સુરત(Surat): પાલ (Pal) વિસ્તારમાં 11માં માળની (11th Floor) બાલ્કનીમાંથી (Balcony) નીચે પટકાયેલા (Fall) યુવકનું મોત (Death) નિપજ્યું હતું. ગેલેરીમાં પત્ની અને દીકરા સાથે નાસ્તો કરતો હતો ત્યારે યુવક ગ્રીલનો ટેકો લઈને ઉભો હતો. જો કે બેલેન્સ ખોરવાતાં તે નીચે પટકાયો હતો.
પાલ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, અડાજણ પાલ વિસ્તારમાં સિદ્ધિ વિનાયક હાઇટ્સના 11મા માળે શરદ પ્રકાશચંદ્ર પંડ્યા (36 વર્ષ), પત્ની અને ચાર વર્ષના બાળક સાથે રહેતા હતા. શરદ ટેકસટાઇલ માર્કેટમાં જોબવર્કનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શરદ, પત્ની અને ચાર વર્ષના બાળક સાથે ઘરની બાલ્કનીમાં રાત્રે 10 વાગ્યાના અરસામાં ખુરશી પર બેસીને નાસતો કરી રહ્યા હતા. આ દરમિયાન પત્ની કામથી રસોડામાં ગઈ હતી.
ત્યારે શરદ ખુરશીમાંથી ઊભા થયા બાદ ગેલેરીની ગ્રિલનો ટેકો લઈને ઉભા હતા. તે સમયે બેલેન્સ બગડતાં તે 11મા માળેથી નીચે પટકાયા હતાં અને તેમનું મોત નીપજ્યું હતું. શરદના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઘટનાને પગલે પાલ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
પંખાની સ્વીચ બંધ કરતી વખતે ચક્કર આવતા ચોથા માળેથી યુવતી નીચે પટકાઈને મૃત્યુ પામી
સુરત: બે દિવસ પહેલાં લાલગેટ વિસ્તારમાં પરિયાવી બજારમાં પંખાની સ્વીચ બંધ કરવા જતી 19 વર્ષની યુવતીને ચક્કર આવતા તે ચોથા માળની બારીમાંથી નીચે પટકાઈ હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
લાલગેટ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, લાલગેટ વિસ્તારમાં વરિયાવી બજાર વિસ્તારમાં આવેલ જે.જે સ્કુલ ની સામે નાસીમાન એપાર્ટમેન્ટના ચોથા માળે સાનીયાબાનુ ગુલામ મોયુદીન શેખ (19 વર્ષ) પોતાના પરિવાર સાથે રહેતી હતી. સાનીયાબાનુ HDFC બેંકમાં ક્રેડિટ કાર્ડ વિભાગમાં કામ કરી પરિવારમાં આર્થિકરીતે મદદરૂપ થતી હતી.
સાનીયાબાનુને ત્રણ ચાર દિવસથી તાવ આવતો હતો. જેથી સાનીયાબાનુ ઘરે જ આરામ કરી રહી હતી. સાનીયાબાનુ મંગળવારે બપોરે બે વાગ્યાના અરસામાં રૂમમાં પંખાની સ્વીચ બંધ કરવા જતાં સાનીયાબાનુને અચાનક ચક્કર આવ્યો હતો. ત્યારે તેનું બેલેન્સ ન રહેતા તેચોથા માળની બારીમાંથી નીચે પટકાઈ હતી.
સાનીયાબાનુને સારવાર માટે 108 મારફતે વિનસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બુધવારે રાત્રે સાનીયાબાનુ નું મોત નિપજ્યું હતું. પરિવારમાં એકની એક દીકરીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટના અંગે લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.