SURAT

કિરણ એક્સપોર્ટમાં કર્મચારીને ‘હું ચોર છું’ની પ્લેટ પકડાવી અન્ય કારીગરો સામે ઊભો રાખી દેવાયો

સુરત: (Surat) વરાછામાં આવેલા કિરણ એક્સપોર્ટમાં (Kiran Export) હેડ તરીકે કામ કરતા કર્મચારીએ ભુલથી રાખેલા હીરાના (Diamond) પેકેટને પરત આપી દીધા બાદ તેની અદાવત રાખીને હેડને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મરાયો હતો. આ મામલે પોલીસે કોઇ ધ્યાન નહીં આપતા કોર્ટમાં ફરિયાદ થઇ હતી. સુરતની કોર્ટે કિરણ એક્સપોર્ટના માલિક વલ્લભ લાખાણી સહિત 15 શખ્સો સામે ગુનો નોંધવા ઉપરાંત પીએસઆઇ પઢીયાર સામે પણ તપાસ કરવા કમિશનરને આદેશ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા જકાતનાકા સેલીબ્રેશન હોમમાં રહેતા નૈનાબેનના પતિ જીગ્નેશકુમાર કાકડીયા વરાછાના કિરણ એક્સપોર્ટમાં હેડ તરીકે કામ કરતા હતા. તેઓએ ભૂલમાંથી પોતાની પાસે 22 કેરેટનું હીરાનું પેકેટ રાખી લીધું હતું અને ત્યારબાદ આ પેકેટ પરત માલિકને આપી દીધુ હતું. જે-તે સમયે કિરણ એક્સપોર્ટના વલ્લભ લાખાણીએ જીગ્નેશભાઇને જવા દીધા હતા. બાદમાં વલ્લભભાઇએ તા. 14મી ડિસેમ્બર-2021ના રોજ જીગ્નેશભાઇને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા. ત્યાં વલ્લભભાઇના ભત્રીજા વરૂણ બાબુભાઇ લખાણી, આશીષ બાબુભાઇ લખાણી પણ હાજર હતા. તેઓએ જીગ્નેશભાઇને પ્લાસ્ટિકના પાઇપથી માર મારી ધમકાવ્યો હતો કે, ‘તે ફ્લેટ ક્યાંથી અને કોના રૂપિયાથી લીધો છે, આ ઉપરાંત જીગ્નેશભાઇની પાસે ‘હું ચોર છું’ તેવું બોલાવડાવીને એક પ્લેટ ઉપર ‘હું ચોર છું’ લખાવીને ઊભો રાખી દીધો હતો. સાંજના સમયે જ્યારે કિરણ એક્સપોર્ટના અન્ય કર્મચારીઓ નીકળ્યા ત્યારે તેઓ જીગ્નેશભાઇને જોઇને હસવા લાગ્યા હતા.

આ મામલે નૈનાબેનએ વરાછા પોલીસમાં ફરિયાદ અરજી કરી હતી, ત્યારબાદ પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ કોઇ તપાસ કરવામાં નહીં આવતા આખરે નૈનાબેનએ વકીલ ડોલી શર્મા મારફતે સુરતની કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ કરી હતી. કોર્ટે ગુનાની ગંભીરતાને જોઇને કિરણ એક્સપોર્ટના વલ્લભ લાખાણી તેમજ કંપનીના બીજા 15 કર્મચારીની સામે ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. આ સાથે જ યોગ્ય તપાસ નહીં કરનાર વરાછા પોલીસના પીએસઆઇ પઢીયારની સામે તપાસ કરવાનો પોલીસ કમિશનરને આદેશ કરવામાં આવ્યો હતો.

નૈનાબેનએ કરેલી અરજીને દફતરે કરી દઇને બળજબરીથી તેમની સહી લેવાઇ હોવાના આક્ષેપ
પ્રાપ્ત વિગતો મુજબ વરાછા પોલીસના પીએસઆઇ પી.એન. પઢીયાર બેથી ત્રણ વાર નૈનાબેનના ઘરે ‘જીગ્નેશભાઇ ઘરે નથી, તેઓ ક્યાં છે તેઓની અમનો જાણ નથી અને તેનો કોઇ કોન્ટેક્ટ થયો નથી તેવા લખાણ ઉપર સહી લઇ લેવામાં આવી હતી’. જીગ્નેશભાઇની પાસે મેડીકલ પુરાવા હોવા છતાં પણ પોલીસે આરોપીઓની સામે કોઇપણ ફરિયાદ નોંધી ન હતી, અને નૈનાબેનની અરજી દફતરે કરી દેવામાં આવી હતી.

