વરાછામાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા હીરા કારીગરોને આ રીતે કારખાનામાં બોલાવવા અને છોડવામાં આવશે

સુરત: (Surat) વરાછા (Varachha) મીની બજાર ખાતે આજે પોલીસ કમિશનરના (Police Commissioner) અધ્યક્ષસ્થાને કાપોદ્રા અને વરાછા પોલીસ સ્ટેશનના લોકદરબારનું આયોજન કરાયું હતું. હીરાના કારખાના છુટવાના સમયે ભારે ટ્રાફિક (Traffic) સમસ્યા ડામવા માટે પોલીસ કમિશનરે કારીગરોને ત્રણ ભાગમાં બોલાવવા અને છોડવા માટે સૂચન આપ્યું હતું. તથા યુવાધન નાર્કોટીક્સના રવાડે નહીં જાય તે માટે ક્યાંય પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરલા અપીલ કરી હતી.

પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને આજે વરાછા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનના લોકોના પ્રશ્નોને સાંભળવા અને તેના નિરાકરણ માટે વરાછા મીની બજાર ખાતે આવેલી સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં લોકદરબારનું આયોજન કરાયું હતું. લોકદરબારમાં પોલીસ અધિકારીઓ સહિત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ વરાછા અને કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજીક આગેવાનો તથા ડાયમંડ એસોસિએશનના હોદ્દેદ્દારો, વિવિધ સોસાયટીના પ્રમુખો, વરાછા – કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા કારણોસર કરેલી અરજીના અરજદારો મળી આશરે 150 જેટલા લોકો હાજર રહ્યા હતા. લોકો દ્વારા ટ્રાફિક સમસ્યા અને ગુનાઓ સંબંધે કરવામાં આવેલી રજુઆતો સાંભળી પોલીસ કમિશનરે તેના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

લોક દરબારમાં હીરાના કારખાનામાંથી કારીગરો છુટવાના સમયે ટ્રાફિક સમસ્યા થતી હોય તેના નિરાકરણ માટે હીરાના મોટા કારખાનેદારો સાથે પરામર્શ કરી કારીગરોને કામ ઉપર બોલાવવાના સમયમાં જરૂરી અંતરાલ રાખી ત્રણ ભાગમાં કારીગરોને બોલાવવા અને તે જ રીતે કારીગરોને છોડવા માટેના સમયમાં પણ જરૂરી અંતરાલ રાખી ત્રણ ભાગમાં છોડવા અંગે સમજ કરવામાં આવી હતી. પીક અવર્સ દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે સિનિયર સીટીઝનોને વોલેન્ટીયરલી પોલીસને મદદરૂપ થવા આગળ આવવા અપીલ કરી હતી.

ટ્રાફિક સમસ્યાવાળાં સ્થળોએ વધુ મહેકમ ફાળવવાની અધિકારીને સૂચના આપવામાં આવી
ટ્રાફિક સમસ્યાવાળા સ્થળોએ ટ્રાફિક નિયમન કરવા માટે ટ્રાફિક શાખામાંથી વધુ મહેકમ ફાળવવાની જરૂર જણાય ત્યાંથી ટ્રાફિકને ડાયવર્ઝન આપવા ટ્રાફિક શાખાના અધિકારીને સુચના આપવામાં આવી હતી. નાર્કોટીક્સની બદી ડામવા માટે બાળકો અને યુવાનોમાં જાગૃત્તિ લાવવા અને આવી કોઇ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઇ પણ સ્થળે ચાલતી હોવાનું કોઇના પણ ધ્યાને આવે તો તેની જાણકારી પોલીસને આપવા અપીલ કરાઈ હતી.

Most Popular

To Top