Columns

બધું સમર્પણ કરી દીન બનો

એક દિવસ એક ભક્ત મંદિરમાં આવ્યો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, ‘પ્રભુ મને સુખ સંપત્તિ આપજે.પ્રભુ મને સૌથી પૈસાદાર શેઠ બનાવજે.પ્રભુ મને શક્તિ આપજે, જેથી હું બધાને હરાવી આગળ વધી શકું.’ ભક્તની આવી પ્રાર્થના સાંભળી વૃદ્ધ પુજારી હસ્યા પણ કંઈ બોલ્યા નહિ.બીજા દિવસે પણ ભક્તે આવી જ પ્રાર્થના કરી કંઇક વધુ માંગ્યું.પુજારીએ સાંભળ્યું,કંઈ કહ્યું નહિ.આમ રોજેરોજ ભક્ત અચૂક આવતો અને ભગવાનને આવી જ પ્રાર્થના કરતો.’ એક દિવસ મંદિરમાં આવીને ભક્તે પ્રાર્થના શરૂ કરી, ‘પ્રભુ હું સવાર સાંજ તમારા દર્શન માટે આવું છું.આટલો પ્રસાદ અને ફૂલહાર ચઢાવું છું પણ મને તો કોઈ અનુભૂતિ થતી જ નથી કે મારી પ્રાર્થના તમે સાંભળો છો. મારા કોઈ કામ પૂરાં થતાં જ નથી.એક સુધરે ત્યાં બીજું બગડે છે. હવે હું શું કરું?’

પુજારીએ આ પ્રાર્થના સાંભળી અને પૂછ્યું, ‘ભક્ત, તારી પ્રાર્થના હું રોજ સાંભળું છું. રોજ માંગણીઓ હોય છે અને આજે ફરિયાદ છે તો મારો પ્રશ્ન છે કે તું ભગવાન પાસે ભક્તિથી પ્રેરાઈને નહિ, પણ કૈંક માંગવા જ આવે છે, હકથી માંગણી કરે છે અને ન મળે તો આજે ફરિયાદ કરે છે.પણ તને ખબર છે કે આ તારી ભૂલ છે. ભગવાન સામે આ રીતે માંગણીઓ ન કરાય.આ ભક્તિ નહિ, પણ લાલચ છે.’ ભક્તે કહ્યું, ‘પૂજારીજી, અહીં બધા ભગવાન પાસે કંઈ ને કંઈ માંગવા જ આવ્યા હોય છે અને માંગે જ છે.તેમાં લાલચ શું? ભૂલ શું?’

પૂજારીજી બોલ્યા, ‘ભક્ત, તું નહિ બધા જ ભગવાન પાસે પૈસા ,સંપત્તિ ,શક્તિ, સંતાન માંગનારાં ભૂલ કરે છે.ભક્ત છો તો ભક્તિ કરો.સેવા કરો.સર્વસ્વ સમર્પણ કરો.ભગવાનનાં ચરણોમાં શિશ ઝુકાવો અને દીન બની પ્રાર્થના કરો કે ‘પ્રભુ તારા શરણે આવ્યો છું.હું કશું જ કરવા શક્તિમાન નથી. પ્રભુ, તું જ મારો તારણહાર છે.’આમ દીન બની પ્રાર્થના કરશો તો ઈશ્વર તમે જેને લાયક હશો તે ચોક્કસ આપશે. ભગવાન સમક્ષ સમર્પણભાવ સાથે અરજી કરી શકાય. બધું જ મેળવી લેવાની માંગણી નહિ.ભગવાનને સ્નેહ આપો અને ભક્તિ માંગો.બીજું કંઈ જ માંગવાની જરૂર નથી.જાતને ભૂલીને તેના શરણે જશો તો તે બધું જ આપશે.’ પૂજારીજીએ ભક્તને તેની ભૂલ બતાવી સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top