SURAT

વરાછાના હીરા બાગ ખાતે મનપાના દબાણ સ્ટાફ પર ચપ્પુથી હુમલો

સુરત: (Surat) સુરત મનપાના દબાણ સ્ટાફ પર હુમલાની ઘટના એસઆરપીની ટુકડી આવ્યા બાદ પણ ઓછી થઇ નથી. સોમવારે વરાછા ઝોનમાં (Varachah Zone) હીરાબાગથી અશ્વનિકુમાર રોડ પરના દબાણો હટાવવા ગયેલા મનપાના સ્ટાફ (Corporation Staff) પર ચપ્પુ વડે હુમલો થતાં હોબાળો મચી ગયો હતો. હોબાળો થતાં મનપાના સ્ટાફને દબાણ હટાવ્યા વગર પરત ફરવું પડ્યું હતુ.

મળતી વિગત મુજબ હીરાબાગ સર્કલ પી.પી. સવાણી શાળાની સામે શેરડી વેચનારાઓના દબાણો હટાવી રહેલા મનપાના સ્ટાફ સાથે દબાણકર્તાઓનું ઘર્ષણ થયું હતું. મનપી ટીમ શેરડીઓના ભારા ડમ્પરમાં ભરી રહ્યા હતા, ત્યારે એક યુવાન અચાનક ત્યાં ધસી ગયો હતો તેમજ મનપાનો સ્ટાફ ગરીબ લોકો પર દાદાગરી કરતો હોવાના આક્ષેપ ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો એટલુ જ નહીં શેરડી કાપવાનું ચપ્પુ મંગાવી મનપાના સ્ટાફ સામે ધસી જતાં મામલો ગરમાયો હતો. મનપાના સુરક્ષા ગાર્ડો સાથે હોવા છતાં મનપાની કાર્યવાહી સામે અડચણ નાંખી દાદાગીરી કરતા દબાણકર્તાઓ સામે નમતું જોખી મનપાના સ્ટારે પરત ફરવુ પડ્યું હતું.

કોરોનાની વિગતો માટેની સુરક્ષા કવચ એપની અવગણના કરતી 300 સ્કૂલ્સને નોટિસ

સુરત: ડોનેશન અને ફીના નામે ઉઘરાણાં કરતી શહેરની જાણીતી સ્કૂલ્સને બાળકોનાં આરોગ્યની પડી હોય તેવું જણાતું નથી. રાજ્ય સરકારની સુરક્ષા કવચ એપ ઉપર વિગતો અપલોડ કરવામાં આડાઇ કરતી 300 સ્કૂલ્સને ડીઇઓએ નોટિસ ફટકારી લેખિત ખુલાસા મંગાવ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં ફરી બિલ્લીપગે કોરોના પગપેસારો કરી ગયો છે. રોજબરોજ કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણમાં રોજરોજ નવા વેરિએન્ટનું મિશ્રણ બહાર આવતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. દેશભરમાં ફરી કોરોનાનો ભય ડોકાવા લાગ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરત શહેર અને જિલ્લામાં 1300 પૈકી આશરે 300 જેટલી સ્કૂલ્સના સંચાલકોએ બાળકોનાં આરોગ્યની કાળજીમાં દુર્લક્ષ સેવ્યું છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં અંતરંગ સૂત્રોના કહેવાનુસાર સરકારે કોવિડ ગાઇડલાઇનના પાલનની શરતે સ્કૂલ્સ શરૂ કરવા પરવાનગી આપી હતી. દરેક સ્કૂલ્સ તરફથી પણ આ ગાઇડલાઇનના પાલન માટે તૈયારી દર્શાવાઇ હતી. પરંતુ તે માત્ર સ્કૂલ્સ ઓપન કરવા પૂરતું જ દેખાઇ રહ્યું છે. કેમ કે, શહેરની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સહિત સરકારી અને ખાનગી સહિત અનુદાનિત સંસ્થાઓએ સુરક્ષા કવચ એપની અનદેખી કરી છે. સુરક્ષા કવચ એપ રાજ્ય સરકારની છે. આ એપ ઉપર સ્કૂલ્સને રોજેરોજની વિગતો અપલોડ કરવા તાકીદ કરાતી હતી. પરંતુ સ્કૂલ્સ મેનેજમેન્ટ તરફથી આ એપને ગંભીરતાથી લેવાઇ ન હતી. જેના પગલે અકળાઇ ઊઠેલા જિલ્લા શિક્ષણાધિકારીએ 300 જેટલી અલગ અલગ સ્કૂલ્સને નોટિસ ફટકારી લેખિત ખુલાસા માંગ્યા છે. સુરક્ષા કવચ એપમાં બાળકોની હાજરી ગેરહાજરી સહિત આરોગ્યવિષયક તાજા માહિતી અપલોડ કરવાની હોય છે. પરંતુ સ્કૂલ્સ સંચાલકો તરફથી કોઇ પ્રતિભાવ નહીં અપાતાં ડીઇઓએ નોટિસો ફટકારી છે.

Most Popular

To Top