Comments

મારું ડોઝરું સંભાળો મહારાજ રે..!

એકવીસમી જૂન આવે એટલે, ડોઝરા નરેશના ડોળા ચઢવા માંડે..! માટે ડોઝરા સાથે પણ મહિને-બે મહિને ‘સેલ્ફી’ લેતાં રહેવાનું..! ખબર તો પડે કે, બંદા માપમાં છે કે, ડોબરું દહેરાદૂન બની ગયેલું છે..? પેટનો બાહ્ય આકાર પ્રમાણસર હોય તેને પેટ કહેવાય ને કાબૂ બહાર હોય તેને પેટારો કહેવાય. ડોઝરું એ મોગલોએ વસાવેલો પ્રદેશ નથી, પણ માણસે પોતે વસાવેલો પેટ પ્રદેશ છે. ભૂખા પેટે આવી મિલકત વસાવાતી નથી, એટલે આ પ્રદેશ ઉપર અમીરોનો ખાસ હકુમ હોય..! મારું ડોઝરું ઉતારવા મેં અનેક વાર ચઢાઈ કરી, પણ એના કપાળમાં કાંદા ફોડું, સલાહ આપનાર ડોકટરો ઓછાં થઇ ગયાં, પણ ડોઝરું હજી યથાવત્ છે બોલ્લો..!

કસ્સમથી કહું કે, ખોરાક સિવાય, હવા-છીંક-ઉધરસ-ગમ-માર વગેરે ખાવાનું બધું છોડી દીધું, પણ વિરોધ પક્ષના નેતા જેવું પેટ હજી મારા કાબૂમાં નથી. ગાંઠતું જ નથી. શરીરનું સચિવાલય શરીરના મધ્ય પ્રદેશમાં આવેલું હોય એમ, આજે પણ મારું ડોઝરું ‘હિલ સ્ટેશનની’ માફક શાન ધરાવે છે..! હાથ-પગ-ઢીંચણ-કોણી-કાન-નાક વગેરે વજન વધારવામાં ક્યારેય સ્વચ્છંદી બન્યાં નથી. પણ રાજવીની ઔલાદ હોય એમ પેટ કાયમનું આગળ વધતું જાય. એવું વધે કે, દમણ દરિયા સાથે ભળી જવાનું હોય એવું લાગે. વાળ વધે કે નખ વધે, એના ઉપાય થાય, પણ પેટ વધે તો શું કરવું..? રંદો ફેરવીને ચપટું તો કરાય નહિ..! જો કે ડોઝરું જોઇને ઘણાને હસવાનું મળે એ જ મારી સેવા..! કોઈને મફતમાં હસવાનું મળે એ પણ સમાજ સેવા જ છે ને મામૂ..?

એક કસરતબાજે મને શીર્ષાસન કરવાનો ચટાકો બતાવ્યો. હું તો તૈયાર થયો પણ, મારી ડોકી શરીરનો ભાર ઉઠાવવા તૈયાર નહિ થઇ. ટાંટિયાએ જમીનની માયા છોડવા નાખુશી બતાવી. આખો દરિયો ખાલી કરવાનો હોય, તેમાં પક્ષીની ચાંચ કેટલું યોગદાન આપી શકે, છતાં હાથ હલાવીને કસરત કર્યાનો વીંટો વાળી દીધો..! એમાં બે દિવસમાં બે બાટલી તો શરીર માલિશ પી ગયું..! એની જાતને ‘મોટાં’ થઇ ગયાં એટલે, પહેલાં જેવાં રમતિયાળ તો રહેવાય નહિ. લંગડી રમવા જઈએ તો બ્રાન્ડેડ લેંઘાની દયા આવે, રખે ને ફસ્કાઈ ગયું તો..? ઊંચી કૂદના ઠેકડા મારવા જઈએ તો, ચોક્કસ જગ્યાએથી ફાટી જવાનો ડર લાગે..! આદમી જાયે તો જાયે કહાં..? ફૂંકી-ફૂંકીને કસરત કરવામાં સાલું હાસ્ય વિલાઈ જાય..!

મારી ગોળમટોળ થવાની અવસ્થા મને બચપણથી મફતમાં ને વારસામાં મળેલી. માતા-પિતાની પનાહમાં હતો ત્યારથી જ માર ખાવા કરતાં, મને ખાધ વધારે મળેલી. પણ રતનજી જાણે કેવા પ્રકારનું ‘બિપોરજોય’ જેવું વાવાઝોડું આવ્યું કે, ગોળમટોળમાંથી ‘મટોળ’ ગાયબ થઇ ગયું, ને પેટ ગોળ થઇ ગયું..! પેટ છૂટી વાત કરું તો, દહીંપુરી-ભેળપુરી-પાણીપુરી-સેવપુરી-પીઝા-બર્ગર-ચીઝ્પુરી જેવી આઈટમો અને મલાઈ-માખણ-ઘી નો એમાં અમૂલ્ય ફાળો છે..!.આજે પણ પાંચ-સાત રેંકડીઓ મારા પીઠબળથી જ પ્રગતિ કરે છે. આજે પણ એ લોકો મને માણસ કરતાં ઘરાક સમજીને વધારે આદર કરે..! શું કરીએ, પગારની રકમમાં ઘર ચલાવીએ ને, મોંઘવારીની રકમમાંથી ખાણીપીણી સંભાળીએ..! વધતી જતી આ મોંઘવારીનાં ચિહાડા અમે કંઈ અમસ્તા થોડાં પાડીએ..? પાપી પેટકી યે બળતરા હૈ..!

