ્તુઓ છે?’
ભગવાન બોલ્યા, ‘જીવનમાં દર ક્ષણે, કોઈ પણ પરિસ્થિતિમાં સાચો આનંદ અને સુખ આપતી વસ્તુઓ છે ‘શાંતિ’….’સંતોષ’ અને ‘ભક્તિ’ અને પછી આગળ હસીને બોલ્યા, ‘દેવી, જીવનમાં આ ત્રણ વસ્તુઓ જ મહત્ત્વની છે અને માનવજાત ક્યારેય આ વસ્તુઓ વિષે વિચારતી નથી એટલે તેઓ આ વસ્તુઓ ક્યારેય નહિ માંગે અને બાકી ગમે તેટલું માંગે, શાંતિ અને સંતોષ સિવાય બધું નકામું છે.જીવનમાં મેળવેલી બધી જ વસ્તુઓથી મળતું સુખ અલ્પવિરામ છે, જયારે શાંતિ અને સંતોષ જીવનના સુખનું પૂર્ણવિરામ છે અને ભક્તિ મારી નજીક આવવાનો, મને મેળવવાનો એક માત્ર રસ્તો છે.પણ મને ખબર છે કે માણસો આ ત્રણ વસ્તુઓ નહીં માંગે.’ લક્ષ્મીજી હસવા લાગ્યાં. ભગવાન પાસે શું માંગવું તે હંમેશા યાદ રાખજો.