નવસારી : જલાલપોર (Jalalpor) નાની કરોડ ગામે મહિલાને તૈયાર કરવા ગયેલી બ્યુટીપાર્લરની (Beauty parlor) બે યુવતી પર દાગીના ચોરીનો (Theft) આક્ષેપ કરી બંને યુવતીને વસ્ત્રહીન કરી તેમની ચકાસણી કરી હતી. જ્યારે મહિલાના પતિએ બંને યુવતીને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપતા મામલો જલાલપોર પોલીસ (Police) મથકે પહોંચ્યો છે.
- યુવતીએ નાની કરોડ ગામની મહિલા તેના પતિ અને પુત્રી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
- જલાલપોરના નાની કરોડ ગામે મહિલાને તૈયાર કરવા ગયેલી બ્યુટીપાર્લરની બે યુવતી ઉપર ચોરીનો આક્ષેપ
ગણેશ-સિસોદ્રા ગામે જીઆઇડીસી કોલોનીમાં રહેતી ઉજ્જવલા ઉર્ફે પીન્કી સુધાકરભાઈ રાઉત હી એન્ડ સી ફેમીલી સલુન નામનું પાર્લર ચલાવી ગુજરાન ચલાવે છે. નાની કરોડ ગામે વલોરીયા ફળીયામાં રહેતી જ્યોતિબેન સંદીપભાઈ પટેલ ઉજ્જવલાના પાર્લરમાં ઘણી વખત જતા હોવાથી એકબીજાને ઓળખતા છે. ગત 19મીએ સવારે જ્યોતિબેને ઉજ્જવલાને ફોન કરી તૈયાર કરવા આવવાનું જણાવ્યું હતું. જેને પગલે જ્યોતિબેનના પતિ સંદીપભાઈ ઉજ્જવલાને લેવા આવતા ઉજ્જવલા અને તેની સાથે કામ કરતી પ્રિયા સાથે જ્યોતીબેનને તૈયાર કરવા ગઈ હતી. જ્યાં ઉજ્જવલા અને પ્રિયાએ જ્યોતીબેનને તૈયાર કરી પેમેન્ટની વાત કરી હતી. ત્યારે તેમણે પેમેન્ટ બીજા દિવસે આપશું તેમ જણાવ્યું હતું. બીજા દિવસે જ્યોતિબેને ઉજ્જવલાને બોલાવી હતી. પરંતુ ઉજ્જવલાનો અન્ય જગ્યાએ ઓર્ડર હોવાથી તેણીએ ના પાડી દીધી હતી. જોકે બાદમાં જ્યોતિબેને ઉજ્જવલાને ફોન કરી તૈયાર કરવા બોલાવી હતી. જેથી સાંજે ઉજ્જવલા અને પ્રિયા જ્યોતિબેનના ઘરે ગયા હતા.
ત્યાં જ્યોતિબેને જ્વેલરી પહેરી હોવાથી ઉજ્જવલાએ મેકપ ન થાય તેમ જણાવી જ્વેલરી ઉતારવા માટે જણાવ્યું હતું. જેથી જ્યોતિબેને જ્વેલરી ઉતારી તેની દીકરીને આપી હતી. થોડીવાર બાદ જ્યોતીબેનની દીકરી બીજી જ્વેલરી આપવા માટે આવતા જ્યોતિબેને તે જ્વેલરી ખોળામાં મૂકી દીધી હતી. ત્યારબાદ ફરી તેમની દીકરી જ્વેલરી ટીક્કો અને દામણી આપવા માટે આવી હતી. જેથી જ્યોતીબેનને ટીક્કો માથામાં પહેરાવી દીધો હતો અને દામણી ખોળામાં મૂકી હતી.
દરમિયાન ઉજ્જવલાએ 7500 રૂપિયા પેમેન્ટ કરવાની વાત કરતા જ્યોતિબેને દામણી સફેદ રંગના પર્સમાં મૂકી દીધી હતી અને તેમની દીકરી આવતા જ્યોતિબેન તેમનું પર્સ લઈ નીચે જતા રહ્યા હતા. અને તેમની દીકરીની હેર સ્ટાઇલ કરતી હતી. ત્યારે તેની દીકરીએ મારી કાનની સેર તથા બીજી બે-ત્રણ વસ્તુ ખોવાઈ ગઈ છે તેમ કહી ઉજ્જવલા ઉપર શક કરવા લાગી હતી. દરમિયાન જ્યોતિબેને પતિ સંદીપભાઈને બોલાવ્યા હતા. જ્યોતિબેન, સંદીપભાઈ અને તેમની દીકરીએ ઉજ્જવલા અને પ્રિયા ઉપર શક રાખી બેડરૂમમાં પૂરી રાખ્યા હતા. તેઓ ત્રણેય અડધો કલાક બાદ આવી સંદીપભાઈએ અમારું સોનું ક્યાં છે તેમ કહી અપશબ્દો બોલી લાગ્યા છેડછાડ કરવા લાગ્યા હતા.
સંદીપભાઈએ જ્યોતીબેનને તેઓને કપડા ઉતારી ચેક કરવા માટે જણાવતા જ્યોતિબેન અને તેની દીકરીએ ઉજ્જવલા અને પ્રિયાને વસ્ત્રહીન કરી તેમની ચકાસણી કરી હતી. જ્યારે પર્સનલ કપડા ફાડી નાંખ્યા હતા. ત્યારબાદ સંદીપભાઈએ કાપી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે તેઓએ પોલીસને બોલાવતા પોલીસે તપાસ કરતા ઉજ્જવલા અને પ્રિયા પાસેથી કઈ મળ્યું ન હતું. ત્યારે આ બાબતે ઉજ્જવલાએ જલાલપોર પોલીસ મથકે જ્યોતિબેન, સંદીપભાઈ અને તેમની દીકરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. એ.એન. ચૌધરીએ હાથ ધરી છે.