સુરત: (Surat) મધ્યપ્રદેશ રાજ્યના બુરહાનપુર ખાતેથી ગેરકાયદેસર હથીયારો (Weapons) સુરત શહેરમાં ઘુસાડનાર બે જણાને સારોલી પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંને પાસેથી 19 તલવારો અને 10 સ્ટીલના છરા મળી આવ્યા હતા. સારોલી પોલીસે તેમની સામે આઈપીસી 135 હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
- ગેરકાયદે હથિયારો ઘુસાડવાનું મોટું રેકેટ પકડાયું, વેપારી સસ્તામાં હથિયાર લાવી બમણા ભાવે વેચતા હતા
- એમપી બુરહાનપુરથી ગેરકાયદે 19 તલવાર અને 10 સ્ટીલના છરા લઈને સુરતમાં આવતા હતા
સારોલી પોલીસ સ્ટેશન શહેરનું એન્ટ્રી ચેક પોસ્ટ પોઈન્ટ છે. જ્યાંથી શહેરમાં કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ ઘુસાડવામાં આવે ત્યારે પોલીસના ચાપતી નજર હોય છે. સારોલી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ગત 13 તારીખે નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમા હાજર હતા. તે દરમ્યાન સાદાબખાન યુનુસખાન ખાન તથા અફસરભાઇ ખેરાતી કુરેશીને ચેક કરતા તેમની પાસેથી કુલ 19 સ્ટીલની તલવાર અને 10 છરા મળી કુલ ૬,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આટલા મોટા પાયે હથિયાર જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બંને આરોપીઓની પુછપરછ કરતા તેઓ સલાબતપુરામાં હથિયારોનો વેપાર કરતા હોવાનું કહ્યું હતું.
પરંતુ તેમને એમુપીથી સસ્તામાં આ હથિયાર ગેરકાયદેસર લાવીને અહીંયા મોટા નફામાં વેચતા હતા. સારોલી પોલીસે આરોપી સાદાબખાન યુનુસખાન ખાન (ઉ.વ.૧૯, ધંધો-હમાલીકામ રહે-મકાન નં.૫/૪ વોર્ડ નં.૩૯ રાજીવવાડા બરહાનપુર, મધ્યપ્રદેશ) અને અફસરભાઇ ખેરાતી કુરેશી (ઉ.વ.૩૦ ધંધો-રી.ડ્રા રહે-ઘર નં.૩૩૭ ગલી નં.૭ શાસ્ત્રીનગર.બાખડ મોહલ્લો,માન દરવાજા) ને ઝડપી તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. સાદાબખાન બુરહાનપુર ખાતે તલવાર તથા છરા બનાવી સસ્તા ભાવે વેચાણ કરતો હતો. અને અફસરભાઈ સુરત શહેર ખાતે તલવાર તથા છરા બમણા ભાવે વેચતો હતો.