SURAT

ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી 87 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ

સુરતઃ (Surat) સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદીમાં (Tapi River) છેલ્લા ચાર-પાંચ દિવસથી ઉકાઇ ડેમમાંથી ભારે માત્રામાં પાણી (Water) છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. પરંતુ હવે ઉપરવાસમાં વરસાદે (Rain) વિરામ લેતાં આજે ઉકાઈ ડેમમાં (Ukai Dam) ૫૮ હજાર ક્યુસેક પાણીની આવકની સામે ૮૭ હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું હતું.

  • હથનુર ડેમમાંથી પણ પાણીનો ડિસ્ચાર્જ ઘટાડીને ૨૮ હજાર ક્યુસેક કરાયો
  • ઉપરવાસમાં વરસાદનો વિરામ, ઉકાઈ ડેમમાં ૫૮ હજાર ક્યુસેક પાણીની આવક
  • ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૩૩ ફુટ, હાલ ડેમની સપાટી ૩૩૪.૦૮ ફુટ
  • ઉકાઇ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે

ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રેઈન ગેજ સ્ટેશનો પર વિતેલા ૨૪ કલાકમાં વરસાદે વિરામ નોંધાવ્યો હતો. જેને કારણે હથનુર ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડી દેવાયું હતું. હાલ હથનુર ડેમમાંથી 24 ગેટ પુરેપુરા ખોલીને 28 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેની સામે ઉકાઈ ડેમમાં અત્યારે હથનુર અને પ્રકાશામાંથી 58 હજાર ક્યુસેક પાણીની આવક છે. જેની સામે ઉકાઇ ડેમમાંથી ૮૭ હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૩૩ ફુટ છે . અને હાલ ડેમની સપાટી ૩૩૪.૦૮ ફુટ છે. એટલે કે ઉકાઈ ડેમનું લેવલ જળવાય ત્યાં સુધી ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ રખાશે. હાલ ઉકાઈ ડેમના સાત ગેટ ૬ ફુટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. પ્રકાશા ડેમમાંથી પણ લોકલ વરસાદને કારણે 57 હજાર કયુસેકસ પાણી છોડાઇ રહયુ છે.

સુરત શહેરમાં ધીમી ધારે અડધો ઇંચ વરસાદ
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો હતો. જોકે આગામી ત્રણ-ચાર દિવસ ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે દિવસભર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર પછી શહેર અને જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બપોરે સુરત શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરપાડામાં 4 મીમી, ઓલપાડમાં 1 મીમી, કામરેજમાં 4 મીમી, પલસાણામાં 5 મીમી, બારડોલીમાં 10 મીમી, મહુવામાં 11 મીમી, માંડવીમાં 16 મીમી વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top