સુરત(Surat): સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગર સંઘના એક કારખાનામાં (Factory) આજે ગુરુવારે આગ લાગી હતી. યાર્ન (Yarn) બનાવતી કિંગ ઈમ્પેક્સ નામની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કારખાનાના ત્રીજા માળે આગ લાગી હતી. આગના ધૂમાડા ઉઠતા જ કામદારો ફેક્ટરીમાંથી બહાર દોડી ગયા હતા. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ મોટી હોય મજૂરા અને માનદરવાજાથી 8 બંબા આગ ઓલવવા ઘટના સ્થળે દોડી ગયા હતા. ફેક્ટરીની અંદર યાર્ન હતું, જે પેટ્રોલિયમ પદાર્થ હોવાથી આગ બુઝાવવામાં ફાયરના લાશ્કરોને તકલીફ પડી હતી. ભારે મહેનત બાદ આગ (Fire) પર કાબુ મેળવી શકાયો હતો.
- ઉધના ઉદ્યોગનગર સંઘની એક ફેક્ટરીમાં સવારે આગ લાગી
- કિંગ ઈમ્પેક્સ નામની યાર્નની ફેક્ટરીમાં આગ લાગી
- 8 ફાયરના બંબાની મદદથી આગ ઓલવવામાં આવી
- કરોડોનો માલ બળીને ખાક થયો
ફાયર ઓફિસર ક્રિષ્ણા મોઢના જણાવ્યા મુજબ ફેક્ટરીમાં યાર્નનો ખૂબ મોટો જથ્થો હતો. તેના લીધે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. સવારે આગ લાગી હતી. આગ લાગી ત્યારે ફેક્ટરીમાં કારીગરો હતા, તે બધા બહાર ભાગી ગયા હતા. કોઈ જાનહાનિ થઈ નથી. માનદરવાજા અને મજૂરાના બંબા ઓછા પડતા ભેસ્તાન અને ડીંડોલીથી પણ બંબા મંગાવવામાં આવ્યા હતા. આગ બુઝાવ્યા બાદ પણ લાંબા સમય સુધી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. આગ લાગવાના લીધે ફેક્ટરીમાં મુકવામાં આવેલો કરોડો રૂપિયાનો માલસામાન બળીને ખાક થયો છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે અવારનવાર કાપડના કારખાનાઓમાં આગ લાગવાની ઘટના બનતી રહે છે. કાપડના કારખાના અને મિલોમાં પેટ્રોલિયમ પદાર્થમાંથી બનતા યાર્નનો ઉપયોગ થતો હોવાથી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બનતો હોય છે.
થોડા દિવસ પહેલાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી
ગઈ તા. 10 ઓગસ્ટના રોજ પરવટ પાટિયા વિસ્તારના વનમાળી જંકશન નજીર કિષ્ના પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે 4:30 વાગ્યે એક કેમિકલના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. ફાયર વિભાગને કોલ મળતા જ 7 ફાયર સ્ટેશનની 13 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ એટલી ભંયકર હતી કે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયરના અધિકારીઓ પાસે મળતી માહિતી અનુસાર લગભગ 6 કલાકથી ફાયરના જવાનો દ્વારા આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી હતી.