સુરત: (Surat) કતારગામમાં અમરોલી બ્રિજથી વેડ-વરિયાવ બ્રિજની (Bridge) વચ્ચે પાળા પર વોક-વે બનાવવામાં આવ્યો છે. આ વોક-વેમાં સ્થાનિકો દરરોજ વહેલી સવારે મોર્નિંગ વોક (Morning Walk) કરવા જાય છે. પરંતુ આ બ્રિજની નીચે મરેલાં પશુઓના ઢગ પડેલા હોય છે. જેને કારણે મોર્નિંગ વોક કરવા માટે આવતા લોકોની દુર્ગંધથી હાલત કફોડી થઈ રહી છે.
- કતારગામમાં તાપી કિનારે મરેલાં પશુઓ નાંખી જતા પશુપાલક સામે વિડીયોના આધારે ફરિયાદ નોંધવા આદેશ
- અહીં મોર્નિંગ વોક માટે જતા લોકોની હાલત કફોડી
- સ્થાનિક નગરસેવક ચીમન પટેલે સ્થાયીમાં રજૂઆત કરી વિડીયો બતાવતાં મનપા કમિશનરે ફરિયાદ નોંધવા આદેશ કર્યો
આ અંગે સ્થાયી સમિતિમાં સ્થાનિક નગરસેવક ચીમન પટેલ દ્વારા મનપા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ બાબતે એક વિડીયો પણ બતાવી મરેલાં પશુઓ તાપી નદીના પાણીમાં પડી જતાં હોવાથી પાણીની ગુણવત્તા અને લોકોનાં આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો હોવાની રજૂઆત કરતાં મનપા કમિશનર તાકીદે ગાડી નંબરના આધારે આ પશુપાલક સામે ફરિયાદ નોંધાવવા આદેશ આપ્યો છે.
સુરત મનપા દ્વારા મરેલાં પશુ ઊંચકવામાં આવે છે. પરંતુ કતારગામ ઝોનના પશુપાલકો દ્વારા જાહેરમાં મરેલાં પશુઓ ફેંકી દેતાં હોવાની બૂમ ઊઠી છે. એટલું જ નહીં અમરોલી બ્રિજથી વેડ વરિયાવ બ્રિજના તાપી કિનારે મરેલાં નાનાં પશુઓને ટુ-વ્હીલર સાથે બાંધીને વોક-વેની બાજુમાં જ ફેંકી રહ્યાં છે. સ્થાનિક લોકોએ આવી રીતે એક મરેલા પશુને ગાડી સાથે બાંધી ફેંકવા આવેલા હિન્દીભાષી યુવકનો વિડીયો ઉતારી લીધો છે અને તે યુવક કહી રહ્યો છે કે, નારાણ શેઠના તબેલામાંથી આવે છે.
સ્થાનિક નગરસેવક ચીમન પટેલને આ અંગે ઘણી ફરિયાદો મળતાં તેમણે મનપા કમિશનરને આ અંગે ફરિયાદ કરી હતી. અને ઝોન દ્વારા પણ કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી તેવી ફરિયાદ ચીમન પટેલે કરી હતી. જેથી મનપા કમિશનરે આ અંગે તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપશે તેમ જણાવ્યું હતું. તેમજ કતારગામમાં પ્રિ-મોન્સૂનની પણ કોઈ કામગીરી ઝોનમાં થઈ રહી નથી, તે અંગે પણ મનપા કમિશનરને રજૂઆત કરી હતી.