પોલીસે ભોગ બનનાર જીગ્નેશભાઇની સામે 40 લાખની ઠગાઇની ફરિયાદ નોંધી હતી
આ અંગે જીગ્નેશભાઇના વકીલ ડોલી શર્માના જણાવ્યા પ્રમાણે ગત તા. 14મી ડિસેમ્બરના રોજ જીગ્નેસભાઇને કિરણ એક્સપોર્ટના માલિકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ બાબતે તા. 15મી ડિસેમ્બર-2021ના રોજ વરાછા પોલીસ તેમજ પોલીસ કમિશનરને અરજી કરીને ગુનો દાખલ કરવા જણાવાયું હતું, ત્યારબાદ તા. 16મી ડિસેમ્બરના રોજ પોલીસે આખો દિવસ નૈનાબેનને બેસાડી રાખ્યા બાદ તા. 17મી ડિસેમ્બરના રોજ જીગ્નેસભાઇની સામે જ રૂા. 40 લાખની ઠગાઇનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં જીગ્નેશભાઇને ગુજરાત હાઇકોર્ટે આગોતરા જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે. ત્યારે પોલીસ સહિતના અન્ય હીરાના માલિકો સામે ગુનો નોંધવા માટે કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ થઇ હતી.

પોલીસે યુવકને માર મારીને અમાનવીય વર્તન કર્યું છે : કોર્ટનું તારણ
આરોપીઓ દ્વારા જીગ્નેસભાઇને માર મારીને અમાનવીય વર્તન કર્યું છે, પોલીસમાં અરજી આપ્યા છતાં પણ આરોપીઓ સામે કોઇ પગલા લેવાયા ન હતા. પોલીસે સુપ્રિમ કોર્ટના લલીતાકુમારી વિરુદ્ધ સ્ટેટ ઓફ યુપીના ચુકાદાનું પાલન કર્યું નથી. પોલીસ પહેલાથી જ ગુનો નોંધવા બંધાયેલા હોવા છતાં ગુનો દાખલ નહીં કરીને અરજી દફતરે કરી છે. આ ઉપરાંત સ્થળ ઉપરના સીસીટીવી કેમેરાના ફૂટેજ રીકવર કરવા, સાક્ષીઓના નિવેદનો લેવા, ફરિયાદી બહેનને સાથી રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કરવા તેમજ તપાસો અને પુરાવો એકત્રીત કરવાનો આદેશ કરાયો છે. આ ઉપરાંત કિરણ એકસ્પોર્ટના માલિકો તેમજ અન્ય લોકો સામે ગુનો નોંધીને કોર્ટમાં ફરિયાદ મોકલવાનો આદેશ કરાયો હતો. આ ઉપરાંત પીએસઆઇ પઢીયારની સામે તપાસ કરીને તેનો રિપોર્ટ કરવા પોલીસ કમિશનરને આદેશ કરાયો હતો.

કોની કોની સામે ગુનો નોંધાયો..?
સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ તેમજ કિરણ એક્સપોર્ટના માલિક વલ્લભ શામજીભાઇ લખાણી તેમના ભત્રીજા વરૂણ બાબુભાઇ લખાણી, આશીષ બાબુભાઇ લખાણી, જીતુભાઇ મિયાણી, જીતેશભાઇ ઝડફીયા, પરેશ ગજેરા, ભાર્દિક કલથીયા, અશ્વિન ઇટાલીયા, રાજેન્દ્ર આકોલીયા, જયદિપ ભીમાણી, કાર્તિક સોજીત્રા, અરવિંદ બેલડીયા, હરેશળ જાળીયા, વિજય કાનાણી, સાવિલયા મનોજની સામે ગુનો નોંધવા માટે કોર્ટે આદેશ કર્યો હતો.

Most Popular

To Top