સુરત(Surat): શહેરની શાળાના સંચાલકો ગુજરાત શિક્ષણ બોર્ડના નિયમોનું પાલન નહીં કરતા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બોર્ડની પરીક્ષા વખતે કેટલીક શાળાઓએ ફીના મામલે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન આપી હોવાનો બનાવ બન્યો હતો તેવો જ બનાવ શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી શાળામાં આજે બન્યો છે.
- લિંબાયતની માઉન્ટ મેરી સ્કૂલની ઘટના
- ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવાઈ નહીં
- સ્કૂલ બહાર વાલીઓ ભેગા થયા, નારાજગી વ્યક્ત કરી
શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી માઉન્ટ મેરી સ્કૂલના (Mount Mary School) સંચાલકોએ આજે 200 જેટલાં વિદ્યાર્થીઓને (Student) વાર્ષિક પરિક્ષા (Annual Exam) આપવા દીધી ન હતી. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના નીતિ નિયમો લાગુ પડતા ન હોય તે રીતે આ શાળાના સંચાલકોએ 200 વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મુકી દીધું હતું.
આ ગરીબ વિદ્યાર્થીઓનો વાંક એટલો જ હતો કે તેમના વાલીઓએ ફી (FEE) ભરી નહોતી. ફી નહીં ભરી હોય માઉન્ટ મેરી શાળાના સંચાલકોએ પરીક્ષા આપવા સ્કૂલમાં પહોંચેલા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડની બહાર જ અટકાવી દીધા હતા. સવારે 8 વાગ્યે પરીક્ષા હતી પરંતુ 9 વાગ્યા સુધી તેઓને પરીક્ષા ખંડમાં ન જવા દઈ તેઓનું ભવિષ્ય જોખમમાં મુક્યું હતું.
આ ઘટનાને પગલે સ્કૂલની બહાર વાલીઓનું ટોળું ભેગું થઈ ગયું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ભેગા થઈ ગયા હતા. તેઓએ શાળા સંચાલકોના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
પૂર્વ કોર્પોરેટરે સ્કૂલ વિરુદ્ધ ડીઈઓને ફરિયાદ કરી
વીડિયો વાયરલ થતાં રાજકારણીઓ પણ એક્ટિવ થયા હતા. શહેરના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ આ સમગ્ર મામલે સુરત જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી. સાયકલવાલાએ ડીઈઓને લખ્યું કે, ફીના મામલે આજે માઉન્ટ મેરી સ્કૂલના સંચાલકોએ જુદા જુદા વર્ગના આશરે 200 કરતા વધુ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષા આપતા અટકાવ્યા છે.
ફી બાબતે જાહેરમાં વિદ્યાર્થીઓને અપમાનિત કરી તેમને માનસિક ત્રાસ પહોંચાડ્યો છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય પર આ ઘટનાની ગંભીર અસર થાય તેવું કૃત્ય આચરવામાં આવ્યું છે. આ બનાવને ગંભીરતાથી લઈ ડીઈઓ તરફથી સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી થાય તેવી માંગણી કરાઈ છે.