સુરતીઓ અને સુરતનું નામ પડતાં જ પોંક, ઘારી, ખમણ, લોચો, ઊંધિયું અને ઢોકળાં યાદ આવે. સુરતની ઓળખ જમણ સાથે જોડાયેલી છે પરંતુ હવે સુરતની સૂરત બદલાઈ રહી છે. સુરતી મિજાજ ખાવા-પીવા અને હરવા ફરવાની સાથે સાથે સ્વચ્છતા, સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને આરોગ્યની બાબતમાં સહયોગી થવામાં હંમેશા અગ્રેસર થઈ રહ્યું છે. સાક્ષરતા આંક પણ ઊંચાઈ આંબી રહ્યો છે.૧૯૯૪ નાં પૂર અને પ્લેગના કારણે ગંદા શહેર તરીકે ઓળખાયેલ સુરતે હાલમાં જ ભારતના બીજા નંબરના સ્વચ્છ શહેર તરીકેનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. હીરા અને જરી ઉદ્યોગને કારણે આર્થિક વિકાસ સાધી શકેલા સુરતીઓ સહયોગી થવામાં પણ અગ્રેસર રહ્યા છે.
ઉત્સવ, ઉત્સાહ,ઉજાણી અને ધૂમ કમાણીનું શહેર , દેશનું એક એવું શહેર છે, જયાં ‘ જય જવાન નાગરિક સમિતિ ‘ દ્વારા પ્રતિવર્ષ દેશના વીર શહીદ જવાનોના પરિવારને સન્માન સહ આર્થિક સહયોગ આપવામાં આવે છે. શહેરમાં વર્ષોથી ‘ છાંયડો ‘ સંસ્થા દ્વારા રાહત દરે મેડીકલ સહાય, સિવિલમાં નવજાત શિશુને જન્મ આપનાર માતાને પૌષ્ટિક સુખડી, ગરીબ દર્દીઓને ભોજન અપાય છે. રકતદાન, અન્નદાન, વસ્ત્રદાનની સાથોસાથ કન્યાદાન, દેહદાન, અંગદાન, નેત્રદાનમાં પણ સુરત દેશમાં અગ્રતા ક્રમે છે. મંદબુદ્ધિ બાળકો માટે શાળાઓ, અર્ધપાગલ રખડતાં નિરાધાર ગરીબ લોકોને સ્વચ્છ,સુઘડ વસ્ત્રો પહેરાવી આશ્રય આપવાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે.
શહેરમાં સાતથી વધુ ફુડ એટીએમ શરૂ થયાં છે, જેનાથી ભૂખ્યાને ભોજન મળી રહે અને અન્નનો બગાડ અટકાવી શકાય છે. દેશનાં કોઈ પણ શહેરમાં નથી વપરાતી એવી ટેકનોલોજીનો ઉપયોગ સુરતને સ્વચ્છ રાખવામાં કરાય છે. પ્લાસ્ટિકનું રિસાયક્લિંગ કરીને તેનો ઉપયોગ રોડ બનાવવામાં થાય છે. ૬૦ લાખનાં આંકડાને વસ્તીમાં વટાવી ચૂકેલ સૂર્યપુર મેટ્રો શહેર બનવા આગળ વધી રહ્યું છે. સાક્ષરતા, પ્રસન્નતા, સહાયતા અને સાલસતામાં મોખરે સુરત દેશમાં સૌથી ઝડપથી વિકાસ પામતું શહેર બની રહ્યું છે.
સુરત – અરુણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.