આવતીકાલે અહીંના મોટેરા સ્ટેડિયમમાં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટની બંને સેમી ફાઇનલ રમાશે. પહેલી સેમી ફાઇનલમાં તમિલનાડુ અને રાજસ્થાનની ટીમ બાથ ભીડશે જયારે બીજી સેમી ફાઇનલમાં પંજાબ અને વડોદરાની ટીમ સામસામે હશે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ 31 જાન્યુઆરીએ રમાશે. હવે જ્યારે આઇપીએલની હરાજી 18મી જાન્યુઆરીએ યોજાવાની છે ત્યારે સેમી ફાઇનલમાં પહોંચેલી ચારેય ટીમના ખેલાડીઓ આઇપીએલ ફ્રેન્ચાઇઝીને આકર્ષિત કરવાનો અંતિમ પ્રયાસ કરશે.
દિનેશ કાર્તિકની આગેવાની હેઠળની તમિલનાડુની ટીમનો દારોમદાર એન જગદીશન પર વધુ રહ્યો છે તો સામે રાજસ્થાનની ટીમમાં મહિપાલ લોમરોર જેવો બેટ્સમેન છે તો સાથે જ ટી-20 સ્પેશિયાલિસ્ટ બોલર દીપક અને રાહુલના રૂપમાં ચાહર બ્રધર્સ તેમજ રવિ બિશ્નોઇ અને અનિકેત ચૌઘરી જેવા સારા બોલરોનો સમાવેશ થાય છે. આ ટૂર્નામેન્ટમાં રાજસ્થાનનો ટોપ સ્કોરર અંકિત લાંબા રહ્યો છે, જો કે તેની સ્ટ્રાઇક રેટ તેણે સુધારવી પડશે.
પંજાબ અને વડોદરા વચ્ચેની મેચ વધુ રસપ્રદ બની રહેશે. પંજાબ પાસે સિદ્ધાર્થ કૌલ અને સંદીપ શર્મા જેવા અનુભવી બોલરોની સાથે યુવા અર્શદીપ સિંહ પણ પ્રભાવ પાથરી શકે છે. હરિયાણા સામેની ક્વાર્ટર ફાઇનલમાં છેલ્લા બોલે હેલિકોપ્ટર શોટ વડે છગ્ગો ફટકારીને વડોદરાને જીતાડનારા વિષ્ણુ સોંલકી આ મેચમાં પણ જોરદાર બેટિંગ કરશે એવી ચાહકો ઇચ્છા ધરાવે છે.