સુરત: (Surat) વેસુ ખાતે ક્લીનીક ચલાવતી મહિલા તબીબને (Doctor) તેમના આધેડ પેશન્ટે સસ્તામાં આવાસ અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આ અંગે તબીબે તેમના હિરાની દલાલી કરતા ફિયાન્સને વાત કરતા તેમણે પણ વાતમાં આવીને આધેડને 4.30 લાખ આપી દીધા હતા. બાદમાં તેમને પૈસા કે આવાસ નહી આપી છેતરપિંડી કરી હતી.
- વેસુમાં આવાસમાં મકાન અપાવવાના બહાને મહિલા તબીબ સાથે પેશન્ટએ 4.30 લાખની ઠગાઈ કરી
- ક્લીનીકમાં શુગર અને બીપી ચેક કરવા આવતા આધેડે ફાસાવ્યા
- તબીબના હિરા દલાલ ફિયાન્સે 3.70 લાખ રોકડા આપ્યા હતા
વેસુ નંદની-3 માં રહેતા અને મહિધરપુરા ખાતે હિરા દલાલીનું કામ કરતા 29 વર્ષીય હાર્દિક નંદલાલ નાકરણીએ વેસુ પોલીસ સ્ટેશનમાં વિક્રમ જશવંતભાઈ દવે (ઉ.વ.50, રહે.એલઆઈજી સુડા વેસુ) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ હાર્દિકની નવ મહિના પહેલા ડો.ક્રતિકા જોષી સાથે સગાઈ થઈ હતી. ડો.ક્રતિકા વેસુ ગ્રીન સિગ્નેચર ખાતે પોતાની ક્લીનીક ચલાવે છે. અને તેમની ક્લીનીકમાં વિક્રમભાઈ ઘણી વખત પોતાના સુગર, બીપી ચેક કરાવવા માટે આવતા હતા. જેથી તેમને ડો.ક્રતિકા સાથે સારો પરીચય થયો હતો. એક દિવસ વિક્રમભાઈએ રાહુલરાજ મોલની પાછળ આવાસમાં મકાન જોઇતું હોય તો કહેજો મારું સેટીંગ છે તેમ કહ્યું હતું. ત્યાં ભીડ વધારે છે પણ હુ ફોર્મ ભરાવી સસ્તામાં અપાવી દઈશ.
તેમની વાતમાં આવીને ડો.ક્રતિકાએ તેમના ફિયાન્સ હાર્દિકને વાત કરી હતી. હાર્દિક સાથે આરોપીએ ફોનમાં વાત કરતા તે પણ તેમની વાતોમાં આવી ગયો હતો. અને હાર્દિકે તેમને મહિધરપુરા ખાતે તેમની ઓફિસમાં બોલાવી 3.70 લાખ રોકડા આપ્યા હતા. બાકીના 70 હજાર ડો.ક્રતિકાએ ગુગલ પે થી આપ્યા હતા. આમ આરોપીએ તેમની પાસેથી કુલ 4.30 લાખ પડાવ્યા હતા. અને બાદમાં ગલ્લા તલ્લા કરી સમય પસાર કર્યો હતો. બાદમાં ગાળાગાળી કરી આજદિન સુધી મકાન કે પૈસા પરત આપ્યા નહોતા. જેથી આ અંગે વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.