નવી દિલ્હી: ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મમાં મોખરાનું નામ ધરાવતી ખાનગી કંપની સ્વિગીએ (Swiggy) આજે મોટો નિર્ણય જાહેર કર્યો છે. સ્વિગ કંપનીએ 380 કર્મચારીઓને નોકરીમાંથી (Swiggy Layoff 380 Employees) કાઢવાનો નિર્ણય લીધો છે. આવકમાં ગાબડું પડવા સાથે નફાનું મોટા પાયે ધોવાણ થવાના લીધે કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
- ફૂડ ડિલીવરી સેગમેન્ટમાં વૃદ્ધિ દર ઘટતા સ્વિગિની આવક અને નફો ઘટ્યો
- નફાકારકતા વધારવા માટે સ્વિગી દ્વારા કર્મચારીઓની છટણીનો નિર્ણય લેવાયો
- ભૂતકાળમાં વધુ પડતા કર્મચારીઓની કરાયેલી ભરતીને પણ કંપનીએ જવાબદાર ઠેરવી
380 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત આજે કંપનીના સીઈઓએ કરી હતી. કંપનીના સીઈઓ હર્ષ મેજેટીએ કહ્યું કે, આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે, પરંતુ જો આ નિર્ણય નહીં લેવાય તો કંપની માટે મુશ્કેલીઓ વધશે. પરિવર્તનના પ્રયાસના ભાગરૂપે આ પગલું ભરવું પડ્યું છે. કંપનીએ 380 સંભવિત કર્મચારીઓને નોકરીમાંથી કાઢવા અંગે જણાવ્યું કે અમે અમારી ટીમને ઘટાડવા માટે આ મુશ્કેલ નિર્ણય લઈ રહ્યા છીએ. કંપનીના સીઈઓ શ્રીહર્ષ મેજેટીએ કર્મચારીઓને તેમના વતી મોકલેલા મેલમાં જણાવ્યું છે કે તમામ સંભવિત સંજોગોને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોતાના ઈમેલમાં છટણીનો આ નિર્ણય લેવાના અનેક કારણો આપવાની સાથે તેણે આ માટે કર્મચારીઓની માફી પણ માંગી છે. છટણી માટે સ્વિગી દ્વારા ટાંકવામાં આવેલા મુખ્ય કારણો પૈકી એક પડકારરૂપ મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિઓ છે. કંપની સંખ્યાબંધ પડકારોનો સામનો કરી રહી છે. જો કે, સ્વિગી એવો પણ દાવો કરે છે કે તેની પાસે પોતાને ટકાવી રાખવા માટે પૂરતું ફંડ છે.
આ કારણોસર સ્વીગીએ કર્મચારીઓની છટણી કરી
સ્વિગીના CEOએ જણાવ્યું હતું કે, “હવે ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મ પર ધંધો કરવો સરળ રહ્યો નથી. ખૂબ જ અઘરું કાર્ય છે. ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં વૃદ્ધિ દર નીચો આવ્યો છે., પરિણામે નફો ઓછો અને કમાણી ઓછી થઈ છે, જે કંપનીના અંદાજોથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. આથી છટણીનો મુશ્કેલ નિર્ણય લીધો છે.” સ્વિગીએ લોકોને છૂટા કરવાના નિર્ણય માટે વધુ પડતાં કર્મચારીઓની કરાયેલી ભરતીને પણ દોષિત ઠેરવ્યું હતું. કંપની હવે નફો વધારવા તરફ ધ્યાન આપવા માંગે છે, તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમામ બાબતો પર ફોક્સ કરાઈ રહ્યું છે.