ભીડ, ગીચતામાં વાહનવ્યવહાર ત્રાસદાયક બને છે, તેમાં જાતજાતના વિચિત્ર ધ્વનિ પ્રસરાવતા હોર્નની આપત્તિ સહેવી પડે છે. કુદરતી સાંનિધ્યના વસવાટમાં અનુભવાતી સાત્ત્વિકતા, મધુરતાનો અભાવ કંટાળાજનક બને છે, ટ્રાફિક જામ થાય ત્યારે વાહનોના કર્કશ હોર્નનો જ અવાજ ફેલાય, કોયલનો મધુર રવ તો હરિયાળા પ્રદેશમાં જ હોય. ટેરીફિક ટ્રાફિક શહેરોની અનિવાર્ય આપત્તિ છે. કર્કશ હોર્નના સ્થાને જો વાંસળી, સિતાર, હાર્મોનિયમ, માઉથ ઓર્ગન, વાદ્ય સંગીતના સૂરો રેલાતા હોય તો કર્કશતાના તમસને સ્થાને દિમાગમાં રાહતનો ઉજાસ પાથરી શકે. વધારાની તકલીફ સાયરનની છે. પોલીસનાં વાહનો, એમ્બ્યુલન્સની તીણી સાયરનો પણ અકળાવે છે, ભલે ને ચેતવણી માટે હોય. આકાશવાણીની સિગ્નેચર ટયુન જેવા કર્ણપ્રિય સંગીતનો ઉપયોગ થઇ શકે. વાહનોનાં હોર્ન અને તેની શ્રવણ શકિત પરની વિપરીત અસરો ધ્યાનમાં લેવી જોઇએ. લાંબા સમય સુધી આવાં હોર્નની વચ્ચે રહેતાં બધિરતાનું આગમન થાય છે.
તાણ ઉપરાંત તે લોહીનું ઊંચું દબાણ, લકવા અને મધુપ્રમેહનું જોખમ પણ વધારે છે. ડિમેન્શિયા અને અલઝાઇમરનું જોખમ પણ રહે છે. શહેરી જીવનમાં ઘોંઘાટ અને કકળાટ છવાયેલા છે. મંદિરો અને મસ્જીદોમાં આત્મિક શાંતિ, તાદાત્મ્ય, સાત્ત્વિકતા પર પ્રહાર કરતો માઇક ધ્વનિ આસુરી ભૂમિકા ભજવે છે. નેતાઓની સભા, રેલીઓ, મેળાવડા, સ્નેહમિલનો, બધે જ ઘોંઘાટને પ્રાધાન્ય હોય છે. અતિશય ઊંચા પ્રમાણમાં ઘોંઘાટ પેદા કરવો, એ આપણા તહેવારોની ઉજવણીનું અનિવાર્ય અંગ બની ગયું છે. ગીત, ભજન યા આરતીની ધૂન વેળા મધુરતા અને સાત્ત્વિકતા જરૂરી છે. આ સંદર્ભની સમસ્યાનો ઉકેલ વિચારાતો નથી. માંદગીના નહીં લક્ષણના ઉપચારમાં વધુ ધ્યાન અપાય છે. રૂઆબદાર લાલ, લીલી લાઇટ, સાયરનનું મહત્ત્વ નથી, આનંદમાં ફટાકડા હવે તો દિવાળી સિવાય પણ બેફામ ફૂટતા રહે છે. ઘોંઘાટ આપણી ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય ઓળખ બનતો જાય છે. ફિલ્મ ‘શોર’ ઘોંઘાટની સમસ્યા કલાત્મક રીતે દર્શાવતી ફિલ્મ હતી. મનની શાંતિ માટે મધુર સાત્ત્વિકતા જોઇએ અને તે ત્યારે જ શકય બને, જયારે સાચી સમજણ કેળવાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.