SURAT

નાના વરાછાને મોટા વરાછાથી જોડતાં રિવર બ્રિજનું કામ ઝડપથી પુરું નહીં થાય તો.. તંત્રને મળી ચેતવણી

સુરત: (Surat) સુરતના વરાછા રોડ વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે તેમના વિધાનસભા ક્ષેત્રના પ્રશ્નોને મુદ્દે આક્રમક વલણ અપનાવી વહીવટીતંત્ર સામે લાલ આંખ કરે છે. જેના કારણે તે હંમેશા ચર્ચામાં પણ રહે છે. દબંગ નેતા તરીકે પંકાયેલા કુમાર કાનાણી લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પોતાના જ પક્ષની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભો કરવામાં ડરતા નથી તેવી એકથી વધુ વખત પ્રતિતિ થઇ ચુકી છે. ત્યારે હવે નાના વરાછાને (Varachha) મોટા વરાછાથી જોડતાં રિવરફ્રન્ટ બ્રિજની (Bridge) વિલંબથી ચાલી રહેલી કામગીરી મુદ્દે મનપાના કમિશનરને પત્ર લખીને ફરી એકવાર વહીવટી તંત્રનો કાન આમળ્યો છે અને લોક આંદોલન થાય તે પહેલા બ્રિજની કામગીરી પુરી કરવા તાકીદ કરી છે.

  • લોકઆંદોલન થાય તે પૂર્વે નાના-મોટા વરાછાને જોડતો રિવરબ્રિજ પુરો કરો: કાનાણીની ગર્ભિત ધમકી
  • ભાજપના ધારાસભ્યએ વહીવટી તંત્રનો કાન આમળવા સાથે પોતાના જ પક્ષની કામગીરી સામે પ્રશ્ન ઉભો કર્યો
  • બ્રિજ સેલએ જાન્યુ.માં બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા ખાતરી આપી હતી, લોકો ટ્રાફિકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

વિસ્તૃત વિગતો મુજબ નાના વરાછાથી મોટા વરાછાને જોડતા રિવરબ્રિજની કામગીરી છેલ્લા ઘણાં સમયથી ચાલી રહી છે. વરાછા મેઈન રોડ પર ચીકુવાડી ખાતે તાપી પરના બ્રિજની વરાછા મેઈનરોડ પર ક્રોસિંગ માટે ઘણા સમયથી બ્રિજનું કામ ચાલે છે, જેથી વરાછા મેઈન રોડ પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધારે રહેતું હોય છે. જેના લીધે ચીકુવાડી ખાતે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ છે. આ બાબતે ગત જાન્યુઆરી માસમાં પણ કાનાણીએ પત્ર લખ્યો હતો, ત્યારે બ્રિજસેલ દ્વારા તા. 04/01/2023ના રોજ જવાબ આપવામાં આવ્યો હતો કે, આ બ્રિજની કામગીરીનો આ અંતિમ તબક્કો હોય, આ કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે.

પરંતુ 6 માસ જેટલો સમય વીતી જવા છતાં આજદિન સુધી એક સાઈડની પણ બોક્સ્ટ્રીંગ ગર્ડરની કામગીરી પૂર્ણ થયેલ નથી અને ગોકળગતિએ ચાલતી કામગીરીને લીધે લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. તો આ બ્રિજની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવા મારી માગણી છે એવું કાનાણીએ કહ્યું છે. કાનાણીએ એવા પણ સવાલો કર્યા છે કે, નાના વરાછા અને મોટા વરાછાને જોડતા રિવરબ્રિજની કામગીરીની સમયમર્યાદા ક્યારે પૂર્ણ થઇ છે? કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવા માટે વધારાની સમયમર્યાદા માંગવામાં આવી હતી કે કેમ અને તેના શું કારણો આપવામાં આવેલા હતાં? માંગેલ વધારાની સમયમર્યાદા ક્યારે પૂર્ણ થઇ? તેમજ એવી પણ ટકોર કરી છે કે, લોકઆંદોલન થાય તે પહેલા આ બ્રિજનું કામ પુરૂં કરવું જોઇએ.

Most Popular

To Top