નવી દિલ્હી: T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં જ યજમાન ઓસ્ટ્રેલિયાનો ધબડકો થયો હતો. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી આ મેચમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ તમામ ક્ષેત્રે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર ભારી પડતા જોવા મળ્યા હતા. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને બેટિંગ આપવાનો ઓસ્ટ્રેલિયાનો નિર્ણય ખોટો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ 201 રનનો વિશાળ ટાર્ગેટ ઓસ્ટ્રેલિયા સામે મુક્યો હતો, જેની પાછળની દોડમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો નબળા પુરવાર થયા હાત. 18મી ઓવરમાં 111 રન બનાવી ઓસ્ટ્રેલિયાના તમામ બેટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ન્યૂઝીલેન્ડે ટી-20 વર્લ્ડકપના અભિયાનની પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને 89 રનના વિશાળ સ્કોરથી હરાવી હતી.
- ડેવિડ કોનવેના 92 રનની મદદથી ન્યૂઝીલેન્ડે 200નો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાને આપ્યો
- ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ન્યૂઝીલેન્ડની ચુસ્ત બોલિંગ સામે ટકી શક્યા નહીં
T20 વર્લ્ડ કપ 2022ની ખરી લડાઈ શરૂ થઈ ગઈ છે. શનિવારથી સુપર-12 મેચ શરૂ થી છે, જેમાં પ્રથમ મેચ યજમાન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાય છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે ખોટો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયન બોલરોની ચારેતરફ ધોલાઈ કરી હતી. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવેએ 92 રન બનાવ્યા હતા. જેની મદદથી ન્યૂઝીલેન્ડે 3 વિકેટે 200 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડે આ મેચમાં તોફાની બેટિંગ કરી હતી અને 200 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ડેવિડ કોનવેએ અણનમ 92 રનની ઇનિંગ રમી હતી. જેમાં તેણે 7 ફોર, 2 સિક્સર ફટકારી હતી. અંતમાં જીમી નિશમે પણ 13 બોલમાં 26 રન બનાવ્યા જેમાં તેણે 2 સિક્સર ફટકારી હતી. ન્યૂઝીલેન્ડે શરૂઆતથી જ જોરદાર બેટિંગ કરી હતી, ફિન એલને 16 બોલમાં 42 રન બનાવ્યા હતા. જેમાં તેણે 5 ફોર, 3 સિક્સર ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે બે અને એડમ ઝમ્પાને એક વિકેટ મળી હતી.
201 રનના વિશાલ ટાર્ગેટને હાંસલ કરવાની દોડમાં ઓસ્ટ્રેલિયા શરૂઆતથી જ હાર માની લીધી હોવાનું લાગતું હતું. ઓસ્ટ્રેલિયાના ધરખમ બેટ્સમેનો ન્યૂઝીલેન્ડની ચુસ્ત બોલિંગ અને પાવરપેકેડ ફિલ્ડિંગ સામે વામણા સાબિત થયા હતા. 89ના સ્કોર પર 7 ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ગયા હતા. એક રીતે ન્યૂઝીલેન્ડે પાવર પ્લેથી જ ઓસ્ટ્રેલિયા પર દબાણ વધારી દીધું હતું. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ક્ષેત્રમાં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન્સ પર ભારે સાબિત થયા હતા.