Vadodara

પાલિકાની વેબસાઇટ પર 382 લાભાર્થીની યાદી બદલનાર કા.ઇજનેર અને MIC એક્સપર્ટની અટક

વડોદરા: શહેરના સર સયાજી નગરગૃહમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે 7 ઓગસ્ટના વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજ્યના મંત્રી યોગેશ પટેલના હસ્તે 382 હાઉસીંગ મકાનોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો રાખવામાં આવ્યો હતો. આ ડ્રોના 382 લાભાર્થીઓના નામની યાદી બદલીને બોગસ યાદી કોર્પોરેશનની વેબસાઇટ ઉપર મૂકી કોર્પોરેશન અને લાભાર્થીઓ સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કરનાર કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર (એફોર્ડેબલ હાઉસીંગ) અને એમઆઇસી એક્સપર્ટ સામે નવાપુરા પોલીસ મથકમાં સિટી એન્જિનિયરે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને બંનેની અટકાયત કરી છે.

વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશનના સિટી એન્જિનીયર શૈલેષ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત 7 ઓગષ્ટ-2021ના રોજ કોર્પોરેશન દ્વારા સર સયાજી નગરગૃહમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી સહિત મહાનુભાવો વર્ચ્યુઅલી જોડાયા હતા. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ હાઉસીંગ યોજનાના ભાગરૂપે રૂપિયા 119.45 કરોડના કામોના ખાતમૂહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્યના મંત્રી યોગેશ પટેલના હસ્તે કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા હાઉસિંગ મકાનો પૈકી 382 મકાનોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો રાખવામાં આવ્યો હતો.

આ ડ્રોની જવાબદારી એમઆઇસી એક્સપર્ટ (PMAY CLTC)ના નિશીથ પીઠવાને સોંપવામાં આવી હતી અને તેઓની મદદમાં ક્લાર્ક અશ્વિન રાજપૂત હતા. ડ્રો થયા બાદ લાભાર્થીઓની યાદી કોર્પોરેશનની વેબસાઇટ ઉપર મૂકવાની હતી. એમઆઇસી એક્સપ્રટ નિશીથ પીઠવાએ IT શાખા સાથે સંકલન કરીને 382 હાઉસિંગ મકાનોની યાદી વેબસાઇટ ઉપર અપલોડ કરી હતી. દરમિયાન તેઓએ કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા (એફોર્ડેબલ હાઉસીંગની સૂચનાથી નવી યાદી તૈયાર કરીને વેબસાઇટ ઉપર મૂકી હોવાનો જવાબ કોર્પોરેશનના અધિકારીઓની પૂછપરછમાં આપ્યો હતો.

હાઉસિંગ મકાનોની યાદીમાં જે લાભાર્થીઓના નામો અને ક્રમ નંબર હતા તે ન આવતા અને વિસંગતતા જણાતા લાભાર્થીઓએ કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. જેથી કોર્પોરેશને તપાસ કરી હતી. જેમાં એમઆઇસી એક્સપર્ટ નિશીથ પીઠવા અને કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ ડ્રો થયેલી યાદી અપલોડ કરવાના બદલે અન્ય યાદી અપલોડ કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેથી સિટી એન્જિનીયર શૈલેષ મિસ્ત્રીએ કોર્પોરેશન સાથે અને હાઉસિંગના લાભાર્થીઓ સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કરનાર એમઆઇસી એક્સપર્ટ નિશીથ પીઠવા અને કાર્યપાલક ઇજનેર(એફોર્ડેબલ હાઉસીંગ) પ્રમોદ વસાવા સામે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.  નવાપુરા પોલીસે ફરિયાદના આધારે બંને સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો નોંધી કરીને બંને અટકાયત કરી છે.

Most Popular

To Top