સુરત: (Surat) હજીરા પટ્ટી પર આવેલા મોરા ગામની શિવશક્તિ નગર સોસાયટીમાં ઇબાદત ખાનું (Worship Place) બનાવી દઇ તેનું રજિસ્ટ્રેશન વકફ બોર્ડમાં કરાવી દેવાનું પ્રકરણ બહાર આવ્યા બાદ હવે હિન્દુ સંગઠનો બહાર આવી રહ્યાં છે. આ સમગ્ર પ્રકરણનો ગુજરાતમિત્રએ પર્દાફાશ કર્યા બાદ સફાળી જાગેલી વિશ્વ હિન્દુ પરીષદે (Vishva Hindu Parishad) તાત્કાલિક બેઠક બોલાવી છે. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ સોસાયટીવાસીઓે અંધારામાં રાખીને કરવામાં આવેલા કૃત્યને વખોડી કાઢવામાં આવશે.
હજીરાના મોરા ટેકરા ખાતે આવેલી આવેલી શિવશક્તિ નગર સોસાયટીના પ્લોટ નં. 83-84માં મસ્જિદ બનાવી દેવાતા ગત શુક્રવારે એક્તા એજ લક્ષ્ય સંગઠન દ્વારા હનુમાન ચાલિસા અને રામધૂન શરૂ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ બાબતે વિવાદ સર્જાતા હિન્દુ – મુસ્લિમ આગેવાનો આ સોસાયટીમાં પહોંચી ગયા હતાં. ઇચ્છાપોર પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી જતા ફરી એક વખત સમાધાન થયું હતું જેમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોય બહારથી આવતા લોકોને સોસાયટીમાં નહીં પ્રવેશવા દેવાનું નક્કી થતા સમાધાન થઇ ગયું હતું. પરંતુ માત્ર સમાધાનથી આ મુદ્દો અટક્યો નથી આજે નહીં તો કાલે હિન્દુ વસ્તી ધરાવતી આ સોસાયટીમાં મસ્જિદ બનાવવાના મુદ્દે વિવાદ ઉભો થવાની શક્યતાને પગલે એક પછી એક હિન્દુ સંગઠનો આગળ આવી રહ્યા છે. આ પ્રકરણમાં હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ આગળ આવીને ગૃહ મંત્રીને રજુઆત કરવાની તૈયારી કરી છે તેમ વિશ્વ હિન્દુ પરિષદની તાત્કાલિક મિટીંગ પણ આ મુદ્દે બોલાવવામાં આવી છે.
સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર મસ્જિદ બનાવી દેવી યોગ્ય નથી
સુરત શહેર માઇનોરિટી કમિટીના ચેરમેન તથા તાજીયા કમિટીના ઉપ પ્રમુખ લાલખાન પઠાણે કહ્યું હતું કે, હજીરાની હિન્દુ વસ્તી ધરાવતી સોસાયટીના એક મકાનમાં મસ્જીદ બનાવી દઇ તેનું વકફ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવી દેવું યોગ્ય નથી. કારણ કે જ્યાં હિન્દુ વસ્તી છે ત્યાં રહેતા લોકો અને સોસાયટીના પ્રમુખને વિશ્વાસમાં લેવા જરૂરી છે. સોસાયટીના રહીશોને વિશ્વાસમાં લીધા વગર મસ્જીદ બનાવી દેવી તે યોગ્ય નથી. વકફના નિયમ પ્રમાણે ભલે સોસાયટી રજિસ્ટર થઇ ગઇ પરંતુ સ્થાનિકોને આ બાબતે પહેલા ધ્યાન દોરવાનું હતું. – લાલખાન પઠાણ (માઇનોરિટી કમિટી ચેરમેન)
હિન્દુ સોસાયટીમાં મસ્જિદ નહીં હોવી જોઇએ, કાયદાકીય રીતે લડત ચલાવાશે
આ સળગતા પ્રશ્ને આગામી 1 ફેબ્રુઆરીના રોજ વિશ્વ હિન્દુ પરિષદની મીટિંગ બોલાવવામાં આવી છે. ગેરકાયદેસર રીતે વકફ બોર્ડ જે મનમાની ચલાવે છે તે યોગ્ય નથી. ફક્ત હિન્દુઓની વસ્તી ધરાવતી સોસાયટીમાં મસ્જિદ નહીં હોવી જોઇએ. ગૃહમંત્રી હર્ષ સંધવીને મળીને આ બાબતે રજુઆત કરવામાં આવશે. વકફ બોર્ડમાં મસ્જિદ માટે રજિસ્ટ્રેશન કરાવી દેવાયું છે તે બાબતે કાયદાકીય રીતે વકીલોની પણ સલાહ લેવામાં આવશે. હિન્દુ વસ્તીવાળા એરિયામાં મુસ્લિમો દ્વારા પોતાના નામે મિલ્કતો લખાવી લેવાશે તો તો હિન્દુઓ મુશ્કેલીમાં મુકાશે. -કમલેશ ક્યાડા (વિશ્વ હિન્દુ પરિષદ, શહેર મહામંત્રી)