SURAT

રેલવેએ કબજો આપી દેતાં આખરે સુરત વરાછા રોડ પર પોદ્દાર આર્કેડ પાસેનો બોટલનેક ખુલી ગયો

સુરત: (Surat) ટ્રાફિકનું (Traffic) સૌથી વધુ ભારણ ધરાવતાં વરાછા રોડ (Varacha Road) પર વરસોથી પોદ્દાર આર્કેડ નજીક બોટલનેકને કારણે ટ્રાફિકજામની સમસ્યા થઇ રહી છે. અહીં રેલવેની જમીનનો કબજો નહીં મળતો હોવાથી આ સમસ્યા હતી, જે બાબતે પૂર્વ નગરસેવક કાંતિ ભંડેરી પ્રથમ વખત ચૂંટાયા ત્યારથી રેલવેની જમીન મેળવી બોટલનેક (Bottleneck) દુર કરવા બાબતે રજૂઆતો શરૂ કરી હતી, તબક્કાવાર રેલવે સાથે સમજૂતિ થયા બાદ પણ કબજો નહીં મળતાં સમસ્યા યથાવત હતી, તેથી તાજેતરમાં જ આ વિસ્તારમાંથી ચૂંટાઇ આવેલા નગરસેવક દક્ષેશ માવાણીએ પણ પ્રયત્નો ચાલુ રાખ્યા હતા.

  • છેલ્લા એક દાયકાથી કાંતિ ભંડેરી, દક્ષેશ માવાણી સહિતના સ્થાનિક નગરસેવકો દ્વારા થયેલી રજૂઆતો આખરે રંગ લાવી
  • પોદાર આર્કેટ પાસે રેલવેની 3300 ચોરસ મીટર જમીન મનપાને મળી જતાં રસ્તો સીધો થઇ જશે

દરમિયાન સ્થાનિક સાંસદ દર્શના જરદોષ રેલ્વે મંત્રી બનતાં ફરીથી આ બન્ને દ્વારા રજૂઆતો કરાઇ હોય આખરે સુરત મહાનગર પાલિકાને રેલવે હસ્તકની જમીનનો કબ્જો મળી ગયો છે. હવે આ વિસ્તારમાં ખાંડ બજારથી વરાછા તરફ જવાના રસ્તા પર ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે જ બીઆરટીએસ માટે પણ સુગમતા રહેશે. મંગળવારે વહેલી સવારે ખુદ મ્યુનિ.કમિ. બંછાનીધી પાની અને મેયર હેમાલી બોઘાવાલા, સ્થાનિક ધારાસભ્ય પ્રવિણ ધોધારી, પૂર્વ નગરસેવક કાંતિ ભંડેરી અને વર્તમાન સભ્ય દક્ષેશ માવાણી દ્વારા સ્થળ પર હાજર રહી જમીનનો કબજો લેવડાવાયો હતો.

સુરત મહાનગર પાલિકા દ્વારા પોદ્દાર આર્કેડ પાસે બોટલનેક રસ્તાને કારણે રેલવે પાસેથી જમીન મેળવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. ૩૫ વર્ષ જુની આ સમસ્યાને પગલે વરાછાવાસીઓ પોદ્દાર આર્કેડથી પસાર થતાં રસ્તા પર છાશવારે ટ્રાફિક જામની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા હતા. અલબત્ત, ગત જુન ૨૦૨૧માં મહાનગર પાલિકા દ્વારા ઠરાવ કરીને રેલવે હસ્તકની ૩૩૦૦ સ્કવેર ફુટ જમીન મેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી. અંદાજે ૨.૮૩ કરોડ રૂપિયાનું અવેજ ચુકવીને મહાનગર પાલિકા દ્વારા રેલવે પાસેથી આ જમીન મેળવવામાં આજે સફળતા સાંપડી છે.

આ સંદર્ભે રેલવે બોર્ડ દ્વારા પણ ગત ઓગસ્ટ મહિનામાં ઠરાવ કરીને વિધિવત્ રીતે રેલવે કોલોની પાસે આવેલી આ ૩૩૦૦ સ્કવેર ફીટ જમીન સુરત મહાનગર પાલિકાને આપવા માટે તૈયાર દાખવી હતી. આજે રેલવેની આ જમીનનો કબ્જો મેળવવાની સાથે જ હવે આ વિસ્તારમાં દાયકાઓ જુની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે થશે. ઉલ્લેખનીય છે કે, વરાછા ઝોન દ્વારા આ વિસ્તારમાં જ ગઈકાલે પોદ્દાર આર્કેડ પાસે આવેલ લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આજે હવે આ વિસ્તારમાં જ આવેલા રેલવેની જમીનનો કબ્જો મેળવ્યા બાદ હવે આગામી સમયમાં આ વિસ્તારમાં ટ્રાફિકનું દૂષણ ભૂતકાળ બનશે તે નિશ્ચિત છે.

Most Popular

To Top