સુરત(Surat) : સુરત શહેર માટે અતિ મહત્વના પ્રોજેક્ટ એવા મેટ્રોની (SuratMetro) કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. શહેરમાં મેટ્રોની કામગીરી પગલે ઘણા સ્ટ્રક્ચર નડતરરૂપ હોય તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. મનપાના (SMC) ઘણા સર્કલ પણ મેટ્રોના રૂટમાં આવતા હોય, તે પણ તોડી પડાશે.
- મેટ્રોના સ્ટેશનો માટે રંગઉપવન તેમજ કાદરશાની નાળ પાસેના જમીનના કબજાની માંગ
રંગઉપવન (RangUpvan) પણ મેટ્રોના રૂટમાં આવતું હોય તેને તોડી પાડવાનું નક્કી કરાયું છે. જે કામ ઝડપથી કરવા માટે જીએમઆરસી (GMRC) દ્વારા મનપા કમિશનરને માંગ કરવામાં આવી હતી. મંગળવારે મેટ્રો માટે મળેલી રિવ્યુ મીટિંગમાં જમીનોના કબજો જલદીથી મળતા મેટ્રોની કામગીરી ઝડપી બનશે જેથી કાદરશાની નાળ પાસેના દબાણો હટાવવા, રંગઉપવન તાકીદે ઉતારી પાડી જમીનના કબજા આપવાની માંગ જીએમઆરસી દ્વારા કરવામાં આવી છે.
સુરત મેટ્રોમાં શહેરમાં બે ફેઝમાં કામગીરી થઈ રહી છે. જેમાં પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટીથી (DreamCity) સરથાણાના (Srathana) રૂટમાં 6 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ છે. જે ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે જે ગાંધી બાગમાંથી (GandhiBaug) મુખ્ય રસ્તાને સમાંતર પસાર થાય છે. જેની અસરમાં ગાંધી બાગ તેની કંમ્પાઉન્ડ વોલ અને રંગઉપવનનો આંશિક ભાગ પણ અસરમાં આવી રહ્યો છે.
તે ઉપરાંત સુરત મહાનગર પાલિકાનું હોમિયોપેથિક દવાખાનું, વોર્ડ ઓફિસ, ફૂડ ઇન્સ્પેક્શન ઓફિસ, પે એન્ડ યુઝ ટોયલેટ તથા બસ સ્ટેશન અસર હેઠળ છે. રંગ ઉપવનનો આંશિક ભાગ તોડી પાડવા માટેના કામ પર શાસકો દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે પરંતુ હજી રંગઉપવન તોડવાનું બાકી હોય, જીએમઆરસીએ આ કામ ઝડપથી કરવા રજૂઆત કરી હતી. સાથે સાથે કાદરશાની નાળ પાસે પણ સ્ટેશન બનાવવાની કામગીરી કરવાની હોય, અહીંના દબાણો દૂર કરી રસ્તા ખુલ્લા કરવા માટેની માંગ પણ જીએમઆરસીએ કરી હતી.
જીએમઆરસી દ્વારા મેટ્રોના મોટા ભાગના સ્ટેશનોમાં મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન પર ડેવલપ કરવાના હોય, ત્યા સાયકલ સ્ટેન્ડ, ઈ-ચાર્જીંગ સ્ટેશન, બસ સ્ટેન્ડ પણ ડેવલપ કરાશે. જેથી જગ્યાની જરૂરિયાત હોય, તાકીદે જગ્યાના કબજા આપવા મનપા કમિશનરને રજૂઆત કરી હતી.