SURAT

લોન પર વાહન ખરીદવું મોટા વરાછાના યુવકને ભારે પડ્યું, કોર્ટે એક વર્ષની સજા ફટકારી

સુરત: પારકે પૈસે જલસા કરનારા ક્યારેક એવા ભેરવાઈ જાય છે કે જેલની હવા ખાવાનો વારો આવે છે. આવી જ હાલત શહેરના મોટા વરાછામાં રહેતા યુવકની થઈ છે. ખાનગી ફાયનાન્સ કંપનીમાંથી લોન લઈ વાહન ખરીદનાર યુવક નિયમિત હપ્તા ભરી શક્યો નહીં. કંપનીએ યુવક વિરુદ્ધ કેસ કર્યો અને કોર્ટે યુવકને એક વર્ષની સજા ફટકારી દીધી છે.

  • ચેક રિટર્ન કેસમાં વિપુલ વઘાસિયાને એક વર્ષની કેદની સજા ફટકારી
  • સુરતની એચડીબી ફાઇનાન્સીયલ સર્વિસમાંથી વાહન લોન લઇ ભરપાઇ કરવામાં અખાડા કર્યા હતા

મળતી વિગત મુજબ એચડીબી ફાઇનાન્સ સર્વિસીસ લી. (HDB Finance Services Ltd.) કંપનીની સરથાણા (Sarthana) જકાતનાકા બ્રાન્ચમાંથી વાહન લોન (Vehicle Loan) લઇ અને નિયમિત હપ્તા ન ભરનારા વિપુલ બાબુ વઘાસીયાને કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા ફટકારવા સાથે આરોપીને તકરારી ચેકની રકમ 14.03 ટકા વ્યાજ સાથે દોઢ મહિનામાં એક સાથે વળતર પેટે ફરિયાદી બેન્કને ચુકવવા માટે હુકમ કર્યો છે.

વિપુલ બાબુ વઘાસીયા મોટા વરાછા ખાતે રહે છે. વિપુલે એચડીબી ફાઇનાન્સીયલ સર્વિસીસ લી.ની સરથાણા બ્રાન્ચમાંથી વાહન લોન લીધી હતી. લોન લીધાના અમુક સમય પછી લોનના હપ્તા નિયમિત વસુલ ન આવતા વર્ષ 2020માં લોનની કૂલ બાકી નીકળતી રકમ રૂ.8 લાખ 51 હજાર 591નો ચેક વિપુલ વઘાસીયાએ બેન્કને આપ્યો હતો.

આ ચેક ફરિયાદી કંપની દ્વારા બેન્કમાં જમા કરાવવામાં આવતા આ ચેક રિટર્ન થયો હતો. આખરે ફરિયાદી કંપની દ્વારા આરોપી વિપુલ વઘાસીયા વિરૂધ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા રેકોર્ડ પરના પુરાવાઓ અને એડવોકેટ શૈલેષ એ ઘેવરીયા તેમજ આર ડી ડાભીની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી વિપુલ બાબુ વઘાસીયાને એક વર્ષની કેદની સજા ફટકારી હતી.

આ સાથે જ તકરારી ચેકની રકમ 14.03 ટકા વ્યાજ સાથે છ સપ્તાહમાં એક સાથે વળતર પેટે ફરિયાદી કંપનીને ચુકવવા માટે પણ હુકમ કર્યો હતો. જો રકમ નહીં ચુકવે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top