માત્ર મગજ સ્વાદિષ્ટ કે તંદુરસ્ત હોય તે ભ્રમ છે. સત્ય એ છે કે, શરીરની પૂરી બિલ્ડીંગ મજબૂત હોવી જોઈએ. મગજ સોલ્લીડ હોય ને પેટ ઉપર ચરબીનો પહાડ ફૂટી નીકળે તો, કોઈ પણ સુંદરી સડસડાટ દાદર ઊતરી જાય..! માટે કહું છું કે, સરકાર માટે એકાદ-બે તાલી તો પડવી જ જોઈએ મામૂ..! ૨૧ મી જૂન આવે એટલે એ લોકો લોકોના ડોઝરાની કેવી ચિંતા કરે છે..? વેકેશન પૂરું થતાં પિયર ગયેલી પત્ની યાદ આવે એમ, યોગ દિવસની યાદ આવવા માંડે. લોકોની નજર પણ ત્યારે જ પોતપોતાના ડોઝરા ઉપર પડવા માંડે. જોઈ ત્યારે ખબર પડે કે, આ તે કોઈ ‘ડોઝણું’ છે કે, ટોલનાકું..? સરકાર સારી છે કે, ડોઝરા ઉપર ‘ડોઝરા-ટેક્ષ’ નાંખતી નથી. નહિ તો આવકની વધ-ઘટ પ્રમાણે ટેક્ષ લાગે એમ, ડોઝરાના વધઘટ ઉપર પણ ટેક્ષ ચાલુ થઇ જાય..! (સરકારી આવક વધારવાની આ એક TIPs કહેવાય..! ક્યાં ગયા શ્રીમતી નિર્મલા સીતારમન..! ) જો આવો ટેક્ષ આવે તો, લોકો, તકિયા નીચે ‘મેઝર-ટેપ’ રાખીને સૂતાં થઇ જાય બોસ..! તંઈઈઈઈઈ..! નાકથી સુસવાટા કાઢવા જ માંડે..! પેટ ભરવાનું છોડી, પેટ હલાવવા મંડી પડે. યોગી થવું હોય તો યોગ તો કરવો પડે મામૂ..! ભોગી તો બહુ રહ્યા, પણ યોગ વગર યોગી થવાતું નથી..!

યોગદિન આવે તે પહેલાં સ્પોર્ટ્સના લેંઘા ને જોડા આવી જાય. ધોતિયાવાળાની ચેતના પણ ફાટ-ફાટ થવા માંડે. અમુક તો સ્પોર્ટસનો લેંઘો તૈયાર ઊંચકી લાવ્યા હોય ને, દોઝણા ઉપર નહિ પહોંચે, ત્યારે ખબર પડે કે, સાલી શરીરની સ્થિતિ તો કાબૂ બહારની છે..! ક્યાં તો વચ્ચેથી ફાટી જાય, ક્યાં તો યોગમાં પણ લેંઘો જ દેખાય..! જો કે લેંઘો ચઢાવ..ચઢાવ કરવાની ક્રિયાને એક પ્રકારની કસરત જ કહેવાય. યોગીમાંથી ભોગી થવું સહેલું છે, પણ ભોગીમાંથી યોગી બનવું એટલે, માથા ઉપર મધમાખી ઉછેરવા જેટલું ખતરનાક.! યોગ કરવાનું શરૂ-શરૂમાં તો ફાંકડું લાગે. પણ ધીરે-ધીરે માતાજી આવવા માંડે. હાડકાં-પાંસળાં અંદરથી કરગરવા માંડે, ‘હવે બસ કર ને મામૂ, બહુ દુખે છે..! પણ દેશ-દેશાવરના નકશાની માફક વધી ગયેલાં ડોઝરા એમ કંઈ થોડાં ઢીલ્લા થાય?

લાસ્ટ ધ બોલ
અમારા વલસાડના ડો. સતીષભાઈ નાયક પાસે એક દર્દી આવ્યા.
બોલો શું થાય છે?
સાહેબ વજન બહુ વધે છે.
રોજ શું ખાઓ છો?
સવારે જમવા ટાણે ઘી સાથે માત્ર ૨૪ રોટલી ને સાંજે જમતી વખતે ઘી સાથે માત્ર ૨૪ રોટલી..! બાકીનું અલગ..!
ઓહહહહહ..! કાલથી સવાર સાંજ ઘી વગરની માત્ર બે રોટલી ખાવાની રાખો..! અને બાકીનું બંધ..!
ચોક્કસ..! પણ આ બે રોટલી ૨૪ રોટલી ખાધા પછી ખાવાની કે તે પહેલાં..?
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top